સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. અમદાવાદ સમાચાર
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 9 ઑગસ્ટ 2023 (17:21 IST)

ACB એક્શનમાંઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં 9 લાંચિયાઓને રંગેહાથે લાંચ લેતા ઝડપ્યા

9 bribe-takers were caught
9 bribe-takers were caught
આજે ખંભાત અને લુણાવાડામાં ફાયર ઓફિસરો લાંચના છટકામાં ભેરવાઈને રંગેહાથે ઝડપાઈ ગયા હતાં
 
 સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. જો કે કાયદાની છટકબારીનો લાભ લઈને અંદાજે 69 ટકા આરોપીઓ નિર્દોષ જાહેર થાય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા એક સપ્તાહમાં ACBએ કરેલી કાર્યવાહી પરથી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયાઓ ઝડપાયા છે. 
 
ખંભાતના ફાયર ઓફિસર 9મી ઓગસ્ટે 40 હજારની લાંચ લેતા પકડાયા
ફરીયાદીના મિત્ર ફાયર સેફટી સાધનો વેચવાનુ તથા ફીટીંગ કરવાનો વ્યવસાય કરે છે. જેથી તેઓએ ખંભાત ખાતે આવેલ તૈયબીયાહ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીના સાધનો લગાડવાનુ કામ રાખી પુર્ણ કરેલ અને તેનુ સરકારી ધારા ધોરણ મુજબ ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવા ખંભાત નગરપાલીકામાં ફાયર સેફટી કચેરીમાં અરજી કરેલ. જે અંગેની એન.ઓ.સી. આપવા માટે આ કામના આક્ષેપિતે ફરીયાદી પાસે 45 હજારની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના 40 હજાર આપવાના નકકી થયા હતાં. પરંતુ ફરીયાદી તથા તેમના મિત્ર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ ACBનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા 40 હજાર સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યો હતો
 
લુણાવાડામાં 9મી ઓગસ્ટે ફાયર અધિકારી 30 હજારની લાંચ લેતા પકડાયો
ફરિયાદીએ 2021મા પંચમહાલ  ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડી હતી. જેની એન.ઓ.સી.રીન્યુ કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતેથી વર્ક ઓર્ડર મળેલ જેથી ફરીયાદીએ  ગોધરા નગરપાલીકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ એન.ઓ.સી.  રીન્યુ  કરવા  અરજી કરી એન.ઓ.સી. રીન્યુ કરવા માટેની ભરવાની 3500 રૂપિયા ફી ભરેલ તેમ છતા એન.ઓ.સી. રીન્યુ ન થતા ગોધરા ખાતે વિભાગીય ફાયર  અધિકારીની ઓફીસે જઇ આ કામના આક્ષેપિતને મળતા આક્ષેપિતે એન.ઓ.સી. આપવા માટે 30 હજારની માંગ કરી હતી. જેથી ફરીયાદીએ સગવડ થયેથી આપી  દેવા જણાવતા આક્ષેપિતે એન.ઓ.સી.આપી હતી. ત્યાર બાદ આક્ષેપિતે ફરીયાદીના મિત્રોને આપેલ એન.ઓ.સી. રદ કરવા અંગેની વાતચીત કરતા ફરીયાદીએ આક્ષેપિતને તેઓના  મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા આક્ષેપિતે 30 હજારની લાંચની માંગણી કરેલ. જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેથી લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આક્ષેપિત હેતુલક્ષી વાતચીત કરી 30 હજાર સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે. 
 
આઠમી ઓગસ્ટે નારોલમાં 25 હજાર લાંચ લેતો વહીવટદાર પકડાયો 
અમદાવાદમાં નારોલ પોલીસે 2 દિવસ પહેલા બીયરના 2 ટીન અને સ્કૂટર સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. જો કે પોલીસ વતી એક ખાનગી માણસ વહીવટદાર તરીકે આવ્યો હતો અને તે બંને સામે કાર્યવાહી નહીં કરવા રૂ.1 લાખ માગ્યા હતા. રકઝકના અંતે રૂ.25 હજાર નક્કી થતા પોલીસે વહીવટદારના કહેવાથી તે બંનેને કેસ કર્યા વગર જ જવા દીધા હતા. જો કે બંને પાસેથી રૂ.25 હજારની લાંચ લેતા વહીવટદારને એસીબીની ટીમે ઝડપી લીધો હતો.
 
આઠમી ઓગસ્ટે બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા
બાબરાના ધરાઈ ગામમાં ફરિયાદીને ટાવર નાખવા માટે ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ટાવર સામે ગ્રામ પંચાયત કાર્યવાહી નહીં કરવાની શરતે 3 લાખની ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. બોટાદ ACB દ્વારા રૂપિયા 1,20,000 ની લાંચ લેતા રંગે હાથે તેને ઝડપી લેવાયો હતો.ફરીયાદી ધરાઇ ગામે આવેલી જમીનમા ઈન્ડુસ કંપનીનો ટાવર ઉભો કર્યો હતો. ટાવરનુ ભાડું ફરીયાદીના ખાતામાં જમા થતું  હતું. ઈન્ડુસ કંપની ટાવરની જગ્યા ગેરકાયદેસર હોવાની ગ્રામ પંચાયત કચેરી ધરાઇ દ્વારા નોટિસ આપતાં ઈન્ડુસ કંપનીએ  ફરિયાદીને ભાડુ બંધ કરવા પત્ર પાઠવ્યો હતો. જેથી ફરીયાદીએ  આરોપીને રૂબરુ મળી ટાવર બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવા વિનંતી કરી હતી. જેથી આરોપીએ રૂ ૩,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી. રકઝકના અંતે 1,20,000લેવા સહમત થતા ફરીયાદીએ ફરીયાદ કરી હતી. જે બાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા.
 
