અક્ષય તૃતીયા વ્રત - અક્ષય તૃતીયા વ્રતકથા
વૈશાખ શુક્લ ત્રીજને અક્ષય તૃતીયા કહે છે. કારણકે આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, જ્ઞાન અન્ન દાન અક્ષય ફળ આપનારા હોય છે. આનો કદી ક્ષય થતો નથી તેથી આને 'અક્ષય તૃતીયા' અથવા અખાતત્રીજ કહે છે. જો આ વ્રત સોમવાર અને રોહિણી નક્ષત્રમાં આવે તો મહાફળદાયક માનવામાં આવે છે. જો ત્રીજ મધ્યાહ્નથી પહેલા શરૂ થઈને પ્રદોષકાળ સુધી રહે તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જે પણ શુભકાર્ય કરવામાં આવે તેનું ખૂબ જ સારુ ફળ મળે છે.
આ વ્રત દાનપ્રધાન વ્રત છે. આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનુ મહત્વ છે. આ દિવસથે સતયુગ શરૂ થાય છે તેથી આને યુગાદિ ત્રીજ પણ કહે છે.
અક્ષય તૃતીયા વ્રત કેવી રીતે કરશો ?
-
વ્રતના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં સૂઈને ઉઠો
-
ઘરની સફાઈ અને નિત્ય કાર્યથી પરવારીને પવિત્ર કે શુધ્ધ જળથી સ્નાન કરો.
-
ઘરમાં જ કોઈ પવિત્ર સ્થળ પર ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરો.
-
નીચેના મંત્રથી સંકલ્પ કરો -
ममाखिलपापक्षयपूर्वक सकल शुभ फल प्राप्तये
भगवत्प्रीतिकामनया देवत्रयपूजनमहं करिष्ये।
-
સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુનુ પંચામૃતથી સ્નાન કરાવો.
-
ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને સુગંધિત પુષ્પમાળા પહેરાવો.
-
નૈવેધમાં ઘઉંનો સત્તુ કાકડી અને ચણાની દાળ ધરાવો.
-
છેવટે તુલસીનુ પાણી ચઢાવીને ભક્તિપૂર્વક આરતી કરવી જોઈએ.
-
ત્યારબાદ ઉપવાસ કરો.
અક્ષય તૃતીયાની વ્રત કથા દેવપુરી નગરીમાં ઘરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તેનું હૃદય ઘણું વિશાળ હતુ. તપ-ત્યાગમાં એ સૌથી આગળ રહેતો. સાધુ સંતોને ઘેર બોલાવી જાતે પીરસતો. ગામમાં કોઈ ભૂખ્યુ હોય તો ઘેર બોલાવી જમાડતો. રોજ સવારે ગાય-કૂતરાને ખવડાવતો અને સાંજે કીડીયારુ પૂરતો.
ઘરમચંદની આ ધર્મ-ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપી જમાડ્યા. પછી પરશુરામ બોલ્યા - હે ધર્મિષ્ઠ વણિક ! તુ હજુ અક્ષય તૃતીયા વ્રતના માહાત્મયથી અજાણ છે. આ દિવસે ગંગાસ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયા દાન કરી, ઘડાજુ દાન કર. આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહી થાય. જનમોજનમ તારુ આ પુણ્ય તને કામ આવશે.
અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમાં સાંભળી ઘરમચંદે તરત આ વ્રત કરવાનો દ્દઢ સંકલ્પ કર્યો. વૈશાખ માસની અજવાળી ત્રીજ (અખાત્રીજ) આવતા એણે ગંગાસ્નાન કરી પિતૃ તર્પણ કર્યુ. સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોનામહોરો ભરી, કુંભનું દાન કર્યુ. બ્રહ્મભોજન કરાવી મોં માંગી દક્ષિણા આપી. સર્વ સમૃધ્ધિનું દાન કર્યુ.
ઘરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ધુંધવાતી રહી. પણ કાંઈ બોલી શકતી ન હતી.
સર્વસ્વનુ દાન કરી ઘરમચંદ પૂર્ણ શ્રધ્ધાથી પરશુરામની પૂજા કરી. જવના રોટલા ખાધા અને આખો દિવસ પરશુરામના ગુણગાન ગાયા. આ વ્રતના પ્રભાવથી એની સમૃધ્ધિ વધવા માંડી. એ જેમ દાન કરતો તેમ એની સમૃધ્ધિ બમણી થતી હતી.
આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ઘરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતાં એ રાજા બન્યો. એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો. દાન-ધર્મથી એણે એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા. મૃત્યુ પછી એ હંમેશના માટે દેવલોકમાં વસ્યો. જ્યારે દાન-પુણ્યથી મનોમન બળતી વિલાસ વતી બીજે જન્મે ગરીબના ઘેર અવતરી અને જનમભર વંધ્યા રહી.
જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે,
તેના ભંડાર સદા ભર્યા રહેશે.