ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 25 જુલાઈ 2021 (08:58 IST)

બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રવિવારે નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના લગભગ તમામ તાલુકામાં વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ ગોંડલમાં નોંધાયો હતો. અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ થયો હતો. રવિવારે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર વગેરે જિલ્લામાં પણ વરસાદ પડવાનીશક્યતા છે.ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. અમદાવાદ શહેરમાં મોડી સાંજે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી વધુ બોડકદેવ અને સાયન્સ સિટી વિસ્તારમાં બે ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. સતત અડધો કલાક સુધી પડેલા વરસાદના કારણે વિસ્તારમાં કેટલાક સ્થળો ઉપર પાણી ભરાયા હતાં. જોકે થોડીકવારમાં જ તે ઉતરી ગયા હતા. જ્યારે વિઝિબિલિટીમાં પણ લોકોને મુશ્કેલી પડી હતી. શનિવારે સાંજે શહેરમાં સરેરાશ અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી તરફ શહેરના 6 વિસ્તાર કોરાકટ રહ્યા હતા.