ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

પોંગલ, સંક્રાંતિ, અને લોહડી વચ્ચે શું તફાવત છે, જાણો અહીં

ગુજરાત સહિત અન્યો રાજ્યોમાં મકરસંક્રાતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાનું વધારે મહત્વ છે. આખો દિવસ લોકો ખુબ જ મોજ મસ્તી કરે છે. આ દિવસે ગુજરાતમાં દરેક માણસ પોતાની અગાસી પર હોય છે. બાળકો તથા પુરૂષો જ નહિ મહિલાઓ પણ પગંત ચગાવે છે.
મકરસંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણ એટલે તે દિવસથી સૂર્ય ઉત્તરની તરફ ઉત્તરાયણ કરે છે. તેથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે એટલે કે દરરોજ થોડોક થોડોક વધે છે. આ દિવસે ગુજરાતની અંદર દાન આપવાનું પણ વધારે મહત્વ છે. તેથી લોકો દાન પણ કરે છે.
 
આ દિવસે ગુજરાતના યુવાનોની મજા તો કંઈ અલગ જ હોય છે. દરેક યુવાન પોતાની અગાસી પર પોતાના મિત્રો અથવા પોતાના પરિવારજનો સાથે મળીને ખુબ ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવે છે. યુવાનોમાં તો જાણે પતંગ ચગાવવાની હરીફાઈ થતી હોય તેવું લાગે છે. યુવાનો એકબીજાનો પતંગ કાપ્યા બાદ ખુબ જ જોરથી બુમો પાડે છે અને ઘણી જગ્યાએ તો નગારા અને ઢોલ લઈ આવે છે જેથી કરીને બુમો પાડવાની જ્ગ્યાએ ઢોલ-નગારા વગાડે છે. બાળકોની પણ મજા અલગ હોય છે અને વયોવૃધ્ધની પણ. ટુંકમાં આ દિવસ બધાને માટે મજાનો હોય છે.
 
મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે લોકો તલપાપડી, બોર, શેરડી વગેરેની મજા માણે છે. આ દિવસે ગુજરાતમાં ઉંધિયાની પણ બોલબાલા રહે છે. આખો દિવસ ખુશીથી પસાર કર્યા બાદ રાત્રે પણ લોકો ખુશી ઉજવે છે. રાત્રે આકાશમાં પતંગની સાથે તુક્કલ ચગાવે છે.
 
પોંગલ- તમિલનાડુમાં મકરસંક્રાતિને પોંગલના રૂપમાં ઉજવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી તારીખે આવે છે. તમિલનાડુની અંદર પોંગલ ખાસ કરીને ખેડુતો માટેનો તહેવાર છે. પોંગલ સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે બીજા દિવસે લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે.
 
પોંગલના દિવસે સ્નાન કર્યા બાદ ખુલ્લા આંગણમાં માટીના નવા વાસણની અંદર ખીર બનાવવામાં આવે છે. જેને પોંગલ કહેવાય છે. ત્યાર બાદ સૂર્ય ભગવાનને નૈવેધ ચડાવ્યા બાદ ખીરને બધા પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે. આ દિવસે પુત્રીનું અને જમાઈનું ઘરે સ્વાગત કરવામાં આવે છે. ત્રીજા દિવસે ખેડુતો પોતાના પશુઓને ખુબ જ સુંદર રીતે શણગારીને તેમનું સરઘસ કાઢે છે.
લોહડી-  લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે. વળી આ ઉત્સાહ ત્યારે બમણો થઈ જાય છે જ્યારે આ દિવસે ઘરની અંદર નવી વહું કે નવા જન્મેલા બાળકની પહેલી લોહડી હોય.
 
આ દિવસે બાળકોમાં પણ ખુબ જ ઉત્સાહ રહે છે. મોડી રાત્રે ખુલ્લી જગ્યાએ આગ સળગાવવામાં આવે છે. આખો પરિવાર અગ્નિની ચારે તરફ પ્રદક્ષિણા કરે છે. ત્યાર બાદ બધાને પ્રસાદ વહેચવામાં આવે છે. પ્રસાદની અંદર મુખ્ય રીતે તલ, ગજક, ગોળ, મગફળી અને મકાઈની ધાણી વહેચવામાં આવે છે.
 
આગ લગાવ્યા બાદ તેની આસપાસ ચોખા, સાકરીયા અને રેવડી વેરવામાં આવે છે જેને ત્યાં હાજર રહેલા લોકો ઉઠાવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આગની વચ્ચેથી ધાણી કે મગફળી ઉઠાવે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યાર બાદ નાચ-ગાનનો કાર્યક્ર્મ શરૂ થાય છે. મોડી રાત્રી સુધી આ કાર્યક્રમ ચાલે છે અને તેમાં ખાસ કરીને મક્કે કી રોટી અને સરસોનું સાગ બનાવવામાં આવે છે. આ રીતે આખો પરિવાર હસતા-ગાતા લોહડીની ઉજવણે કરે છે અને તેમનું આખુ વર્ષ આવી રીતે જ પસાર થાય તેવી પ્રાર્થના કરે છે.
 
મકરસંક્રાંતિ ઃ મહારાષ્ટ્રમાં આ દિવસે મહિલાઓ પોતાના પતિના દિર્ધાયુ માટે પ્રાર્થના કરે છે તેમજ ઘરની સુખ શાંતિ માટે મકરસંક્રાંતિથી વસંત પંચમી તેમજ ચૈત્ર માસના આખા મહિના સુધી હલ્દી કંકુનું આયોજન કરે છે. મકરસંક્રાંતિના દિવસે વિવાહીત મહિલાઓ અરસ પરસ એકબીજાને હલ્દી કંકુનો ચાંલ્લો લગાવે છે, તલથી બનાવેલી મીઠાઈ ખવડાવે છે અને મહેમાન મહિલાઓને સુહાગની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપે છે. આ દિવસે દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે તેથી દાન પણ કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવામાં આવે છે.
 
આ રીતે દરેક ધર્મના લોકો જુદી જુદી રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરે છે. તહેવાર તો એક બહાનું છે હકીકતમાં તો આ એક ખુશી ઉજવવાની રીત છે. તે બહાને સંબંધીઓ એકબીજાની વધું નજીક આવે છે.