Bahuchar Maa- બહુચર માંને ધરાવાયો રસ-રોટલીનો પ્રસાદ, જાણો બહુચરા મંદિર કેવી રીતે પહોંચવુ  
                                       
                  
				  				   
				   
                  				  
	Bahucharaji Temple- મહાસુદ બીજના દિવસે શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે. 
				  										
							
																							
									  
	
				   
				  
	 મળતી માહિતી મુજબ, શક્તિપીઠ બહુચરાજીમાં માતાજીને રસ અને રોટલી નો પ્રસાદ ધરાવાયો. 344 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજી એ પરચો પૂર્યો હતો. તેને જીવંત રાખવા ભક્તો દ્વારા આજે પણ પ્રયાસ કરવામાં આવે છે.
				  
	 
	બહુચરાજીમાં પરંપરા જાળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. મહત્વનું છે કે, માં બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા તેમની જ્ઞાતિને માગસર મહિનામાં અશક્ય જણાતું રસ- રોટલીનું જમણ કરાવ્યું હતું.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	344 વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ, બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ (Vallabh Bhatt) અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે, અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાંસીપાત્ર થવું તે ઠીક નથી.
				  																		
											
									  
	 
	માતાજીએ ધરપત આપતાં કહ્યું કે, કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને શાનું દુ:ખ. તમો અમદાવાદ જાઓ, ઉત્તરક્રિયા કરો અને જ્ઞાતિને ઇચ્છિત ભોજન આપો. હું તમને સહાય કરીશ. માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા હતા. જ્ઞાતિજનોએ માગશર માસ હોવા છતાં ભટ્ટજીનો  ઉપહાસ કરવા રસ-રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગશર મહિનામાં કેરી ક્યાંથી મળે. એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. બહુચર માતાજી અને નાર સંગવીર દાદાએ ભક્તની લાજ રાખતાં ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ- રોટલીનું ભોજન જમાડ્યું હતું. દિવસે માગશર સુદ બીજને સોમવાર સંવત 1732ની સાલ હતી. માતાજીના આ પરચાને આજે પણ બહુચરાજીમાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યો છે. અને આજે પણ અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહી આવતા ભક્તોને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે.
				  																	
									  
	 
	 
	આ રીતે પહોંચવુ મંદિર 
	આ મંદિર અમદાવાદથી લગભગ 110 કિમી દૂર સ્થિત છે. અમદાવાદથી ગાંધીનગર થઈને બેચરાજી પહોંચી શકાય છે. આ ધામ મહેસાણાથી 38 કિમી દૂર આવેલું છે. હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા પછી, તમે રોડ માર્ગે અહીં આવી શકો છો.