સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 જાન્યુઆરી 2018 (13:25 IST)

ભાજપમાં ડખો - મંત્રી પરષોત્તમ સોલંકી નવાજુની કરવાના મૂડમાં, કેબિનેટની મીટિંગમાં ગેરહાજર રહ્યાં

નીતિન પટેલ પછી ખાતાની ફાળવણી અંગે નારાજ થયેલા રુપાણી સરકારના વધુ એક મંત્રી પરષોત્તમ સોલંકી આજે મળેલી બેઠકમાં ગેરહાજર રહ્યા છે. આ ઉપરાંત, તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સમર્થકોનો જમાવડો થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાક્રમ જોતા સોલંકી આગામી દિવસોમાં નવા-જૂની કરે તો નવાઈ નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.ગઈ કાલે પરષોત્તમ સોલંકીએ ખુલ્લેઆમ પોતાને માત્ર મત્સ્ય વિભાગ અપાતા નારાજગી વ્યકત કરી હતી, અને કહ્યું હતું કે જો સીએમ રુપાણી પોતે 12-12 ખાતાં લઈને બેઠા હોય તો તેમને કેટલાક મહત્વના વિભાગ આપવામાં વાંધો શું છે?

સોલંકીએ એમ પણ કહ્યું હતું કે, પાંચ વાર ચૂંટણી જીત્યા બાદ પણ તેમને રાજ્યકક્ષાના મંત્રી બનાવી માત્ર એક જ ખાતું અપાતા સમગ્ર કોળી સમાજ નારાજ છે.મહત્વનું છે કે, સોલંકીએ ગઈ કાલે સીએમ વિજય રુપાણી સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, તે મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, સીએમની ઓફિસમાં ભીડ વધારે હોવાથી તેમની ખાસ વાતચીત નહોતી થઈ શકી. સીએમે પાંચ દિવસ પછી પોતાને મળવાનો સમય આપ્યો હોવાનું અને પોતાની માગણી સંતોષાશે તેવી ખાતરી આપી હોવાનું પણ સોલંકીએ કહ્યું હતું.સીએમ સાથે સોલંકીએ મુલાકાત કર્યા બાદ ભાજપના સીનિયર નેતા અને રુપાણી સરકારના સીનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સોલંકીને મનાવવા દોડી ગયા હતા. ચુડાસમાએ કહ્યું હતું કે, સોલંકી નારાજ જરાય નથી. લોકશાહી પદ્ધતિમાં બધાને પોતાના મુદ્દા પ્રસ્તુત કરવાનો હક્ક છે. તેમણે સોલંકીને ભાજપના સમર્પિત યોદ્ધા પણ ગણાવ્યા હતા.જોકે, સીએમે પોતાની માગણી સંતોષવાની ખાતરી આપ્યા બાદ પણ સોલંકીના તેવર શાંત નથી થયા તેમ લાગી રહ્યું છે. તેમના ઘરે સમર્થકોનું મહેરામણ ઉમટી રહ્યું છે, અને તેમણે ઓફિસે જવાનું પણ બંધ કરી દીધું છે. તેવામાં ભાજપ માટે સોલંકી આવનારા સમયમાં સમસ્યા ઉભી કરે તેવી શક્યતા નકારી નથી શકાતી.સોલંકી એ હદે નારાજ છે કે ગઈકાલે તેમણે ત્યાં સુધી કહી નાખ્યું હતુ કે, માત્ર એક જ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો ફાળવવામાં આવતા મારો ટાઈમ પણ પાસ નથી થતો, અને મને કોઈ ફાઈલો પણ નથી મળતી. જો મને કોઈ મહત્વના વિભાગ સોંપવામાં આવે તો હું લોકકલ્યાણના કામ વધુ સારી રીતે કરી શકું.