રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ કાર્ય
Written By દેવાંગ મેવાડા|

તમાકુના બીમાંથી ખાધતેલનુ ઉત્પાદન !!

PRP.R
તમાકુના સેવનથી તંદુરસ્તીને હાની પહોંચે છે તે વાત નાનુ બાળક પણ સારી રીતે જાણે છે. પરંતુ તમાકુની હાનિ સાથે તેના છોડમાંથી મળતાં કેટલાક તત્વો લાભદાયી હોય છે તે જાણવુ તમામ માટે જરૂરી છે. તમાકુનો ઉપયોગ માત્ર સિગરેટ, બીડી અથવા ગુટખા પુરતો સિમીત નથી. પરંતુ અનેક લાભદાયી ચીજોના ઉત્પાદનમાં તેના નિકોટીનનો ઉપયોગ થાય છે. જેવી રીતે બીડી તમાકુના દંડમાંથી દરવર્ષે આશરે 400 ટન નિકોટીન સલ્ફેટ બનાવવામાં આવે છે. જેનો છંટકાવ શાકભાજી તથા બાગાયતી પાકો ઉપર કિટનાશક તરીકે વિદેશોમાં થાય છે. પરંતુ ભારતમાં નિકોટીન સલ્ફેટના કીટનાશક દવા તરીકેના ઉપયોગ ઉપર 1992થી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમાકુના વધુ એક મહત્વના ઉપયોગ વિષે જાણવુ પણ અત્યંત જરૂરી છે.

તમાકુના પાકમાંથી 99 ટકા શુધ્ધતાવાળુ નિકોટીન આલ્કલોઈડ મેળવી શકાય છે. જેનો ઉપયોગ નિકોટીક એસિડ તથા નિકોટીન એમાઈડ બનાવવામાં થાય છે. જે મુખ્યત્વે આરોગ્યવર્ધક દવા બનાવવામાં વપરાય છે. આ ઉપરાંત તમાકુના પાનમાંથી પ્રતિ હેક્ટરે 1 ટન જેટલુ ફુડ પ્રોટિન મેળવી શકાય છે. એ એનિમલ ફીડ બનાવવામાં વાપરી શકાય છે. તમાકુના પાનમાંથી પ્રતિ હેક્ટરે 20થી 40 કિલોગ્રામ સોલેનોસોલ મેળવી શકાય છે. જેનો ઉપયોગ હ્દયરોગ પ્રતિરોધક દવા બનાવવામાં થાય છે. આ વાત તમાકુમાંથી મળતાં તત્વોની ઉપયોગીતાની હતી, જેને વિદેશોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
PRP.R
પરંતુ આણંદની કૃષિ યુનિવર્સિટીના સંશોધકન વૈજ્ઞાનિક એ ડી પટેલે દાવો કર્યો છે કે, તેમની ટીમે તમાકુના બીમાંથી ખાધ તેલ બનાવવાનુ અનોખુ સંશોધન કર્યુ છે. સામાન્ય વ્યક્તિ તમાકુ વિષે વિપરીત અભિપ્રાય રાખે છે. લોકોનુ માનવુ છે કે, તમાકુના સેવનથી સ્વાસ્થયને નુકશાન પહોંચે છે. પરંતુ તમાકુના બીમાંથી બનનારા તેલથી સ્વાસ્થય નહીં બગડે તેવો વિશ્વાસ પણ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિક એ ડી પટેલે માહિતી આપી હતી કે, તમાકુના બીમાં નિકોટીનની માત્રા હોતી જ નથી અને તેના કારણે તેનાથી તબિયતને નુકસાન પહોંચે તેવી શક્યતા પણ તેમણે નકારી નાંખી હતી. તેમણે કહ્યુ હતુ કે, તજજ્ઞ વૈજ્ઞાનિકોની ટુકડી દ્વારા કરવામાં આવેલા આ સંશોધનથી દેશમાં ખાધ તેલની વર્તાનારી અછત પર કાબુ મેળવવામાં મદદ મળી શકે તેમ છે.

