મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (12:31 IST)

ગુજરાતમાં ભાષાનીતિ તૈયાર કરવામાં આવશે: વિજય રૂપાણી

ગુજરાતી ભાષાની મહત્તા અને ગૌરવ - સન્માન વધારવા હેતુ રાજ્યમાં ભાષાનીતિ તૈયાર કરવાની નેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત યુનિવર્સિટી સાથે મળીને આ નીતિ માટે રાજ્ય સરકારનું દિશાદર્શન - માર્ગદર્શન કરે એવું સૂચન પણ તેમણે કર્યું હતું. અમદાવાદમાં યોજાઇ રહેલા પાંચમા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતાં રૂપાણીએ ભાષાથી અલિપ્ત થઇ રહેલી યુવા-બાળપેઢીને પોતાની માતૃભાષા પ્રત્યે વાળવાની નિતાંત આવશ્યકતા સમજાવી હતી.

રૂપાણીએ ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને વર્તમાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વાંચે ગુજરાત જેવા અભિયાનોથી સમાજમાં ભાષાવાંચન અને માતૃભાષામાં સર્જન અને માતૃભાષા પ્રત્યેનો આદર વધારવાનો જે યજ્ઞ આદર્યો હતો તેને આગળ વધારવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું આ ભાષા સેવા તપ એળે નહીં જાય એવો વિશ્ર્વાસ આપતાં મુખ્ય પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર આવા લિટરેચર ફેસ્ટિવલને સંપૂર્ણ પ્રોત્સાહન અને સહયોગ આપશે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલથી પુસ્તક વિશેનું એક આગવું મહત્ત્વ ઊભું થયું છે અને તેનાથી ગુજરાતી સાહત્યિને વૈશ્ર્વિક સ્તરે પ્રસ્થાપિત કરવા માટેની ચોક્કસ દિશા મળશે તેવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના સંયોજક શ્રી શ્યામ પારેખે જણાવ્યું કે, ગુજરાતી ભાષાને કેવી રીતે લોકભાોગ્ય અને પ્રખ્યાત બનાવવી તેનાં ખ્યાલમાંથી લિટરેચર ફેસ્ટિવલની શરૂઆત થઇ છે. સાહિત્યિક જગતના વિશ્ર્વ પ્રવાહો સાથે કદમ મીલાવવાના વિચારમાંથી આ ફેસ્ટિવલ શરૂ થયો છે. જાણીતા ગુજરાતી લેખિકા શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું કે, આ ફેસ્ટિવલથી યુવાનો સુધી પહોંચવું છે અને સાહત્યિને ખોળે પણ ઘણું બધું હાંસલ કરી શકાય છે તેવો દૃઢ વિશ્ર્વાસ યુવાનોમાં ઊભો કરવો છે. સાહિત્યની કદર થાય અને ગુજરાતની અસ્મિતા વધુ ઉજાગર થાય તેવો ફેસ્ટિવલનો પ્રયાસ છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પત્નિ શ્રીમતી અમૃતા ફડણવીસે જણાવ્યું કે, નવી યુવા પ્રતિભાઓને આગળ વધારવા માટે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ ઉપકારક બની રહેશે. કલા તલવારથી વધુ શક્તિશાળી છે તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, સારી વાર્તા, કવિતા યુવાઓને સાચો અને સારો માર્ગ બતાવી શકશે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ વિષ્ણુભાઇ પંડ્યા, ગુજરાતના ગણમાન્ય લેખકો, કવિઓ તથા સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા