બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 31 જાન્યુઆરી 2024 (17:49 IST)

ગુજરાતની કોલેજોમાં હવે રેગિંગ કરવું ભારે પડશે, રાજ્ય સરકાર જાહેરનામુ લાવશે

ગુજરાતની કોલેજોમાં થતી રેગિંગની ઘટનાઓ અંગે હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે MCI, AICTE અને UGC એ રેગ્યુલેશન્સ બનાવ્યા છે જેના ભંગ બદલ સજાની જોગવાઈ છે. સરકારે રજૂ કરેલા જવાબમાં અનુક્રમણિકા ન હોવાથી કોર્ટે જણાવ્યું હતું કે, હાઈકોર્ટ 2 જજની કમિટી બનાવશે, જે ફાઈલિંગને સુધારવા સૂચનો આપશે.
 
રેગિંગ મુદ્દે રાજ્ય સરકારે સર્ક્યુલર જાહેર કર્યો છે
એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટસ માટે રાજ્ય સરકાર નિયમનકારી જાહેરનામું બહાર પાડશે. શિક્ષણ સંસ્થાના હોદ્દેદારો તેની કડક અમલવારી માટે જવાબદાર રહેશે. કોર્ટે આ રેગ્યુલેશન મુદ્દે કોર્ટ મિત્ર અમિત પંચાલના સૂચનો લેવા પણ સરકારને જણાવ્યું હતું.અગાઉની સુનાવણીમાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે રાજ્ય સરકારે સર્ક્યુલર જાહેર કર્યો છે પરંતુ, તેને લઈને રાજ્યમાં કોઈ કાયદો બન્યો નથી. 
 
શૈક્ષણિક સંસ્થાનો માટે ગાઇડલાઈન જાહેર કરાઈ છે
સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ UGC અને AICTE દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો માટે ગાઇડલાઈન જાહેર કરાઈ છે. દેશમાં તામિલનાડુ, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ગોવા, તેલંગાણા, છત્તીસગઢ જેવા રાજ્યોમાં રેગિંગ સામે કાયદા બન્યા છે. આથી, કોર્ટ મિત્ર દ્વારા રાજ્યની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને લઈને નિયમ હોય તેવી માંગ કરાઇ હતી.