8મી ઓગસ્ટે માણસા પોલીસ સ્ટેશનનો ASI 60 હજારની લાંચ લેતા ઝડપાયો
માણસા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફ માં ફરજ બજાવતા ASI મુકેશસિંહ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં આરોપીને હાજર થવા, માર ન મારવા તેમજ જામીન પર મુક્ત કરવા માટે આરોપીના ભત્રીજા પાસે 60 હજાર રૃપિયાની લાંચની માગણી કરી હતી જે રકમ તેઓ આપવા માંગતા નહોતા જેથી આ બાબતની જાણ તેમણે ગાંધીનગર એસીબીને કરી હતી ત્યારબાદ એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું જેમાં ASI સાઈઠ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
કપરાડામાં ઉપસરપંચ સાતમી ઓગસ્ટે લાંચ લેતા ઝડપાયા
વલસાડના કપરાડા તાલુકા મથક પર એસીબીની સફળ ટ્રેપમાં હરિભાઇ સખારામભાઇ ગાંગોડે દ્વારા લાંચની માંગણીની રકમ રૂપિયા ચાર હજાર લાંચની સ્વીકારેલ રકમ રૂપિયા ચાર હજાર લાંચની રીકવર કરેલ રકમ સાથે ઝડપી લીધા હતા. ફરીયાદીના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકાર તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં 1.10 લાખ જમા થયેલ હોય જે મકાન મંજુર થયેલ તેના વ્યવહાર પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે 5 હજારની લાંચની માંગણી કરી હતી જે પૈકીના એક હજાર અગાઉ આરોપીએ ફરીયાદી પાસેથી લઇ લીધેલા હતા. બાકીના ચાર હજારની માંગણી કરતા હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપવામાં આવી હતી.આ કામના આરોપી નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ચાર હજારની લાંચની માંગણી કરીને સ્વીકારી સ્થળ પર પકડાઇ રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.
 
દસક્રોઈમાં પાંચમી ઓગસ્ટે તલાટી લાંચ લેતા ઝડપાયો
અમદાવાદ જિલ્લામાં દસક્રોઈમાં ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી લાંચ લેતા ઝડપાયો છે. દસક્રોઈના કુંજાડ ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અર્જુન શર્માએ કુંજાડ ગામના જમીન માલિકોને મૃતક વ્યક્તિઓના નામ જમીનમાંથી કમી કરાવવા અને સુધારા એન્ટ્રી કરવા લાંચ માંગી હતી. 7/12 અને 8 એમાં સુધારા કરવા માટે 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, જે જમીન માલિક આપવામાં ઈચ્છતા તેમને ACBનો સંપર્ક કર્યો હતો. ACB એ છટકું ગોઠવ્યું હતું, જેમાં જમીન માલિક પાસેથી તલાટી કમ મંત્રી અર્જુન શર્મા કચેરીમાં જ 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. ACBએ લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે.
 
જામનગરમાં પાંચમી ઓગસ્ટે મામલતદાર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા
જામનગર જિલ્લાના મામલતદાર અને એક વચેટીયાને ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસે સસ્તા અનાજનો રિપોર્ટ લીલ કરવા બાબતે 1600ની લાંચ માંગી હતી. જેની જાણ ફરિયાદીએ ACBને કરતાં ACBએ છટકું ગોઠવ્યું હતું.લાલપુરમાં સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરતા સમય અંતરે તેની સસ્તા અનાજની દુકાનની તપાસણીનો નીલ રિપોર્ટ કરી આપવા પેટે એક રેશનકાર્ડ પરમીટ ધારક દીઠ રૂપિયા બે લેખે તેઓના ચારસો કાર્ડના મહિને ₹800 મુજબ બે માસના 1600 રૂપિયાની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હતા જેથી એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી. જામનગર એસીબીએ આજરોજ ગોઠવેલા લાંચના છટકા મામલતદાર અને વચેટીયો બંને ઝડપાઇ ગયા છે.
 
અમદાવાદમાં 3જી ઓગસ્ટે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
અમદાવાદના નારોલમાં એક પોલીસ કર્મીએ મારામારીની ઘટનામાં આરોપીને લોકઅપમાં નહી રાખવા તથા બારોબાર કોર્ટમાં રજુ કરવા અર્થે ફરીયાદી સાથે વાતચીત કરી પ્રથમ 20 હજારની લાંચની માગણી કરેલ અને રકજકના અંતે આ કામના આરોપીએ ફરીયાદી પાસે ચાર હજારની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે ચાર હજારની લાંચની રકમની માગણી કરી સ્વીકારી પકડાઇ ગયો હતો.