1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (12:53 IST)

ગુજરાતની સરકારે બજેટમાં મોટાપાયે જોગવાઇ કરી પણ રૂ. 9,136 કરોડ ખર્ચ્યા જ નહીં

Nitin patel budget
ફેબુ્આરી મહિનાના અંતમાં મળી રહેલા વિધાનસભાના સત્રમાં નાણામંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. દર વખતે બજેટમાં મોટાઉપાડે પ્રજાલક્ષી યોજનાની જાહેરાતો કરી નાણાંકીય જોગવાઇ કરવામાં આવે છે. પણ વાસ્તવિકતા એછેકે, આ નાણાંકીય જોગવાઇ છતાંય પૂરેપુરી રકમ ખર્ચાતી નથી. વર્ષ 2018-19માં રાજ્ય સરકારના 13 વિભાગોએ વિવિધ યોજનાઓ પાછળ ખર્ચ જ કર્યો નહીં. બજેટમાં જોગવાઇ કરી હોવા છતાંય રાજ્ય સરકારે રૂા.9136 કરોડ જેટલી માતબર રકમ પ્રજાલક્ષી કામો પાછળ વાપરી નહીં.  
બજેટમાં વિવિધ પ્રજાલક્ષી કામો પાછળ રાજ્ય સરકાર નાણાંકીય જોગવાઇ કરે છે પણ બજેટ પુરતા પ્રમાણમાં વપરાતુ નથી. બજેટમાં સરકારી વિભાગના ખર્ચ અંગેના એક વિશલેષણ રિપોર્ટ મુજબ,રાજ્યના કુલ 28 વિભાગો પૈકી 13 વિભાગોએ વર્ષ 2018-19માં બજેટમાં કરેલી કુલ નાણાંકીય જોગવાઇ પૈકી પુરેપુરો ખર્ચ કર્યો નહીં. 
આદિવાસીઓના કલ્યાણ માટેની યોજના પાછળ રૂા.225.67 કરોડ ઓછો ખર્ચ કરવામાં આવ્યો હતો.આજ પ્રમાણે, ખેલશે ગુજરાત,રમશે ગુજરાતની ગુલબાંગો હાંકવામાં આવી રહી છે ત્યારે રમતગમત,યુવા અને સાંસ્કૃતિ વિભાગે રૂા.11.15 કરોડ ઓછો ખર્ચ કર્યો હતો.નાણાં વિભાગે તો સૌથી વધુ રૂા.7657 કરોડનો ઓછો ખર્ચ કર્યો. ટેકનોલોજીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે વિજ્ઞાાન અને પ્રોદ્યોગિકી વિભાગમાં બજેટમાં જોગવાઇ કરી હતી તે રકમ પૈકી રૂા.88.21 કરોડ વણવપરાયેલાં પડી રહ્યા હતાં. 
વંચિત સમુદાય-સમાજના ઉત્કર્ષ માટેની કલ્યાણકારી યોજના પાછળ પણ ખર્ચ કરવામાં સરકારે પાછીપાની કરી હતી. સામાજીક ન્યાય અને અિધકારીતા વિભાગે પણ રૂા.17.20 કરોડ ઓછો ખર્ચ કર્યો હતો. મહિલા અને બાળ કલ્યાણ વિભાગે તો રૂા.456.56 કરોડ જેટલી માતબર રકમ જ વાપરી નહીં. અન્ન નાગરિક પુરવઠા વિભાગે 119.84 કરોડનો ખર્ચ કર્યો નહીં એટલે નાણાં વણવપરાયેલાં પડી રહ્યા હતાં. આમ,બજેટમાં મોટાઉપાડે જાહેરાત કરી નાણાંકીય ફાળવણી કરાય છે પણ પુરતી રકમ ખર્ચ કરાતી નથી જેના લીધે છેવાડાના માનવીને લાભ મળી શક્તો નથી.