આનંદીબેનને પુનઃપ્રસ્થાપિત કરવાની પેરવી, ૭૫ વર્ષથી મોટી વયના ઉમેદવારને પણ ભાજપ ચૂંટણી ટિકિટ આપશે !
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના નગારાં વાગવાની શરૃઆત થઈ છે. હવે ઉમેદવારો નક્કી થશે એ સ્પષ્ટ બન્યું છે. દરમિયાન, વયના કારણે વરિષ્ઠોને એક બાજુએ મૂકી દેવાની વાતને જ હવે એક કોરાણે મૂકી દેવાઈ છે. પક્ષ પ્રમુખ અમિત શાહે તાજેતરમાં જ કહ્યું છે કે ટિકિટ નહીં આપવા માટેના માપદંડમાં ૭૫ વર્ષની વયનો બાબત અસ્થાને છે. રાજકીય સૂત્રોના મતે આ સમય અને પોતાને અનુકૂળ પડે તેવી બાબતથી લેવાયેલો નિર્ણય છે. રાજકીય પંડિતો કહે છે કે ૨૦૧૪માં ભાજ્પ સત્તાનશીન થયો ત્યારે સરકારમાં, પક્ષમાં મહત્ત્વના હોધા આપતી વખતે ૭૫ વર્ષથી મોટા હોય તેવાઓને બાકાત રાખવાનું ગતકડું ચલાવાયું હતું.
આમ કરવા પાછળનું ચોક્કસ ગણિત એ હતું કે લાલકૃષ્ણ અડવાણી, ડૉ.મુરલી મનોહર જોશી, જેવા વડીલ અગ્રણીઓને એક બાજુએ રાખી દેવાના હતા. આ એવા લોકો હતા જેમણે લાંબા સમય સુધી અને કપરાકાળમાં પક્ષને નેતૃત્વ પૂરું પાડયું હતું. ત્યારે વધુ સમય વિપક્ષમાં બેસીને જ કામ કરવાનું હતું. સત્તા હાથવગી બની ત્યારે નવી પેઢી, નવું સુકાનનું સૂત્ર ફરતું કરી અડવાણી-જોષી વગેરેને વખારે નાખી દેવાયા હતા. હવે તમે માગદર્શક મંડળમાં જ ઢીકછો એવો સંદેશો આપી દેવાયો. મોદી- શાહની આ પેરવીને જેટલી, રવિશંકરપ્રસાદ, ગડકરી, વેન્કૈયા નાયડુ વગેરેએ જોરશોરથી ટેકો આપી દીધો અને તેના બદલામાં સત્તામાં ગોઠવાઈ ગયા. યશવંતસિંહા, સ્વ. જશવંતસિંહ, ક્લ્યાણસિંહ વગેરે જેવા મુખ્યપ્રવાહથી દૂર થઇ ગયા. અડવાણી હોય કે જોષી- એમને કોઈ પૂછતું પણ નથી. આવી જ પેરવીના ભાગરૃપે ગયા વર્ષે ૨૦૧૬માં ગુજરાતમાં આનંદીબહેનને પરાણે પદયાત્રા કરાવવામાં અમિતશાહ જૂથ સક્રિય અને સફળ રહ્યું. મોદીએ ત્યારે ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોની ચૂંટણીના સંદર્ભમાં અમિતશાહને છૂટોદોર આપ્યો હતો. હવે ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગવા માંડયા છે. કર્ણાટકામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે આનંદીબહેનને પણ પૂરતું મહત્ત્વ આપવું પડે તેવી સ્થિતિ છે. એટલે રાષ્ટ્રીય કક્ષાએથી ૭૫ વર્ષ વર્ષની વયમર્યાદાનું ધોરણ અભેરાઈએ ચડાવી દેવાયું છે. આનંદીબહેને ફેસબુક પર જ રાજીનામું આપી દેતો પત્ર મૂક્યો અને ૭૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠો હોદ્દો છોડે, નવાઓને તક આપે તેવો પ્રશ્નો મત હોવાનું જણાવેલું. ભાજ્પમાં ત્યારે કોઈએ એ વખતે આ વાત બધાને લાગુ પડતી નથી એમ નહોતું કહ્યું. બધા જ લોકો દિલ્હીથી મોકલાયેલી તર્જ પર જ એકતાનાં ગીત ગાતા હતા, ત્યાંથી આવી સ્ક્રીપ્ટ મુજબ બોલતા હતા. હવે ખુદ અમિત શાહે જ જૂદુ વાજું વગાડવા માંડયું છે અને વયમર્યાદા કોઈ મુદ્દો જ નથી, મોટી ઉમ્મરનાને પણ ટિકિટ અપાશે એવું ગાણું ગળ્યું છે. લાગે છે કે ભાજ્પને બ્રહ્મજ્ઞાાન લાધ્વું છે કે ઘરડા જ ગાડાં વાળી શકશે ! નિષ્ણાતો કહે છે કે ૨૦૧૬માં થયું તે એક રાજકીય ષડયંત્ર જ હતું. તેઓ આ વાતને સ્વ. ઇન્દિરા ગાંધી વખતની કામરાજ યોજનાને વર્ણવે છે. ઇન્દિરા ગાંધીએ આ યોજનાની આડમાં સ્વ. મોરારજીભાઈ દેસાઈની હકાલપટ્ટી કરી નાખી હતી. અને એ પછીથી જ કોંગ્રેસમાં ભંગાણ પડયું હતું. વરિષ્ઠો લઘુમતીમાં આવી ગયા અને ઇન્દિરાજી સર્વેસર્વા બની રહ્યાં હતાં. નિષ્ણાતો વ્યંગમાં કહે છે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. કોંગ્રેસ જેવી જ યોજનાઓ અમલમાં મૂકાય છે. અનુકૂળતા મુજબ ફેરફાર સાધી લેવાય છે. અત્યારે, ગુજરાતમાંથી આનંદીબહેનને ચૂંટણી લડાવવાની અનિવાર્યતા ઊભી કરાઈ રહી છે તેમને મહત્ત્વ અપાઈ રહ્યું છે અને તેથી વયમર્યાદાની પોતાની જ વાતે પક્ષે એકબાજુ હડસેલી દીધી છે. કહે છે કે અમિતભાઈને રાજ્યસભામાં મોકલાવીને મોદીએ અહીંનું રાજકીય મેદાન સાફ કરી આપ્યું છે.