બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 27 એપ્રિલ 2013 (12:57 IST)

નવસારી રેલવે સ્ટેશનને ‘હેરિટેજ’નો દરજ્જો આપવાની પશ્ર્ચિમ રેલવે સમક્ષ માગણી

સોનિયા ગાંધીને નવસારી વહાલું લાગ્યું

P.R
ચૂંટણી વખતે ગુજરાતના નવસારી જિલ્લામાં રૅલી માટે આવેલાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને રહી રહીનેય નવસારી વહાલું લાગ્યું છે. ભારતની સ્વતંત્રતાના ઈતિહાસમાં નવસારીનું મહત્ત્વ જાણીને તેમણે આ રેલવે સ્ટેશનને ‘હેરિટેજ’નો દરજ્જો આપવાની પશ્ર્ચિમ રેલવે સમક્ષ માગણી કરી છે.

નવસારી જિલ્લાના જસદણમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની રૅલીનું આયોજન કરાયું હતું. ગુજરાતનું કદાચ સૌથી જૂનું એટલે કે આશરે ૨૦૦૦ વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતા નવસારી જિલ્લાની દાંડીયાત્રામાં પણ મહત્ત્વની ભૂમિકા હતી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો મીઠાનો સત્યાગ્રહ નવસારી જિલ્લામાં પાર પડ્યો હતો.

‘નવસારીના ઐતિહાસિક મહત્ત્વને જાણ્યા બાદ તેને હેરિટેજનો દરજ્જો મળવો જોઈએ એવી વિનંતી કરતો પત્ર સોનિયા ગાંધીએ પશ્ર્ચિમ રેલવેને લખ્યો છે. નવસારી રેલવે સ્ટેશનના ઈતિહાસનો યોગ્ય અભ્યાસ કરીને આ બાબતે પ્રસ્તાવ તૈયાર કરવો કે કેમ?એ બાબતે નિર્ણય લેવામાં આવશે,’એવું પશ્ર્ચિમ રેલવેના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રેલવેમાં બે પ્રકારના હેરિટેજ સ્ટેટસ હોય છે. જેમાં યુનેસ્કો દ્વારા પ્રમાણિત કરાતું ‘વર્લ્ડ હેરિટેજ’ અને નેશનલ હેરિટેજ સ્ટેટસનો સમાવેશ થાય છે. પશ્ર્ચિમ રેલવેના એક પણ સ્ટેશન કે સ્મારકનો હજી સુધી વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો નથી. મધ્ય રેલવેના સીએસટી રેલવે સ્ટેશનની બિલ્ડિંગનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થાય છે. બીજી બાજુ પશ્ર્ચિમ રેલવેમાં નેશનલ હેરિટેજ સાઈટ લગભગ ૧૦ જેટલી છે.