શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2019 (10:50 IST)

નરેન્દ્ર મોદીની મુલાકાતથી કેવડિયાના આદિવાસીઓમાં ગભરાટ કેમ?

જય મકવાણા અને હરિતા કંડપાલ
બીબીસી ગુજરાતી
 
સરદાર વલ્લ્ભભાઈની જયંતી નિમિત્તે અને કેવડિયા કૉલોનીમાં બનેલા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'નું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 'રાષ્ટ્રીય એકતાદિન'ની ઉજવણીના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 ઑક્ટોબરે કેવડિયા આવી રહ્યા છે.
મોદીની આ મુલાકાત દરમિયાન કેવડિયાની આસપાસ કેટલાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલમાં એવો દાવો કરાયો છે કે આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી કેવડિયાને ખાસ દરજ્જો આપે તેવી શક્યતા છે.
આવી અટકળોને પગલે કેવડિયા કૉલોની અને આસપાસનાં ગામોના આદિવાસીઓમાં ગભરાટનો માહોલ છે.
 
'ખાસ દરજ્જો નથી ઇચ્છતા'
કેવડિયામાં રહેતા અને 'શ્રેષ્ઠ ભારત ભવન'ના નિર્માણમાં પોતાની જમીન ગુમાવનારા દિલીપભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સંબંધિત અટકળોને લીધે ભય વ્યક્ત કર્યો છે.
તેમણે જણાવ્યું, "અમે બિલકુલ નથી ઇચ્છતા કે કેવડિયાને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવે કે ખાસ દરજ્જો આપવામાં આવે પણ અમારું કોણ સાંભળે? એમની સરકાર છે, તેઓ ઇચ્છે તે કરી શકે છે."
"અમારી માલિકીની જમીન હોવા છતાં તેના પર બળજબરીપૂર્વક કામ કરાઈ રહ્યું છે. અમારાં ધંધા-રોજગારી છીનવી લેવાયાં છે."
કેવડિયા અને આસપાસનો વિસ્તાર સીધો કેન્દ્ર હેઠળ આવી જાય તો પોતાની જમીન જતી રહેશે એવું માનતા દિલીપભાઈ જણાવે છે, "ખાસ દરજ્જા બાદ તો તેઓ ઇચ્છે તે કરી શકશે. ઇચ્છે એ જમીન સંપાદિત કરી લેશે."
'રાષ્ટ્રીય એકતાદિન' નિમિત્તે વડા પ્રધાન આવતા હોવાથી સુરક્ષામાં કરાયેલા વધારાને પગલે આસપાસના આદિવાસી લોકોનો રોજગાર ઠપ્પ થઈ ગયો હોવાની રાવ પણ દિલીપભાઈ કરે છે.
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની નજીક બનેલા 'શ્રેષ્ઠ ભારત ભવન'માં દિલીપભાઈની જમીન સંપાદિત કરવામાં આવી છે.
સંપાદિત જમીનના બદલામાં 40-45 કિલોમિટર દૂર જમીન મળતી હોવાથી ન લીધી હોવાની વાત પણ દિલીપભાઈ બીબીસીને જણાવે છે.
 
'જમીન નહીં આપીએ'
આદિવાસીઓ માટે કામ કરતા કર્મશીલ લખન મુસાફિર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સંબંધિત અટકળોને આદિવાસીઓમાં ચર્ચાનો વિષય બની હોવાનું કહે છે.
તેમણે કહ્યું, "પાંચ વર્ષથી આ મામલે અમે કેટલીય વાતો સાંભળીએ છીએ. ગમે તે થાય પણ અમે નથી ઇચ્છતા કે કેવડિયા કે આસપાસના વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે કે તેને ખાસ દરજ્જો આપવામાં આવે."
"શું કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને સરકાર અમારી જમીન લેવા માગે છે કે દારૂબંધીને હળવી કરવા માગે છે?"
"અમારી જમીન લઈ લેવાઈ છે. રોજગાર છીનવી લેવાયો છે. હવે શું અમને અહીંથી હઠાવવા છે? બહારથી આવેલી કંપનીઓને જમીન અપાઈ રહી છે. ભવનો બનાવાઈ રહ્યાં છે પણ આ બધામાં આદિવાસીને શો ફાયદો થઈ રહ્યો છે?"
"સત્તાના નશામાં સરકાર ગમે તે કરી શકે એમ છે પણ અમે કોઈ કાળે અમારી જમીન નહીં આપીએ."
 
