દિવાળી તહેવારમાં ST બસના એડવાન્સ ટિકિટ બુકિંગનો આંક 50 હજારને પાર કરશે
દિવાળી આડે હવે માત્ર એક સપ્તાહ બાકી રહ્યું છે. ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારમાં નોકરી-ધંધો અને મજૂરી કરવા ગયેલા લોકો વતન ભણી જવાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની ટ્રાન્સપોર્ટેશનની ધોરી નસ ગણાતી ગુજરાત વાહન વ્યવહાર નિગમ (GSRTC)ને દિવાળીના તહેવાર ફળતા દેખાઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ 3 લાખ 22 હજાર 116 લોકોએ ટિકિટ બુક કરી કરાવી છે. જ્યારે હજુ એક સપ્તાહ બાકી છે. ત્યારે હજુ પણ વધારે બુકિંગ થશે. ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ કરાવવામાં દાહોદ અને પંચમહાલ જિલ્લાના મુસાફરો અગ્રેસર છે. જે 60 ટકા જેટલા છે. તહેવારોના સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં એડવાન્સ બુકિંગ અને ઓનલાઈન બુકિંગમાં વધારો નોંધાયો છે. સામાન્ય દિવસો કરતા તહેવારોના સમયમાં ટ્રાફિકથી બચવા માટે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હાલના સમયમાં દૈનિક 40થી 50 હજાર ટિકિટનો એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી એસટી નિગમની બસમાં બુકિંગ ઓનલાઈન બુકિંગ ચલણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એસટી બસોમાં તહેવારનો સમય, તેમાંય દિવાળીના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જેને લઇને પ્રવાસીઓ અગાઉથી જ ઓનલાઇન અથવા તો એડવાન્સ ટિકિટ બુક કરાવવાનું પસંદ કરે છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી અલગ-અલગ દિવસની મુસાફરી માટે દૈનિક 40થી 50 હજાર ટિકિટ બુક થઈ રહી છે.ગુજરાત વાહન વ્યવહાર નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ જણાવ્યું કે, પાછલા 3-4 વર્ષથી ઓનલાઇન બુકિંગનો ટ્રેન્ડ વધ્યો છે. દિવાળીના દિવસ સુધી દૈનિક એડવાન્સને ઓનલાઇન બુકિંગનો આંકડો 60 હજારથી વધુ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગત વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન ઓનલાઇન- એડવાન્સ બુકિંગમાં 6 લાખ જેટલી ટિકિટો બુક થઈ હતી. જેની સામે ઓક્ટોબર મહિનામાં આ વર્ષે 13 લાખથી વધુ ટિકિટ બુક થઈ ચૂકી છે. જેમાંથી નિગમને 24 કરોડથી વધારેની આવક થઈ છે.રસપ્રદ વાત એ છે કે દિવાળીના તહેવાર સમયે એક્સ્ટ્રા બસોના સંચાલન દરમિયાન સૌથી વધારે પ્રવાસીઓ દાહોદ અને પંચમહાલ તરફના જોવા મળે છે. તહેવારો દરમિયાન નિગમના કુલ સંચાલન દરમિયાન 60% પ્રવાસીઓ રાજ્યભરમાંથી દાહોદ-પંચમહાલ તરફ પ્રવાસ કરતા હોય છે. જ્યારે 40% પ્રવાસીઓ સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા હોય છે.