સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (12:55 IST)

ગુજરાતમાં પટેલ સીએમ ક્યારેય પોતાની ટર્મ પુરી ના કરી શક્યાં તેનું કારણ શું હોઈ શકે?

ગુજરાતમાં અત્યાર સુધીનો એક વિક્રમ રહ્યો છે કે પાટીદાર સમાજના એકપણ મુખ્યમંત્રી પોતાની ટર્મ પુરી કરી શક્યાં નથી. આ એક ઐતિહાસિક બાબત ગણવામાં આવે છે. તેનું પુનરાવર્તન પણ આનંદીબેનના રાજીનામાને લઈને જોવા મળ્યું છે. હવે જોવાનું એ છે કે ગુજરાતના નવા સીએમ પાટીદાર બને છે કે પછી કોઈ અન્ય સમાજના. અહીં પાટીદાર સમાજના મુખ્યમંત્રીની સીટ સલામત ના રહેતી હોવાના કેટલાક કારણો આપ્યાં છે.
રોટી-રમખાણે પહેલો ભોગ લીધો

ગુજરાતના સૌપ્રથમ પાટીદાર મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં બળવો કરીને મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા અને માત્ર સાડા ચાર મહિનામાં જ રોટી-રમખાણોને કારણે તેમણે સીટ છોડવી પડી હતી. ૧૯૭૪માં રાજ્યમાં નવ-નિર્માણનું આંદોલન છેડાયેલું, જે રોટી-રમખાણથી જાણીતું બન્યું હતું.

ઈમરજન્સી પણ જવાબદાર

ચીમનભાઈ બાદ નડિયાદના પાટીદાર નેતા બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧૯૭૫થી ૧૯૭૬ સુધીમાં નવ મહિના સુધી બાબુભાઈ મુખ્યમંત્રી રહ્યા. તેઓ ગુજરાતના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. જોકે આ વખતે ઇમરજન્સીને કારણે સરકાર પડી ભાંગી અને રાજ્યમાં ફરીથી રાષ્ટ્રપતિ શાસન લદાયું

પક્ષમાં બળવો થવાને કારણે માધવસિંહને ફટકો

ઇમરજન્સી બાદ માધવસિંહ સોલંકીને ઊથલાવીને જનતા મોરચાએ ફરી વાર સત્તા હાંસલ કરી જેના વડા પણ બાબુભાઈ હતા. આમ તેઓ ફરીથી ૧૯૭૭-૭૮માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ સમયે પ્રજા સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ (ઓ) વગેરેએ ટેકો ખેંચી લેતા તેમની સરકાર ગઈ અને ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી ગયું.

ચીમનભાઈ પટેલનું અવસાન

૧૯૯૦માં ચીમનભાઈ પટેલ ફરીથી ગુજરાતની ગાદીએ બેઠા અને ૧૯૯૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. પહેલાં પોતાની પાર્ટી જનતા દળ-ગુજરાત અને ત્યાર બાદ કોંગ્રેસ સાથે મળીને ચાર વર્ષ ગાદી પર રહ્યા. જોકે ૧૯૯૪માં હૃદયરોગના હુમલાથી તેમનું આકસ્મિક મૃત્યુ થયું. આમ તેઓ ગાદી પર પાંચ વર્ષ પૂરા ન કરી શક્યા.

 ખજૂરિયા-હજુરિયા

ચીમનભાઈ બાદ ૧૯૯૫માં ભાજપને પૂર્ણ બહુમતી મળતાં ગુજરાતને નવા મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ મળ્યા. જોકે કેશુભાઈનો રાજયોગ પણ લાંબો સમય ન ચાલ્યો. તેમના સાથી અને ખાસ મિત્ર એવા શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ સામે અસંતોષ જાહેર કરી બળવો કર્યો. શંકરસિંહનો આ બળવો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં હજુરિયા-ખજૂરિયા તરીકે ઓળખાય છે. શંકરસિંહના બળવા બાદ ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ કેશુભાઈને ગાદી પરથી હટાવી દીધા. આમ માત્ર સાત મહિનામાં કેશુભાઈએ ગાદી છોડવી પડી.

ગુજરાતમાં ભૂકંપ અને કેશુભાઈની સીટ ગઈ

૧૯૯૮માં ફરીથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ટર્મમાં તેઓ ૧૯૯૮થી ૨૦૦૧ એમ ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવેલો ૨૦૦૧નો ભૂકંપ ગાદી છોડવા માટે કારણભૂત બન્યો. ભૂકંપમાં નબળી કામગીરીને કારણે કેશુભાઈની સરકાર સામે અનેક પ્રશ્નો ખડા થયા અને કેન્દ્રના આદેશથી કેશુભાઈએ ખુરશી ખાલી કરવી પડી અને નરેન્દ્ર મોદી ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા. આમ વધુ એક વાર પાટીદાર મુખ્યમંત્રી અર્ધી ટર્મે ગાદી પરથી ઊતરી ગયા.