બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (12:42 IST)

ગુજરાતને જોડતી પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ, દારૂની હેરાફેરીનો માર્ગ મોકળો બનશે

એક તરફ જ્યારે થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે ઉજવણીના ભાગરૂપે લોકો દારૂની મહેફિલો માણતાં હોય છે ત્યારે અચાનક ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ આપ્યાં છે. ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રકારના નિર્ણયના લીધે ઘણા બધા પ્રશ્નો ઉદ્દભવી શકે છે. જો આ ચેકપોસ્ટ બંધ થશે. તો ત્યાં કાર્યરત પોલીસકર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં ફરજ કઇ ફરજ બજાવશે. કાયદો-વ્યવસ્થા તો વધુ સજડ બનશે તેવી આશા આ આદેશ દ્વારા રાખવામાં આવી રહી છે.
 
રાજ્યના વડા શિવાનંદ ઝા દ્વારા વિવિધ શહેરનો કમિશનર અને જિલ્લાઓના વડાને આદેશ આપવામાં આવ્યો છે કે, તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટ પર કામ કરતા પોલીસ કર્મચારીઓને સ્થાનિક કામગીરીમાં જોડવામાં આવ્યા છે. આજથી અન્ય રાજ્યોને જોડતી ચેકપોસ્ટ ખૂલી ગઈ છે, અને ત્યાંથી પોલીસ કર્મચારીઓ પણ ખસેડી લેવામાં આવ્યા છે. આમ, અન્ય રાજ્યોની જોડતી જિલ્લાની સરહદો મુક્ત બની ગઈ છે. 
 
જોકે, આ નિર્ણય કયા કારણોથી લેવાયો છે તે અંગેની કોઈ જાણ પોલીસ વડા કે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી નથી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે કહ્યું કે, ‘આ નિર્ણય ડીજી કક્ષાએથી લેવાયો છે જેથી કયા કારણોસર કરવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા નથી. જોકે, આ સમગ્ર મામલે ગુજરાત સરકાર અજાણ હોય તેવું માની ન શકાય. રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે. દરેક ચેકપોસ્ટ ખાતે અંદાજે પાંચ જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે આ બંદોબસ્ત વધારવામાં આવે છે.
 
આ આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ થઈ જશે. તો અન્ય રાજ્યોમાંથી થતી ગેરકાયદે હેરાફેરી, દારૂની હેરાફેરી પર અંકુશ રાખવાનું કામ મુશ્કેલ બની શકે છે. તે ઉપરાંત ગુનાખોરી અને અસામાજીક તત્વોને છુટો દોર મળી જશે.
 
પોલીસ વડાના આદેશ બાદ શામળાજીની આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ આજથી બંધ કરાઈ છે. રાજ્યમાં સૌથી વધુ દારૂ ઝડપતી રતનપુર ચેકપોસ્ટ બંધ થઈ છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા મોકળું મેદાન મળશે. 31 ડિસેમ્બરને લઈને બૂટલેગરો મોટી સંખ્યામાં દારૂનો સ્ટોક કરી શકે છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ, ગુંદરી, ખોડા સહિતની 15 પોલીસ ચેકપોસ્ટ પણ આજથી બંધ થઈ ગઈ છે. 
 
મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યના પોલીસ વડાએ 23 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કર્યો હતો. જેમાં તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવા આદેશ આપ્યો હતો.