અમદાવાદનો ધ્રુવ ‘બ્રેઈન બી’ સ્પર્ધામાં બન્યો વિજેતા, હવે વોશીંગ્ટન ડીસી ખાતે લેશે ભાગ
સેંટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ દરજીએ રવિવારે યોજાયેલી નવમી અમદાવાદ રિજીયોનલ બ્રેઈન બી સ્પર્ધા જીતી લીધી છે. આ સ્પર્ધાનુ આયોજન ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદે ઈન્ડીયન નેશનલ બ્રેઈન બી (INBB) ના સહયોગથી કર્યું હતું.
ડીપીએસ, ગાંધીનગરનો હાર્દ વ્યાસ અમદાવાદ રિજીયોનલ બ્રેઈન બી સ્પર્ધાનો પ્રથમ રનર્સ અપબન્યો હતો, જ્યારે આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટની મહિમા નાયક દ્વિતીય રનર્સ અપ બની હતી. આ વિદ્યાર્થીઓએ એઆરબીબી કોઓર્ડિનેટર ડો. સુકતારા શર્મા તરફથી તેમને પૂછવામાં આવેલા ન્યુરોસાયન્સ અંગેના કેટલાક સવાલોના જવાબ સફળતાપૂર્વક આપ્યા હતા અને સન્માન હાંસલ કર્યું હતું.
ઝાયડસ હૉસ્પિટલના સિનિયર ન્યૂરોલોજીસ્ટ અને સ્ટ્રોક સ્પેશ્યાલીસ્ટ ડો અરવિંદ શર્મા કે જે અમદાવાદ રિજિયોનલ બ્રેઈન બીના ડિરેકટર છે. તેમણે જણાવ્યું હતું કે રિજિયોનલ સ્પર્ધાના વિજેતાઓને સંભવત: એપ્રિલમાં નિમહંસ, બેંગલૂરૂ ખાતે યોજાનાર ઈન્ડીયન નેશનલ બ્રેઈન બીમાં અન્ય રાજ્યોના વિજેતાઓ સાથે સ્પર્ધામાં ઉતરવા આમંત્રિત કરાશે.
તેમણે જણાવ્યું હતું કે “ઈન્ડીયન નેશનલ બ્રેઈન બી ચેમ્પિયનને અમેરિકામાં વોશીંગ્ટન ડીસી ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ બ્રેઈન બી ફાયનલ્સમાં સામેલ થવા આમંત્રિત કરાશે”
રિજિયોનલ બ્રેઈન બી સ્પર્ધા એ સોસાયટી ફોર ન્યૂરોસાયન્સ (SFN) અને આઈએનબીબી દ્વારા યોજાતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો એક હિસ્સો છે. તેનો હેતુ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનુ ન્યૂરો સાયન્સ ક્ષેત્રનુ જ્ઞાન ચકાસવાનુ અને તેમને આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો તથા તેમને બાયોમેડિકલ રિસર્ચના ક્ષેત્રે રહેલી તકો અંગે માહિતગાર કરવાનો છે.