શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (12:22 IST)

ઈન્દિરા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ અપાવનારી

indira ekadashi
હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ (કૃષ્ણ પક્ષ) સમયે આવતી એકાદશી ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશી ખૂબજ પવિત્ર અને પાપહર્તા એકાદશી આવે છે. એના વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઇ જાય છે. નીચ યોનીમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત સદગતિ આપનારુ છે.
 
ઈન્દિરા એકાદશી વ્રતનું મહત્વ - શ્રાદ્ધ પક્ષમાં આવતી આ અગિયારસ ખાસ એટલા માટે છે કે તે કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આપણા પૂર્વજો કે જેમનાથી જાણતા કે અજાણતા કોઈ પાપ થયું હોય તે કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે. તેથી તેમને શાંતિ મળે છે. તેથી પરિવારને આશીર્વાદ મળે છે. સાથોસાથ વંશની વૃદ્ધિ થાય છે. આ એકાદશીનું વર્ત જો વિધિવિધાન પૂર્વક કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ અગિયારસે દાન આપવાનો વિશેષ મહિમા છે. મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે.
 
ઈન્દિરા એકાદશી વ્રત કથા - ભગવાન શ્રીકૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઈન્દિરા એકાદશી વ્રતનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપ કર્મોનો નાશ કરનારી એકાદશીમાં ઈન્દિરા એકાદશી ખાસ છે. આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થઈ જાય છે. હે રાજન.. ઈન્દિરા એકાદશીની કથી જે હું તમને સંભળાવું છે તે ધ્યાનથી સાંભળો. તેને સાંભળવા માત્રથી જ વાજપેય યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે.
 
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે સતયુગમાં મહિષ્મતિ નામની નગરી હતી. ત્યાં મહાપ્રતાપી રાજા ઈન્દ્રસેન રાજ કરતાં હતા. રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા. તેમના શાસનમાં પ્રજા પણ સુખચેનથી રહેતી હતી. ધર્મ અને કર્મના તમામ કાર્યો નગરમાં ખુબ સારી થતાં હતાં. એક દિવસે એવું થયું કે નારદજી ઈન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા. ઈન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું.
 
ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું. જે આ સમયે પૂર્વ જન્મમાં એકાદશી વ્રતનો ભંગ કરવાને કારણએ યમરાજ દ્વારા દંડ ભોગવી રહ્યાં છે. નારદજીની વાત સાંભળી ઈન્દ્રસેન વ્યથિત થઈ ગયા. દેવર્ષિને તેનું સમાધાન પૂછવા લાગ્યા. ઈન્દ્રસેન કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાની પીડાનો અંત આવે. તેમની ગતિ થાય.
 
ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરીને આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન, મંત્ર-જાપ કે કથા શ્રવણ કરો. એના પુણ્યથી તમારા પિતાને મુક્તિ મળી જશે. એ દિવસે યથા શક્તિ દાન પણ કરો. આમ કહીને નારદજી અંતર્ધ્યાન થઈ ગયા.
 
તે પછી મહારાજા ઈન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ અનુસાર એકાદશીનું વ્રત કર્યું. એનાથી તેમના પિતાને શાંતિ મળી અને તે પરમ પદને પામ્યા. જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યો.
 
આ રીતે કરો એકાદશી વ્રત - આ દિવસે વહેલી સવારે ઉઠીને શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ કર્મ પતાવીને વ્રત કરવું. આ દિવસે પ્રથમ વિષ્ણુ નારાયણનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજન કરવું. તે પછી પિતૃઓનું પૂજન અને તર્પણ કરવું. આ દિવસે ફળાહાર કરવો. અન્ન લેવું નહિં. દિવસભર પ્રભુ સ્મરણ કરવું. પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. તે પછી શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી સન્માનિત કરવા. જો આમ ન થઈ શકે તો કોઈને સીધુ આપવું. શક્ય હોય તો દિવસ દરમિયાન મોન રહી જાપ કરવા અને રાતે 12 વાગ્યા સુધી જાગરણ કરવું.
 
જે આ રીતે ઈન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી મોક્ષની પ્રાપ્તિ કરે છે. વૈકુંઠમાં વાસ થાય છે. જ્યારે પિતૃઓની શાંતિ અને ગતિ થવાથી પારિવરિક સંબંધોમાં  પણ વિશેષ સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.