સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (14:21 IST)

24મીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન અમદાવાદમાં નો ફલાય ઝોન નહી હોય

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરમાં ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં નહીં આવે. ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન કરવામાં આવશે.

વધુમાં 24મીએ ફ્લાઈટ હોય તે પેસેન્જરોએ ઓછામાં ઓછા 3 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવું પડશે. એ જ રીતે રોડ બંધ હશે ત્યારે ટિકિટની તેમજ આઈડી પ્રૂફની હાર્ડકોપી બતાવનારા પેસેન્જરોને જવા દેવામાં આવશે. મોબાઈલમાં ફોટો કોપી મંજૂર કરવામાં આવશે નહીં.

એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેરમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે અને તેમની મુલાકાત દરમિયાન 50થી 60 જેટલી ફ્લાઈટ રદ કરવામાં આવશે તેવી વહેતી થયેલી વાતોને રદિયો આપ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, નો- ફ્લાય ઝોન જાહેર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્રમ્પની મુલાકાત દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી જતી તેમજ આવતી તમામ ફ્લાઈટોનું નિયમિત સંચાલન ચાલુ રહેશે.

બપોરના સમયે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન અમદાવાદ પહોંચશે એ વખતે જો અન્ય કોઈ ફ્લાઈટ પણ લેન્ડિંગ માટે અમદાવાદ પહોંચી હશે તો તેને હવામાં જ રાખવામાં આવશે અને ટ્રમ્પના વિમાનને લેન્ડિંગમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રમ્પનું વિમાન એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયા બાદ જ અન્ય ફ્લાઈટોને લેન્ડ થવાની મંજૂરી આપવામાં આવશે.