ભાજપે કાલ્પનિક સપનાઓનું વેચાણ કરી વાયદાનો વેપાર કર્યો - પરેશ ધાનાણી
ગુજરાતની જનતા પર સતત વેરાનું ભારણ વધારનારી ભાજપ સરકારે કાલ્પનિક સપનાઓનું વેચાણ કરી વાયદાઓનો વેપાર જ કર્યો છે. ૨૨ વર્ષના શાસન પછી ભાજપ સરકાર કાલ્પનિક વિકાસનો ભ્રમ ઊભો કરવામાં સફળ થઇ છે પરંતુ વિકાસને જમીન પર ઉતારી શકી નથી તેવા નિવેદન સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપના ૨૦૧૮-૧૯ના ગુજરાતના બજેટની આકરા શબ્દોમાં ટીકા કરી છે. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 'ભાજપ સરકાર પ્રજાની તિજોરી ઉપર તરાપ મારતા ઉત્સવો, મેળાવડાઓ, તાયફાઓમાં સરકારી નાણા વેડફે છે પરંતુ પ્રજા પરના વેરાનું ભારણ ઘટાડી શકી નથી. વર્ષ પરંપરાગત વેરાનું ભારણ વધાર્યા પછી પણ સામાન્ય માણસની સમસ્યાઓને હલ કરી શકાઇ નથી.
ગુજરાતની સામાન્ય પ્રજાની એકપણ સમસ્યાનો ઉકેલ આ બજેટમાં ક્યાંયપણ દેખાતો નથી. ' આજે બજેટ સત્રના બીજા દિવસથી પત્રકાર આલમમાં નારાજગી ફેલાયેલી જોવા મળી હતી. આ અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું કે, '૧૯૬૦થી લઇને ગુજરાતના સંસદીય ઈતિહાસમાં આજનો દિવસ એ કાળી ઘટના છે. મીડિયાને વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો પડે તેવી આ પ્રથમ ઘટના છે. ગૃહમાં અગાઉ પત્રકારોને કેમેરા સાથે પ્રવેશ અપાતો. પરંતુ હવે ભાજપે મીડિયાને ગળે ટૂંપો દેતા કેમેરા તો દૂર બજેટનું જીવંત પ્રસારણ પણ બંધ કરાવ્યું છે. હકીકતમાં વિધાનસભા ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જોઇએ.'