રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાઓ

ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીની તૈયારી શરુ થઇ ગઇ છે.ચૂંટણી પંચે પણ રાજ્યમાં પેટાચૂંટણી યોજવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને ચાલુ માસના અંત સુધીમાં જ પેટાચૂંટણીનું જાહેરનામુ અને કાર્યક્રમજાહેર થઇ જાય તેવા સંકેત છે અને ધારાસભા પેટાચૂંટણી તા. 25 સપ્ટેમ્બર પહેલા પૂરી કરવી જરુરી હોવાથી સપ્ટેમ્બરના પ્રથમ માસમાં મતદાનની તારીખ હોઇ શકે છે. ચૂંટણી પંચ જો કે આ અંગે હજુ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરે છે અને મતદાન અને મતગણતરીમાં સોશ્યલ ડીસ્ટન્સ સહિતની ચિંતા કરશે. ઉપરાંત ચૂંટણી પંચે 65 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી રાષ્ટ્રીય સ્તરે જોગાવઈ કરી છે અને ગુજરાતમાં લાગુ કરી શકાશે કે કેમ તે પણ ચિંતા થશે.  તો ચૂંટણી લડવા માટે તૈયાર ભાજપને 8 બેઠકોમાં ક્યાંક પક્ષના અસંતોષનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પાંચ બેઠકો પર કમસેકસ કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યોને ટીકીટ આપશે તે નિશ્ર્ચિત કર્યું છે. અને આ બેઠકો પરના ભાજપના સ્થાનિક નેતાઓ પર પક્ષે વોચ ગોઠવી દીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ અને પક્ષના અન્ય નેતાઓ સમક્ષ આ 8 બેઠકોના ભાજપના અગ્રણીઓ પહોંચવા લાગ્યા છે તેથી સંકેત મળે છે કે પેટાચૂંટણીમાં પક્ષને પૂરો ગિયરઅપ કરવો તે ભાજપ માટે આસાન નહીં હોય અગાઉ પક્ષને એકીસાથે છ બેઠકોની પેટાચૂંટણીમાં આ અનુભવ થઇ ગયો છે. અને 3 બેઠકો જે તેની જીતવાની આશા હતી તે ગુમાવવી પડી હતી. અને જે રીતે ભાજપ એક બાદ એક ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવી રહ્યો છે તેનાથી પક્ષમાં પણ અસંતોષ તો છે જ. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી હાલ આ અંગેના ડેમેજ કંટ્રોલમાં વ્યસ્ત બની ગયા છે. અને તેના કારણે જ પક્ષે હાલ સંગઠન અને મંત્રીમંડળની પુન: રચના જેવા લાંબા સમયથી ખેંચાતા મુદ્દાઓને પણ પાછળ મુકવા નિર્ણય કર્યો છે જેથી અસંતોષનો ભડકો થાય નહીં. સુત્રોના જણાવ્યા પ્રમાણે આવી સલાહ પક્ષના નેતાઓને મળી હતી. અન્યથા એક તબક્કે પક્ષ સંગઠનમાં પણ ફેરફાર કરવા તૈયાર હતો પણ પેટાચૂંટણી હેમખેમ પાર પડે તે જોવા માટે ભાજપમાં સલાહ મળી છે. ભાજપે જે રીતે કોંગ્રેસના કોળી-આહીર તથા અન્ય સમાજના શક્તિશાળી નેતાઓને પક્ષમાં લીધા છે તેનાથી આ જ સમાજનાં ભાજપના નેતાઓને પોતે કટ ટુ સાઈઝ થયા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે. અને તેઓ હવે પક્ષને કોઇને કોઇ રીતે સંદેશ પહોંચાડવા આતુર છે તેવું જણાવતા પક્ષના ટોચના નેતાએ ઉમેર્યું કે પેટાચૂંટણી એ સરળ કામ નહીં હોય. લોકોનો મિજાજ પણ પક્ષપલ્ટા વિરુધ્ધ જઇ શકે છે અને તેથી બેવડી ચિંતા ભાજપે કરવી પડશે.