શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 3 જાન્યુઆરી 2022 (12:38 IST)

ત્રીજી લહેરનો સામનો કરવા સરકારે ઘડ્યો માસ્ટર પ્લાન, જાણો કેવી છે તૈયારીઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા ખાસ ડોમ પણ જરૂર જણાયે ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂકયો હતો.
 
આ બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેકટ ટ્રેસિંગ પણ સઘન બનાવવા બેઠકમાં સૂચવ્યું હતું. રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધનવંતરીરથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
 
આગામી ત્રીજી જાન્યુઆરીથી રાજ્યના ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોના વેક્સિનેશનની ડ્રાઇવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૯૪ કરોડ વેક્સિનેશન ડોઝ આપીને કુલ વસ્તીના ૯૦ ટકાનું વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે.
 
રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કિટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને તેમણે આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.