રાજ્ય સરકારનો નિર્ણય: જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો
-ફ્યુઅલ સરચાર્જમાં એક જ ઝાટકે 50 પૈસાનો ઘટાડો
-વીજ વપરાશકારોને મોટી રાહત આપી છે.
-એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો
લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેમાં કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ નાગરીકો માટે રાહતનો પટારો ખોલ્યો છે. ગુજરાત સરકારે આજે વિજ ફ્યુઅલ સરચાર્જમાં એક જ ઝાટકે 50 પૈસાનો ઘટાડો કરીને વીજ વપરાશકારોને મોટી રાહત આપી છે.
એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો
આ નિર્ણય અંગે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે. જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફ્યુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ. 3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ. 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે.
ઘટાડાને કારણે અંદાજે રૂ.57 ની માસિક બચત થશે
ઊર્જા મંત્રી દેસાઇએ વધુમાં કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1,340 કરોડનો લાભ થશે.જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ.57 ની માસિક બચત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.