સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:04 IST)

ચૂંટણી બાદ ગુજરાતના અચ્છે દિન પુરાં, પાણી બાદ હવે વીજ કાપ માટે પણ રહેવું પડશે તૈયાર

ગુજરાત સરકારે ઉનાળાની શરુઆત પહેલા જ રાજ્યમાં પાણીની અછત રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. તેની સાથે રાજ્યમાં વીજળીની તંગીના એંધાણ છે.  નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ‘રાજ્યમાં શિયાળો પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે વીજળીની માગ સતત વધી રહી છે. જ્યારે આયાતી કોલસા આધારીત 3000MW અને ગેસ આધારીત 5000MWના બે પ્લાંટ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી હાલ રાજ્યની વીજ માગને પહોંચી વળવા માટે ઓપન માર્કેટમાંથી 400MW વીજળી ખરીદવામાં આવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલ રાજ્યની કુલ વીજ માગ 11,800MW છે. જે ગત વર્ષે ઉનાળાના મધ્યમાં 15,570MW જેટલી થઈ ગઈ હતી. આ વખતે અમને લાગી રહ્યું છે કે આ માગમાં 10% જેટલો વધારો થઈ શકે છે. તેમજ પાણીની પણ તંગી હોવાથી ભૂગર્ભ જળ કાઢવા માટે વીજળીનો વધુ વપરાશ થશે જે પણ સીધી અસરકર્તા બાબત છે. રાજ્યના તમામ જળાશયોમાં પૂરતા પાણીના અભાવે લોકો પાણીની જરુરીયાત પૂર્ણ કરવા માટે બોરવેલ અને કૂવા પર વધુ નિર્ભર રહેશે. જેના માટે તેઓ પાણીની મોટરનો યુઝ કરશે. જેથી વર્તમાન ડિમાન્ડની અપેક્ષાએ આગામી 3 મહિનામાં વીજળીની માગ 5200MW જેટલી વધી શકે છે. જેના કારણે રાજ્યને માર્કેટ પ્રાઇઝથી વીજળી ખરીદવાનો વારો આવશે. ડેમમાં પાણી પૂરતા ન હોવાના કારણે રાજ્યના જળવિદ્યુત મથકો પણ ઉનાળા દરમિયાન બંધ રહેશે.  જોકે માગને જોતા અને રાજ્ય સરકાર હસ્તકના આવા પ્લાનની ઓછી ઉત્પાદન ક્ષમતાને જોતા રાજ્ય સરકાર 24 કલાક વીજળી આપવા માટે અન્ય બેકઅપ પ્લાન તૈયાર કર્યો છે. ગત વર્ષે પણ રાજ્ય સરકારે રુ. 1200 કરોડના ખર્ચે માર્કેટમાંથી વીજળી ખરીદવી પડી હતી ત્યારે આ વર્ષે પણ લગભગ રુ.1500 કરોડ જેટલુ ફંડ આ પાછળ ખરીદવું પડશે.