વેક્સીન લગાવ્યાના 16 દિવસ બાદ વડોદરાના સાંસદ રંજનબેનને થયો કોરોના, પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત
વડોદરા શહેરમાં શિવરાત્રી પર નિકળેલી શિવજીની સવારીમાં જોડાનાર નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. કોર્પોરેટરો, ધારાસભ્યો બાદ હવે વડોદરાના ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થયા છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે રંજનબેને 16 દિવસ પહેલાં વેક્સીન લગાવી હતી. રંજનબેન પોતે પોઝિટિવ થયાના સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યા હતા.
તો બીજી તરફ વડોદરા શહેરના વોર્ડ નંબર 18ના પૂર્વ કોર્પોરેટર શંકુતલાબેન શિંદેનું શુક્રવારે નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
આ ઉપરાંત વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પણ આજે સવારે સોશિયલ મીડિયા દ્રારા જાણકારી આપી હતી અને કહ્યું હતું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે પોતાનો ટેસ્ટ કરાવી લે.
વોર્ડ નંબર 11 ની એક મહિલા કોર્પોરેટ મહાલક્ષ્મી શેટિયાર અને તેમના પતિ પણ કોરોના પોઝિટિવ થયા છે. અહીંના પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી પણ કોરોના સંક્રમિત થયા છે.