શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (17:45 IST)

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સામે તેની સેનામાં રોષ ફેલાયો

ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ગુજરાત કોંગ્રેસમાં તો કકળાટ હતો જ હવે ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ અલ્પેશ સામે જબરદસ્ત રોષ ફેલાયો છે. ઠાકોર સેનાએ ગાંધીનગર ખાતેના એક ફાર્મ હાઉસમાં મંગળવારે મિટિંગ બોલાવી હતી, જેમાં સેનાએ અલ્પેશ ઠાકોરથી જ છેડો ફાડી નાંખવાનો નિર્ણય કર્યો હતો. ઠાકોર સમાજના નવા સંગઠનની રચના કરવાનો નિર્ણય કરાયો છે અને હવે બે હજાર આગેવાનો ભેગા મળીને તેનો નિર્ણય કરશે. બીજી તરફ સમાજની જાણ બહાર જ અલ્પેશે બારોબાર પોતાના મળતિયાના નામો હોદ્દેદાર તરીકે જાહેર કરી દીધા હોવાનો પણ દાવો છે.

ઠાકોર સેનાના પૂર્વ આગેવાન રમેશ ઠાકોરે જણાવ્યું કે, અલ્પેશ ઠાકોર સમાજના આગેવાનોને પૂછયા તાછયા વિના મનઘડત નિર્ણયો લે છે, સેનામાં અલ્પેશે ક્યારેય ૧૦૦ રૃપિયા પણ વાપર્યા નથી અને સરમુખ્તિયારશાહીની જેમ વર્તે છે. અલ્પેશની તાનાશાહીથી ઠાકોર સેનાને કોંગ્રેસ સેના બનાવી દેવામાં આવી છે. કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે પણ તેને સમાજથી પૂછયું ન હતું. મિટિંગમાં આક્ષેપો થયા તેના પરથી જ સ્પષ્ટ થાય છે કે, ઠાકોર સેનામાં ભડકો થયો છે. મિટિંગમાં બળાપો કાઢવામાં આવ્યો હતો કે, અલ્પેશે સ્વાર્થની રાજનીતિ રમીને ઠાકોર સમાજ સાથે દગો કર્યો છે.
આ અલ્પેશ પોતાના સમાજનું ભલું નથી કરી શક્યો તે વળી અન્ય સમાજને શું આપી શકવાનો છે. સંગઠનમાંથી રમેશ ઠાકોરને જ પડતાં મૂકવાનો નિર્ણય લેવાયો છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય સમાજનો નહિ અલ્પેશનો છે. તેના આ નિર્ણયને સમાજ માનવાનો નથી. બીજી તરફ સૂત્રો કહે છે કે, સેનામાં અલ્પેશે પોતાના માણસોને હોદ્દા આપી દીધા છે. જોકે ઠાકોર સમાજને આગેવાનો એકત્ર થઈને આગામી નિર્ણય જાહેર કરશે. સૂત્રો કહે છે કે, ઠાકોર સેનામાં તડાં પડયા છે અને ઠાકોર સમાજ જ અલ્પેશ ઠાકોરની સામે ઊતર્યું છે અને આ જૂથે હવે અલ્પેશને જ ક્ષત્રિય ઠાકોર સેનામાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.