સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 6 જૂન 2018 (12:11 IST)

ગુજરાતમાં 11 જૂનથી ચોમાસાનો પ્રારંભ, આ વખતે 99 ટકા વરસાદ થાય તેવી શક્યતા

ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વર્ષે જૂનના બીજા સપ્તાહ એટલે કે ૧૧ જૂનથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠાના જિલ્લાઓથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસાની સંભાવના છે. આ વખતે ૯૯ ટકા વરસાદની સંભાવના સાથેનું સારું ચોમાસું હશે તેમ ભારત સરકારના હવામાન વિભાગે જણાવ્યું છે. આમ, કાળઝાળ ગરમીમાંથી ખૂબ જ ઓછા દિવસોમાં રાહત મળશે. ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મંગળવારે વેધર વોચ ગૂ્રપની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠક બાદ ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. જયંતા સરકારે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં ૧૦ જૂનથી સાયક્લોનિક સરક્યુલેશનની અસર જોવા મળશે અને વરસાદની સંભાવના વર્તાશે. ૧૧ જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, પોરબંદરમાં પણ વરસાદ પડશે. ૧૨ જૂનથી ગુજરાતમાં ચોમાસાનું પ્રભુત્વ વધશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદની સંભાવના છે. ૧૩ જૂને દક્ષિણ ગુજરાતમાં સુરત સુધીના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે. ' વેધર વોચ કમિટિની બેઠકમાં રાહત નિયામક સતિષ પટેલે આગામી ચોમાસામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય તો તે વહિવટી તંત્રની સજ્જતા અંગે સમિક્ષા કરી હતી. એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, સિંચાઇ , કૃષિ સહિતના વિભાગ અને સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓએ પોતપોતાના વિભાગની સજ્જતા અંગે જાણકારી આપી હતી.