નરેન્દ્ર મોદી પીએમ બન્યા પણ ભગવાન જગન્નાથને ભૂલ્યા નથી, દર વર્ષે પુર્ણ કરે છે પોતાનો નિયમ, દિલ્હીથી મોકલે છે ખાસ પ્રસાદ
મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બન્યા છતાં, નરેન્દ્ર મોદી ભગવાન જગન્નાથ સાથે અતૂટ રીતે જોડાયેલા છે. પોતાના અત્યંત વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ પીએમ મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા પહેલાં દિલ્હીથી ખાસ પ્રસાદ મોકલવાનું ભૂલ્યા નથી. આ ખાસ પ્રસાદમાં ઋતુ પ્રમાણે મગ, જાંબુ, કેરી અને સૂકા ખજૂર સહિતના અન્ય ફળોનો સમાવેશ થાય છે જેને આકર્ષક બોક્સમાં પેક કરીને જમાલપુર જગન્નાથ મંદિરે મોકલવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી પરંપરા આજે પણ અકબંધ
પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રથયાત્રાના એક દિવસ પહેલાં મંદિરમાં ખાસ નૈવેદ્ય (પ્રસાદ) મોકલવાની આ સુંદર પરંપરા શરૂ કરી હતી. દેશના વડાપ્રધાન બન્યા પછી અને દિલ્હી શિફ્ટ થયા પછી પણ આ નિયમમાં ક્યારેય ભંગ પડ્યો નથી. ૧૨ વર્ષ અને ૭ મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અમદાવાદની આ રથયાત્રાને એક નવી ભવ્યતા આપી હતી.
સૌથી વધુ વખત 'પહિંદ વિધિ' કરવાનો ઐતિહાસિક રેકોર્ડ
ગુજરાતની પરંપરા મુજબ રથયાત્રામાં સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની 'પહિંદ વિધિ' રાજ્યના સર્વોચ્ચ પદ પર રહેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીના નામે ગુજરાતમાં સૌથી વધુ ૧૩ વખત આ પવિત્ર પહિંદ વિધિ કરવાનો અનોખો રેકોર્ડ નોંધાયેલો છે. તેઓ માત્ર વિધિ જ નહોતા કરતા, પરંતુ જમાલપુરના 400 વર્ષ જૂના મંદિરના પ્રાંગણમાંથી પોતે રથ ખેંચીને યાત્રાનું પ્રસ્થાન કરાવતા હતા.
હિંસાના ઓછાયામાંથી મુક્તિ અને હાઇ-ટેક સુરક્ષા
વર્ષ 2001 પહેલા અમદાવાદની રથયાત્રા પર અવારનવાર સાંપ્રદાયિક તણાવ કે હિંસાનું ગ્રહણ લાગતું હતું. પરંતુ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાના કડક વહીવટી નિયંત્રણ હેઠળ આ યાત્રાને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવી દીધી. યાત્રાના રૂટ પર GPS ટ્રેકિંગ, CCTV કેમેરા અને હાઇ-ટેક કંટ્રોલ રૂમ જેવી આધુનિક ટેક્નોલોજી લાવનારા તેઓ પ્રથમ નેતા હતા, જેના કારણે લાખો શ્રદ્ધાળુઓ ભય વગર આ ઉત્સવમાં જોડાઈ શક્યા.
અમદાવાદની રથયાત્રાને અપાવી વૈશ્વિક ઓળખ
પીએમ મોદીએ ઓડિશાની જગન્નાથ પુરી રથયાત્રાની જેમ જ અમદાવાદની રથયાત્રાને પણ દેશની બીજી સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા તરીકે વૈશ્વિક ફલક પર માન્યતા અપાવી છે. તેમના જ શાસનકાળ દરમિયાન દેશભરમાંથી આવતા હજારો સાધુ-સંતો અને અખાડાઓ માટે વિશેષ સરકારી સંકલન અને શ્રેષ્ઠ નાગરિક સુવિધાઓની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ વર્ષે પણ સુરક્ષા માટે 30,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત છે અને સીએમ તેમજ ડીજીપી પોતે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે.
રથયાત્રાના પાવન પર્વે પીએમ મોદીનો ખાસ સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ શુભ અવસરે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ યાત્રાને ભારતની સદીઓ જૂની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાનું ગૌરવશાળી પ્રતીક ગણાવી છે. પીએમ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે આ પરંપરા પેઢી દર પેઢી લોકોને પ્રેરણા આપે છે અને તે નમ્રતા, સામૂહિક ભાગીદારી અને સેવાભાવનું પ્રતીક છે. સાથે જ તેમણે મહાપ્રભુ જગન્નાથ પાસે દરેકના સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે.
