Varuthini Ekadashi - વરુથિની એકાદશી વ્રત કથા
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારસને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે. એજ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાપણ મોટુ દાન છે. ભૂમિદાન કરતા પણ વધારે મહત્વ તલદાનનું છે. તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તી થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યુ છે.
ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટુ વિદ્યાદાન છે.
મનુષ્યો વરુથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઇને કન્યાયાના ધનથી આજીવિકા ચલાવે છે. તેઓ પૂણ્યનો ક્ષય ગતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઇએ. એને પોતાના કામમાં ન લેવું જોઇએ.
જેઓ પોતાની શકિત પ્રમાણે પોતાની કન્યાને આભુષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પૂણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે.
વ્રત કથા - પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યુ અને રાજાના પગ ચાવવા માંડ્યુ. રાજા ગભરાયો નહી અને પોતાની તપસ્યામાં લીન રહ્યો.
થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જગંલમાં લઈ ગયુ. હવે રાજા ગભરાય ગયો પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પ્રાર્થના સાંભળીને ભક્તવત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રકટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો.
રાજાનો પગ રીંછ ખાઈ ચુક્યો હતો. જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા હે વત્સ દુ:ખી ના થઈશ. તુ મથુરા જા અને ત્યા વરુથિની એકાદશીનુ વ્રત કરીને મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તુ ફરીથી સુદ્દઢ અંગોવાળો થઈ જઈશ.
આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યુ જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો.