1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 22 જૂન 2024 (13:05 IST)

અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગૂંજ્યો

jal yatra
jal yatra
 શહેરમાં જગતના નાથ ભગવાન જગન્નાથજીની નગરચર્યાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.સાબરમતી નદી સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી. મહાજળાભિષેક બાદ ભગવાન જગન્નાથે ગજવેશ ધારણ કર્યો હતો. દર્શન થતાની સાથે જ મંદિર ‘જય રણછોડ માખણચોર’નાં નાદથી ગુંજી ઊઠ્યું હતું.બાદમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી.
jal yatra
jal yatra
108 કળશમાં જળ ભરીને ભગવાનનો મહાજળાભિષેક કરાયો
અમદાવાદમાં સાબરમતિ નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરાયું હતું. જેમાં સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન શરૂ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા સહિતના યજમાનો દ્વારા પૂજા કરવામાં આવી હતી. સાબરમતિ નદીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા હતાં. પૂજા બાદ નદીમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. મહિલાઓ પારંપરિક સાડી પહેરી અને માથે કળશ લઈને સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવા જવા યાત્રામાં જોડાઈ હતી. બાદમાં કળશ માથે લઈને મંદિર તરફ યાત્રાએ પ્રયાણ કર્યું હતું.
jal yatra
jal yatra
મંદિર કેસર અને ચંદનની સુગંધથી મહેકી ઉઠ્યું
સાબરમતી નદીમાંથી લાવવામાં આવેલા જળથી મંદિરના મહંત દિલીપદાસજી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. સંતો, મહંતો અને યજમાનો દ્વારા ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો છે.ભગવાન જગન્નાથના ગજાવેશના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડયું છે. ભગવાન ગણેશને દુર્વા ખૂબ પ્રિય હોય છે તેથી આજે મહા જળાભિષેક બાદ જગન્નાથ ભગવાનને દુર્વા અર્પણ કરવાનું માહાત્મ્ય છે.વિવિધ સ્નાન બાદ ભગવાનને અત્તરથી સ્નાન કરવામાં આવ્યું હતું. ભગવાનને પુષ્પ અને તુલસી દલ અર્પણ કરવામાં આવ્યા હતા.ભગવાનને કેસરના જળથી અભિષેક કરવા આવ્યો છે. આથી મંદિર કેસર અને ચંદનની સુગંધથી મહેકી ઉઠ્યું છે.