આદિવાસીઓમાં મૂંઝવણ હોવાની વાત આદિવાસીના હકો માટે કામ કરનારા આનંદ મઝગાંવકરે પણ કરે છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "સરકાર દ્વારા આવું કોઈ પગલું ભરી શકાય છે એવી વહેતી થયેલી અટકળોને પગલે આદિવાસી સમુદાયમાં ભારે આક્રોશ છે."
"'પંચાયત ઍક્સટેન્શન શિડ્યુલ એરિયાઝ ઍક્ટ' (પેસા) અંતર્ગત સૌ પહેલાં ગ્રામસભાની મંજૂરી લેવી પડે."
"આ કાયદો આદિવાસીઓને વિશેષાધિકાર પ્રદાન કરે છે ત્યારે સરકાર આ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરીને કે ખાસ દરજ્જો આપીને શું આ કાયદો હઠાવવાનો પ્રયાસ કરી રહી છે?'
"સરકારનાં આવાં કોઈ પણ પગલાંના વિરોધ માટે ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ત્રણથી ચાર વખત ગ્રામસભા મળી ચૂકી છે તેમ છતાં સરકાર આવું કંઈ શા માટે વિચારી રહી છે?"
કેવડિયા કૉલોનીની અટકળોને લઈને તેઓ પૂછે છે, "આ વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશ કે ખાસ દરજ્જો આપવો જ શા માટે પડે? શું સરકારને લોકો નડી રહ્યા છે?"
'નર્મદા બચાવ આંદોલન'ના કર્મશીલ મેધા પાટકરે આ અંગે વહેતી થયેલી અટકળોને લઈને બીબીસીને જણાવ્યું :
"31 તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી કયા 30 પ્રોજેક્ટ જાહેર કરશે એ અમારે પણ જોવું છે."
"સ્ટેચ્યૂ ઑફ યુનિટીની આસપાસ આવેલાં કેવડિયા, કોઠી, નવા ગામ જેવાં આદિવાસીઓનાં ગામોના ઊભા પાકની વચ્ચેથી રસ્તો કાઢવો એ હાઈકોર્ટના સ્ટે પણ વિરુદ્ધ છે."
તેઓ ઉમેરે છે, "જ્યાં પહેલાંથી જ પેસાનો કાયદો લાગુ છે ત્યાં ગ્રામસભાની મંજૂરી વગર કોઈ પણ પગલું ભરવું ગેરકાયદે છે. જો આ 72 ગામોને પ્રવાસનના નામે ઉજાડવામાં આવશે તો સરકારને કોઈ માફ નહીં કરે."
"જો વિરોધી પક્ષો અત્યારે અવાજ નહીં ઉઠાવે તો એ પણ આદિવાસીઓના પક્ષે નથી એવું કહેવાશે."
 
કેવડિયાને 'વિશેષ દરજ્જો મળશે?'
કેવડિયાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વહેતી થયેલી અટકળો ગુજરાત સરકારે ફગાવી દીધી છે.
ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંઘે સંબંધિત અટકળો કે સંબંધિત મીડિયા રિપોર્ટને પાયાવિહોણાં ગણાવ્યાં છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ અંગે અધિકૃત નિવેદન આપતાં સિંઘે કહ્યું, "આવું કશું જ થવાનું નથી. આવું કંઈ પણ રેકર્ડ પર નથી. જે પણ અહેવાલો આવી રહ્યા છે એ ખોટા છે. અધિકૃત રીતે આવું કંઈ પણ થઈ રહ્યું નથી."
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે કે કેવડિયાને વિશેષ દરજ્જો મળી શકે એમ છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નિર્માણ બાદ પ્રવાસનકેન્દ્ર બની ગયેલા કેવડિયામાં વહીવટ વધુ સારી રીતે થાય એ માટે સરકાર તેને ખાસ દરજ્જો આપવાનું વિચારી રહી છે અને આ માટે કેવડિયાને ગ્રામ પંચાયતમાંથી અલગ કરાઈ રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સિંઘે જણાવ્યું હતું, "કેવડિયા કૉલોનીની જરૂરિયાતો ગ્રામ પંચાયત પૂર્ણ કરી શકે એમ નથી એટલે અમે તેને સ્પેશિયલ ઝોનમાં ફેરવવા માટે કામ કરી રહ્યા છે."
નર્મદા જિલ્લાના કલેક્ટર અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સીઈઓ આઈ. કે. પટેલના જણાવ્યા અનુસાર 'કેવડિયાની આરોગ્ય અને સ્વચ્છતા ઉપરાંત પાણીની જરૂરિયાત ગ્રામપંચાયત પૂર્ણ કરી શકે એમ નથી. એટલે કેવડિયાના વહીવટ માટે અલગ મંડળ તૈયાર કરવામાં આવશે.'