શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જુલાઈ 2022 (17:09 IST)

રાજસ્થાનના આદિવાસી વિસ્તારની મહિલાઓને દલાલો મારફતે ગુજરાતમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ

Scam of selling tribal women of Rajasthan
રાજસ્થાનના આદિવાસી વિસ્તારની મહિલાઓને દલાલો મારફતે ગુજરાતમાં વેચવાના કૌભાંડનો રાજસ્થાન પોલીસે પર્દાફાશ કર્યો છે. મહિલાઓને વેચવાના આ રેકેટમાં રાજસ્થાનની પિંડવાડા પોલીસે ઉત્તર ગુજરાતની ટોળકીને દબોચી છે. જેમાં મહેસાણાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામની માસ્ટર માઈન્ડ મહિલા, પાટણના સિદ્ધપુર તેમજ માણસાના યુવક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

રાજસ્થાન પોલીસ સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ, રાજસ્થાનના આદિવાસી વિસ્તારની બે સગીરાને નોકરી અપાવવાના બહાને લલચાવી ફોસલાવી તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવાના ગુનામાં પિંડવાડા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરતાં આદિવાસી વિસ્તારની યુવતીઓને દલાલો મારફતે ગુજરાતમાં વેચવાના સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.રાજસ્થાનમાં રહેતા માણસા તાલુકાના બિલોદરા ગામના માસ્ટર માઈન્ડ વિનુજી ઉર્ફે વનરાજ દલપુજી ઠાકોર દ્વારા ખેરાલુના મલેકપુર ગામની સમીલાબેન ઉર્ફે રમી દશરથસિંહ ઠાકોર નામની મહિલા તેમજ અન્ય દલાલો સાથે મળી પિંડવાડા અને તેના આસપાસના આદિવાસી વિસ્તારોની નિર્દોષ યુવતીઓને ભોળવી ગુજરાતમાં વેચી મારવાનું આખું રેકેટ ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.તેમજ ઝડપાયેલો વિનુજી ઠાકોર ભોગ બનનાર સગીરાને પોતાની સાથે રાખી વારંવાર દુષ્કર્મ પણ આચરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ત્રણેય આરોપીઓ હાલ રાજસ્થાનની જેલમાં છે અને આ ગેંગના અન્ય એક આરોપીને ઝડપી પાડવા તેમજ જ્યાં જ્યાં મહિલાઓ વેચવામાં આવી છે તે સ્થાને તપાસ કરવા પિંડવાડા પોલીસે તજવીજ હાથ ધરી છે.આ કેસની તપાસ કરી રહેલા રાજસ્થાનના પિંડવાડાના ડીવાયએસપી જેઠુસિંહ કરનોતે જણાવ્યું કે, ગુજરાતના દલાલો અહીંથી આદિવાસી વિસ્તારની છોકરીઓને ભોળવી ફોસલાવીને અહીંથી લઈ જઈ ગુજરાતમાં જેના લગ્ન નથી થતાં તેમને વેચે છે. ત્રણ આરોપીઓ હાલ જેલમાં છે.