બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 માર્ચ 2021 (19:12 IST)

કોરોના કાળમાં પ્રજા પાસેથી ઉઘરાવેલ દંડની રકમમાંથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરો

કોરોના કાળમાં ખાનગી શાળાઓને 25 ટકા ફી ઓછી વસુલવાનો સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. કોરોના કાળમાં સરકારે રાજ્‍યના નાગરિકો પાસેથી રૂ. 165 કરોડ જેટલી દંડની રકમ વસુલી છે, રોજેરોજ વધતા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવોના કારણે સરકારને ટેક્‍સ પેટે મસમોટી આવક થઈ છે ત્‍યારે સરકારે આ રકમમાંથી ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવી જોઈએ. વિધાનસભા ગૃહમાં આજે શિક્ષણ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, આજનો આધુનિક યુગ એ વિજ્ઞાન અને જ્ઞાનનો યુગ છે. રાજ્‍યના વિકાસ માટે શિક્ષણ એ મહત્ત્વનું પાસું છે. સરકાર દ્વારા ગુજરાત રાજ્‍ય વિકસિત રાજ્‍ય હોવાની વાતો કરવામાં આવે છે ત્‍યારે રાજ્‍યમાં ગુણવત્તાયુક્‍ત શિક્ષણ આપવાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે. શિક્ષણ વિભાગમાં વર્ષ 2020-21 કરતાં વર્ષ 2021-22માં રૂ. 505 કરોડનો ઘટાડો કરવામાં આવ્‍યો છે.વર્ષ 2020-21માં ગ્રામીણ વિસ્‍તારની પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુધારણા માટે રૂ. 51 કરોડનું બજેટ ફાળવવામાં આવેલ, જે સુધારેલ અંદાજમાં માત્ર રૂ. 15 કરોડ કરવામાં આવ્‍યું  છે, જેથી સરકારને પ્રાથમિક શાળાઓ વધુને વધુ બંધ થાય તેમાં વધારે રસ હોય તેમ જણાય છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2020-21માં રૂપિયા 250 કરોડની ફાળવણી કરવામાં આવેલ, જે વર્ષ 2021-22માં ઘટાડીને રૂ. 221 કરોડ કરવામાં આવી. યુનિવર્સિટી અને ઉચ્‍ચ શિક્ષણની સેવાઓ માટે વર્ષ 2020-21 કરતાં વર્ષ 2021-22માં રૂ. 300 કરોડ કરતાં વધુ રકમનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. મધ્‍યાહન ભોજન યોજનામાં રૂ. 67 કરોડનો ઘટાડો કરવામાં આવ્‍યો છે.ગ્યાસુદ્દિન શેખે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે ગુણવત્તાસભર શિક્ષણ માટે ચોક્કસ નીતિ નક્કી કરવી જોઈએ. દિલ્‍હીમાં આજે અધિકારીઓ અને નેતાઓના સંતાનો ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં અભ્‍યાસ કરી રહ્યાં છે. રાજ્‍ય સરકારે સરકારી શાળાઓમાં દિલ્‍હી મોડેલની જેમ ગુણવત્તાસભર શિક્ષણ અને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી જોઈએ. શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે રાજ્‍ય સરકારે દિલ્‍હીને રોલ મોડેલ બનાવી કાર્યવાહી કરવી જોઈએ.શહેરની 34 ટકા વસ્‍તી સ્‍લમ, ચાલીઓ કે પછી ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં રહે છે, તેઓ સ્‍માર્ટ મોબાઈલ કે ઈન્‍ટરનેટથી જોડાયેલ ન હોઈ કોરોના કાળમાં 50 ટકા જેટલા બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકેલ નથી. સરકાર પાસે ખાનગી શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ પર નજર રાખવા માટે કોઈ મોનીટરીંગ સિસ્‍ટમ નથી. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં અંગ્રેજી માધ્‍યમની શાળાઓ ચાલુ કરવાનો ટ્રેન્‍ડ શરૂ થયો છે તેને હું આવકારું છું. મારી માંગણી બાદ કાલુપુર પબ્‍લિક સ્‍કુલ તથા દરિયાપુર પબ્‍લિક સ્‍કુલ એમ બે અંગ્રેજી માધ્‍યમની શાળાઓ શરૂ થઈ છે, જ્યાં આજે પ્રવેશ મેળવવા માટે વેઈટીંગ છે.