સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (15:11 IST)

મૂલ્યોને ત્યજી દેવાથી આધિપત્ય નહીં અધઃપતન થાય છેઃ પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંડ્યાજી

જીવની યાત્રાનું જે અંતિમ શિખર કે લક્ષ્ય છે તે શિવત્વ છે. ભલે જન્મજન્માંતર સુધી આવાગમન કરવું પડે પરંતુ જ્યાં સુધી શિવત્વની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી જીવની યાત્રા પૂરી નથી થતી તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાજીએ સત્કર્મ પરિવારના તત્વાવધાનમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા આયોજિત શિવપુરાણ કથાના પાંચમા દિવસે જણાવ્યું હતું. શિવત્વ કે શિવતત્વને પામાવા માટે જે ત્રણ સાધનો દર્શાવાયા છે તેમાં શ્રવણ, કિર્તન અને મનનનો સમાવેશ થાય છે. જે વ્યક્તિ આ ત્રણ સાધન નથી કરી શકતા શું તેઓ શિવત્વની અનુભૂતિ નથી કરી શકતા? તેમને જીવનનો દિવ્ય અનુભવ નથી મળતો? તેમના માટે કોઈ માર્ગ છે. તેવા પ્રશ્નના ઉત્તરમાં પૂજ્ય શ્રી પંડ્યાજીએ કહ્યું કે આ માટે શિવલિંગની ઉપાસના કરવી જોઈએ.
 
આધિપત્ય પામવાની અભિલાષાથી જ્યારે વ્યક્તિ ખોટું આચરણ કે અયોગ્ય વર્તન કરે તે અસ્વીકાર્ય છે. તંદુરસ્ત હરિફાઈ ખોટી નથી, પરંતુ મૂલ્યોને ત્યજી દેવાથી આધિપત્ય નહીં અધઃપતન થાય છે. જેમને સ્વર્ગની અભિલાષા છે, એટલે કે સુખ, શાંતિ વૈભવની જેની અપેક્ષા છે, તેમણે સત્યના પથ પરથી વિચલિત ના થવું જોઈએ. સ્વર્ગ પામવા માટે કોઈ અન્ય ભૌગોલિક સ્થળે જવાની જરૂર નથી. સ્વર્ગ એટલે આપણી આવશ્યકતા કરતાં આપણને વધુ મળતુ રહે, મનની શાંતિ હોય, પ્રસન્નતા હોય તે સ્વર્ગ છે, જીવનમાં સ્વર્ગ એટલે શું, ભોજન પચે છે, અને ઉંઘ આવે એ સ્વર્ગ છે. અર્થાત ભોજન મળી રહે છે તેનો અર્થ કે આર્થિક સમસ્યા નથી અને તે યોગ્ય રીતે પચે છે, એટલે શરીરમાં કોઈ ખામી નથી, અને ઓશિકા પર માથું મુકો એટલે ઉંઘ આવી જાય તે જ સાચું સ્વર્ગ છે. જીવનભર સત્યનું આચરણ કરતા રહેશો તો સ્વર્ગ મળશે, તેની ખાતરી સ્વયં ભગવાન આપે છે, કારણકે આવી વ્યક્તિ પ્રત્યે લોકોને વિશ્વાસ છે કે આ વ્યક્તિ ક્યારેય ખોટું નહીં કરે. 
 
ભગવાન શંકર કહે છે કે શિવરાત્રીના દિવસે વ્યક્તિ 24 કલાક જીતેન્દ્રિય રહી નિરાહાર ઉપવાસ કરે અને પોતાની શક્તિ અનુસાર પૂજા કરે  તો એક વર્ષ માટે નિરંતર ભગવાન શંકરની પૂજા કરનાર વ્યક્તિને જે ફળ મળે છે ફળ શિવરાત્રીના દિવસે ઉપર મુજબની આરાધના કરનાર વ્યક્તિને મળે છે. ભગવાન શંકર . જ્યોતિર્મય સ્વરૂપે સ્તંભરૂપમાં પ્રકટ થયાં તે સમય માર્ગશિર્ષ માસ અને તેમાં આદ્ર નક્ષત્રનો સમય હતો, આ યોગ જ્યારે મળે તે સમયે જે ભગવાન શંકરના લિંગના દર્શન કરે છે તે વ્યક્તિ અત્યંત પુણ્યશાળી બને છે.