ધોરણ 10 ભણેલો યુવક અસલી પોલીસ નહીં બની શકતાં નકલી બની ગયો!, નંદેસરીમાંથી 4ની ધરપકડ
નંદેસરી જીઆઈડીસીમાં પોલીસનો સ્વાંગ રચીને વાહન ચેકીંગ કરનારા મહિલા સહિત ચાર આરોપીને પોલીસે ઝડપી લીધા બાદ પોલીસે તપાસ કરતાં મુખ્ય સૂત્રધાર વ્રજ વાઘેલાને પોલીસ બનવું હતું પણ તે 10મું ધોરણ સુધી જ ભણી શક્યો હોવાથી પોલીસ બનવાની ઇચ્છા પૂરી કરવા માટે તે નકલી પોલીસ બન્યો હોવાનું બહાર આવ્યું હતું.
તે તેના ત્રણ સાગરીતોને 12 હજાર પગાર આપીને ભરતી કર્યા હતા અને તેમને પણ નકલી પોલીસના આઇકાર્ડ બનાવી આપ્યા હતા. પોલીસે તમામની વધુ તપાસ શરૂ કરી હતી.આ બનાવ અંગે નંદેસરી પોલીસના જણાવ્યા અનુસાર,નંદેસરી જીઆઈડીસીમાં આવેલા સીઈટીપી પ્લાન્ટ પાસે રોડ ઉપર કેટલાક વ્યક્તિઓ પોલીસ તરીકે ઓળખ આપીને પોલીસનો યુનિફોર્મ તેમજ લાઠી રાખી ખાનગી વાહનમાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી લાલ-બ્લ્યુ લાઈટો લગાવીને વાહન ચેકીંગ કરી રહ્યાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે નંદેસરી પોલીસે શુક્રવારે મોડી સાંજે પોલીસનો સ્વાંગ રચી વાહન ચેકીંગ કરનારા 4 આરોપી વ્રજકુમાર કેતનભાઈ વાઘેલા (ઉ.વ.20,રહે-નંદેસરી), ચંદ્રિકાબેન વિક્રમભાઈ રાજપુત(ઉ.વ.35,રહે-નંદેસરી), વિક્રમકુમાર મોહનસિંહ રાજપુત (ઉ.વ.36,રહે-નંદેસરી) અને નરેન્દ્ર લક્ષ્મણસિંહ ગોહિલ (ઉ.વ.24,રહે-રામગઢ ગામ,વડોદરા)ની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, મોપેડ, 4 મોબાઈલ, રબર સ્ટેમ્પ, પોલીસના લોગો વાળા માસ્ક મળી કુલ રૂા.81 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપીઓ કેટલા સમયથી બોગસ પોલીસ બનીને વાહન ચેકીંગ કરી રહ્યાં હતા તે અંગે પોલીસ પૂછપરછ ચાલુ કરી છે.