PRP.R
તમાકુના બીમાંથી ખાધ તેલ કેવી રીતે બની શકે છે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યુ હતુ કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેલની ઉભી થયેલી અછતના પગલે તમાકુના બીજના તેલનો ખાવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના બીજ ઉત્પાદીત કરવા માટે રોપવામાં આવેલી તમાકુની વિવિધ જાતોમાંથી તેલ ઉત્પાદન કરવાની ક્ષમતા વૈજ્ઞાનિકોએ ચકાસી હતી. જેમાં આણંદ-145 તમાકુના બીજમાં 37 ટકા તેલ હોવાનુ આશાસ્પદ તારણ બહાર આવ્યુ હતુ. આ ગણતરી મુજબ સરેરાશ એક હેક્ટર જમીનમાંથી 450 કિલોગ્રામ તેલ ઉત્પાદીત થઈ શકે છે તેવો આશાવાદ તેમણે ઉંડાણપૂર્વકના અભ્યાસ બાદ વ્યક્ત કર્યો હતો. તમાકુના બીમાંથી ઉત્પાદીત કરાયેલુ ખાધતેલ સુર્યમુખી તથા કસુંબીના તેલને મળતુ આવે છે. આ તેલમાં લીલોનીક અને લીનોલેનિક ફેટી એસિડનુ પ્રમાણ વધારે જોવા મળ્યુ હતુ. જેથી આ તેલ આરોગવાથી માણસના સ્વાસ્થયને નુકસાન તો થતુ જ નથી, સાથોસાથ તે આરોગ્ય માટે યોગ્ય છે તેવુ વૈજ્ઞાનિકોનુ માનવુ છે.

તમાકુના તેલથી કોઈ વ્યક્તિના શરીર ઉપર માઠી અસર પહોંચે છે કે કેમ તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ ઉંદરો ઉપર તેનો પ્રયોગ કર્યો હતો. સીંગતેલથી બનાવવામાં આવેલી વાનગીઓ તથા તમાકુના બીમાંથી બનાવવામાં આવેલી વાનગીઓ ઉંદરોને ખવરાવવામાં આવી હતી. સઘન અભ્યાસ બાદ વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યુ હતુ કે, તમાકુના બીના તેલના સેવનથી ઉંદરોના હ્દય,કિડની, લિવર અને મગજ ઉપર કોઈ પણ પ્રકારની આડઅસર માલુમ પડી નથી. જેને જોતાં આ તેલ માણસના ખાવા માટે યોગ્ય છે તેવા પરિણામ ઉપર તેઓ પહોંચ્યા હતા.

PRN.D
તદ્ઉપરાંત તમાકુના તેલનો લાંબા સમય સુધી સંગ્રહ કરવાથી તેની ગુણવત્તામાં ઘટાડો નોંધાતો નથી તેવુ તાત્પર્ય તેમણે લાંબા સમયના નિરીક્ષણ બાદ કાઢ્યું હતુ. તમાકુના બીનુ તેલ બજારમાં આવતાં કેટલો સમય લાગે, તેવા સવાલના જવાબમાં વૈજ્ઞાનિક એ ડી પટેલે જણાવ્યુ હતુ કે, હાલ આ તેલના ઉત્પાદન અને તેની ગુણવત્તાનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ તેલના ઉત્પાદનમાં થતાં ખર્ચને ઘટાડવાનો પ્રયાસ જારી છે. તમાકુના છોડમાંથી મહત્તમ બીજ ઉત્પાદીત કરી શકાય કે કેમ, તે વિષે પણ સંશોધન ચાલુ જ છે. તમામ સંશોધન પૂર્ણ થયા બાદ કોઈ કંપની દ્વારા આ તેલનુ ઉત્પાદન કરવામાં આવે અને ત્યાર પછી તેને બજારમાં મુકવામાં આવે તેમ છે. અલબત્ત, બજારમાં આ તેલ કેટલા સમયમાં આવે તેની સમયમર્યાદાનો તાગ મેળવવો હાલમાં મુશ્કેલ છે.

તમાકુના સેવન વિષે લોકોના નકારાત્મક અભિપ્રાયને જોતાં તમાકુના બીમાંથી ઉત્પાદીત થનાર તેલનો વ્યાપક ઉપયોગ થાય તે વાત હજી ગળે ઉતરતી નથી. પરંતુ, તમાકુના બીમાંથી તેલ ઉત્પાદન કરીને કૃષિ યુનિવર્સિટીએ અનોખી શોધ કરી છે, તે સત્ય છે. ઉલ્લેખનીય છે કે, આ તેલમાંથી બનાવેલી વાનગીઓ તેમણે પૂર્વ કૃષિમંત્રી ચુડાસમાને પણ ખવરાવી હતી અને પોતે પણ આરોગી હતી. છતાંય તેમના સ્વાસ્થય પર કોઈ વિપરીત અસર પડી હોય તેમ જણાતુ નથી.