રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (11:49 IST)

'સૌને માટે રોટી, કપડા ઔર મકાનની જરૂરિયાત સંતોષતા સુરત મહાનગરપાલિકાના કાર્યોનો વ્યાપ છેક ડાંગથી લઈ કચ્છ સુધી વિસ્તર્યો'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાના અભાવે વિકાસનુ એક પણ કાર્ય નહી અટકે તેમ સ્પષ્ટપણે જણાવતા, લધુ ભારત તરીકે ઓળખાતા સુરત શહેરની મહાનગરપાલિકા, સુડા તથા જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂ.૨૧૭.૨૫ કરોડના માળખાકીય વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતુ.સુરત સહિત રાજ્યભરના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, વૈશ્વિક હરીફાઈમા દેશમા રોલ મોડેલ બની રહ્યાં છે, તેમ જણાવતા મુખ્યપ્રધાનએ સુરત શહેરને આગામી દિવસોમા મેટ્રો ટ્રેન, રીવરફ્રન્ટ, ડ્રીમ સિટી, ડાયમંડ બુર્સ જેવા વૈશ્વિક સુવિધાઓના પ્રકલ્પો થકી નવી ઓળખ મળી રહેશે તેમ જણાવ્યું હતુ.'શહેરી વિકાસ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણીમા ડાયમંડ સિટી ખાતે પધારેલા મુખ્યમંત્રીએ સ્વરાજ થી સુરાજ્યની દિશામા અગ્રેસર રાજ્ય અને કેન્દ્ર સરકાર, આપત્તિઓને અવસરમા પલટીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે તેમ જણાવ્યું હતુ.
 
સુરતીઓના જમીર અને ખમીરને ઉજાગર કરતા અને દેશભરમા શ્રમિક પરિવારોને સુખ, શાંતિ અને સમૃધ્ધિ સાથે રોટલો અને ઓટલો પુરો પાડતા સુરતને સોનાની મુરતની પરિભાષાને ચરિતાર્થ કરતા, વિકાસના શ્રેણીબધ્ધ પ્રકલ્પોની નવાજેશ થઈ રહી છે તેમ જણાવ્યું હતુ.સૌને માટે રોટી, કપડા ઔર મકાનની જરૂરિયાત સંતોષતા સુરત મહાનગરપાલિકાના જનહિતલક્ષી કર્યોનો વ્યાપ છેક ડાંગથી લઈ કચ્છ સુધી વિસ્તારવા રાજય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ સુશાસનની સાચી પરિભાષા સર્વસમાવેશક વિકાસ છે.
 
શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સમુચિત વિકાસની દિશામા નક્કર રીતે આગળ વધી રહેલી રાજય સરકાર શહેરી અને ગ્રામીણ આવાસો, વર્કિટ કેપિટલ લોન જેવા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટમા અદકેરી સિધ્ધિ મેળવીને ગુડ ગવર્નન્સની દિશામા અગ્રેસર બની છે તેમ ઉમેર્યું હતુ. સ્માર્ટ, સસ્ટેનેબલ અને હેલ્ધી કોમ્પિટિશનની દિશામા અગ્રેસર સરકારે નાણાંકીય સ્થિરતા સાથે વૈશ્વિક વિકાસની દિશામા હરણફાળ ભરી છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ગુજરાતે સર્વાંગિણ વિકાસનુ વૈશ્વિક મોડેલ પ્રસ્થાપિત કર્યું છે તેમ જણાવ્યું હતુ. શહેરી બસ સેવા, મેટ્રો ટ્રેન પ્રોજેકટ જેવા પ્રકલ્પો વડાપ્રધાનશ્રીના ગતિશકિતના સંકલ્પને સાકાર કરશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ, સુરતના આંગણેથી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને સુશાસનની પ્રતિતી કરાવતા વિવિધ લાભો પણ એનાયત કર્યા હતા.
 
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના કોમ્પ્યુરાઈઝડ ડ્રો સાથે વિકાસકામોનું ડીજીટલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ સુરતની ક્ષિતિજે સતત વિકાસને સ્વર્ણિમ સૂર્યોદયના થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતુ.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌને રોટી, કપડા, મકાન જેવી પાયાની સુવિધા સરળતાથી મળે, અને ગ્રામીણ કે શહેરી હરેક વ્યક્તિને પોતીકી સરકાર લાગે, તે સુશાસન ની સાચી દિશા ગુજરાતમા આપણે અપનાવી છે, તેમ ઉમેર્યું હતુ.
 
દેશભરમાં મોડેલરૂપ કામગીરી કરી રહેલી સુરત મહાનગરપાલિકાના પરિશ્રમના પરિણામો દેશ આખો જોઈ રહ્યો છે, તેમ જણાવતા સાંસદ શ્રી સી.આર.પાટીલે, દેશભરમા સૌથી વધુ ઝડપથી વિકસી રહેલા સુરત શહેરમા આવતા દેશભરના શ્રમિકો, પ્રજાજનોને ધ્યાને રાખીને સુચારુ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી રહી છે તેમ જણાવ્યું હતુ.સુરત સહિત રાજ્યભરના શહેરોમાંથી ભિક્ષુકો, રખડતા ઢોરો જેવી સમસ્યાઓ બાબતે પણ સતત ચિંતિત મુખ્યમંત્રીની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપી શ્રી પાટીલે સુરત શહેરમાં ૧૧૦૦થી વધુ ભિક્ષુકોને રહેવા માટે શેલ્ટર હોમનુ નિર્માણ કરીને ભિક્ષુકમુકત શહેર બનવાની દિશામા આગળ વધી રહ્યુ હોવાનું વધુમા ઉમેર્યું હતુ.
 
