રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2017 (07:46 IST)

સુરતમાં વીમો પકાવવા 4 છોકરીઓને સળગાવવાના નાટકનો ભાંડો ફૂટ્યો

સુરતના મહુવા નજીક આવેલા મુળદ ગામની સીમમાં ધૂળેટીના દિવસે પતરાંનો શેડમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગમાં પરિવારની ચાર સગી બહેનોના કમકમાટીભર્યા મોતમાં નવો વળાંક આવ્યો છે. આગના બનાવમાં ચાર બહેનોનાં મોતના એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે માણસની જગ્યાએ પ્રાણીઓને સળગાવ્યાં છે. આ પગલે પોલીસે રમેશ પટેલની અટકાયત કરી છે. 

મહુવા તાલુકાના મુળદ ગામની સીમમાં રમેશભાઈ તુલસીભાઈ પટેલ પતરાંના શેડમાં રહે છે અને શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે રોજની જેમ રમેશભાઈ શાકભાજીની ખરીદી કરવા માર્કેટ ગયા હતા અને અચાનક જ પતરાના શેડમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. આ આગમાં ચાર દીકરીઓનાં મોત નીપજ્યાં હોવાનું તે સમયે રમેશભાઈએ જણાવ્યું હતું. પોલીસે બનાવ અને સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે રમેશની પૂછપરછ કરતા તેનું રૂ. 18 લાખનું દેવુ વધી જતાં તેણે વીમો પકવવા ચાર બાળકીઓ સળગી ગઈ હોવાનું તરકટ રચ્યું હતું. રમેશને માત્ર બે પુત્ર છે અને કોઈ પુત્રી છે જ નથી. જુદા જુદા ચાર સ્ટુડીયોમાંથી છોકરીઓના ફોટા ભેગા કર્યાં હતાં. તેને ખબર હતી કે ગેસ સિલિન્ડરમાં મોત થતાં વ્યક્તિદીઠ રૂ.5 લાખનો વીમો પાકે છે. વીમો પકવવા બાળકીઓને સળગાવવાનું નાટક કરાયું હતું. તે એલઆઈસીમાં ચાર બોગસ બાળકીઓના નામે પોલીસીમાં રૂ. 18 લાખનું પ્રિમિયમ ભર્યું હતુ. પોલીસે હાલ રમેશની વધુ પૂછપરછ શરૂ કરી છે.