સુરત શહેરની જળ વ્યવસ્થાપન નીતિનો ખ્યાલ આપતા સાંસદ શ્રી સી.આર.પાટીલે સુરત સહિત દેશભરનો સ્વર્ણિમ કાળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ચાલી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. ગુજરાત અને ગુજરાતીઓની તાસીરનો ખ્યાલ આપતા શ્રી પાટીલે સુરતને સ્વચ્છતામા ચૌદમા નંબરેથી બીજા નંબર સુધી, અને હવે પહેલા નંબરે લઈ જવાનુ સૌને આહવાન કર્યું હતુ. તેમણે કહ્યું કે, જો કોઈને વિકાસ મોડેલ જોવુ હોય તો ગુજરાતના સૂરતની મુલાકાત અવશ્ય લેવી પડે. આ શક્ય બન્યું છે અહીના પદાધિકારીઓ-અધિકારીઓના સુભંગ સમન્વય થકી. સુરત શહેરે વિશ્વના શહેરો સાથે વિકાસની સ્પર્ધા કરી રહ્યુ છે તેમણે જણાવ્યુ હતુ.
 
'સુશાસન'ના પ્રણેતા ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.અટલબિહારી બાજપાઈના પગલે આગળ વધી રહેલા 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નદ્રસ્ટા નરેન્દ્ર મોદીના સંકલ્પને આગળ વધારતા ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, તેમ જણાવતા કેન્દ્રીય રેલવે અને કાપડ રાજયમંત્રી દર્શનાબેન જરદોશે, સુરતના વિકાસનો સ્વર્ણિમ કાળ ચાલી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. પ્રાસંગિક ઉદબોધનમા જારદોશે સુરતનો ભવ્ય ભૂતકાળ વર્ણવી, ઉજ્જવળ આવતીકાલની રૂપરેખા પણ વર્ણવી હતી.
 
પં. દીનદયાળ ઉપાધ્યાયના છેવાડાના માનવીઓ સુધી વિકાસના ફળ પહોંચાડવાનુ ભગીરથ કાર્ય, વર્તમાન રાજ્ય, અને કેન્દ્ર સરકાર સુપેરે કરી રહી છે તેમ જણાવતા શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડિયાએ રાજ્યની તમામ સુધરાઈઓમા હાથ ધરાયેલી પ્રજાલક્ષી કાર્યોની વિગતો વર્ણવી હતી. શહેરી વિકાસના કામોમા ગતિ સાથે આયોજનબદ્ધ કાર્યો હાથ ધર્યા છે તેમ જણાવીને આગામી સમયમાં રાજયભરમાં નદી કે નાળામાં ગદુ પાણી ન જાય તે માટેનું સુનિયોજીત નેટવર્ક ઉભુ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતુ.
 
પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર હેમાલીબેન બોઘાવાલાએ 'બહુજન હિતાય, બહુજન સુખાય' ના સૂત્રને ચરિતાર્થ કરતા સુરત મહાનગરપાલિકાએ હાથ ધરેલા કાર્યો, અને હાંસલ કરેલી સિદ્ધિઓની ઝાંખી વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના બીજા નંબરના સૌથી સ્વચ્છ સુરત શહેરને સુશાસનની પરિભાષાને ચરિતાર્થ કરતા 'ગારબેજ ફ્રી સિટી એવોર્ડ' સહિત 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ એવોર્ડ', તથા જળ સંરક્ષણ ક્ષેત્રનો 'વોટર પ્લસ' એવોર્ડ પણ મળી ચુક્યો છે. સુશાસન માટે સજ્જ સુરત સુધરાઈ શહેરીજનોને માળખાગત સુવિધાઓ આપવામાં પણ અગ્રેસર હોવાનું ઉમેર્યું હતુ.
 
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરતના શહેરીજનોને જે નવા પ્રકલ્પોની ભેટ મળી છે, તેમા પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ ૩-૪-૫) અંતર્ગત EWS-II ટાઈપના કુલ ૪૮૮૮ આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, તથા અંદાજીત રૂ.૬૪.૬૬ કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો, દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી, અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનુ લોકાર્પણ ઉપરાંત વિવિધ ઝોન વિસ્તારમા અંદાજીત રૂ.૧૩૩.૨૨ કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન, તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડી બ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન, અને વરસાદી ગટર લાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત,તથા સુરત શહેરી વિકાસ સત્તામંડના EWS-II કક્ષાના ૮૧૨ આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો, અને નગરપાલિકા વિસ્તાર સહિત સુરત જિલ્લાના અંદાજિત રૂ.૧૯.૩૭ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્તની તકતીઓનુ ઇ લોકાર્પણ કરાયુ હતુ. આમ, આજે કુલ રૂ.૨૧૭.૨૫ કરોડના વિકાસકામોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.