1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (15:08 IST)

અમદાવાદ : સાબરમતી આશ્રમના નવીનીકરણના પ્રોજેક્ટમાં સરકાર શું કરવા માગે છે અને તેની સામે સવાલો કેમ થઈ રહ્યા છે

Sabarmati Ashram, Ahmedabad
Sabarmati ashram- બ્રિટિશ રાજમાં લાગેલા મીઠાં પરના કરનો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીએ કરેલી દાંડી કૂચની 94 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ’ની 12મી માર્ચે ભૂમિવંદના કરી હતી.
 
સાબરમતી આશ્રમ રિડેવલપમૅન્ટનો આ પ્રોજેક્ટ 1200 કરોડ રૂપિયાનો છે જે અંતર્ગત હૃદયકુંજ જ્યાં આવેલું છે તે ગાંધી આશ્રમ અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.
 
સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટ પાછળની મંશા એક સદી જૂની ધરોહરનો પુન:વિકાસ કરવાની છે. આ પ્રોજેક્ટ થકી સરકાર બાપુનાં દર્શન અને વિચારોને અભિવ્યક્ત કરનારા સાબરમતી આશ્રમને એક નવા સ્વરૂપમાં દુનિયા સમક્ષ પ્રસ્તુત કરશે.
 
જોકે, કેટલાક કર્મશીલો અને ગાંધીવાદીઓને ભય છે કે ગાંધી આશ્રમના આ નવીનીકરણમાં ગાંધીનો વિચાર ખોવાઈ જશે. તેઓ એવો પણ આરોપ લગાવે છે કે સરકારની મંશા ગાંધી આશ્રમ પર કબજો કરવાની છે.
 
sabarmati asram gandhiji
સાબરમતી આશ્રમમાં આવેલી હ્રદયકુંજ કુટીર જ્યાં મહાત્મા ગાંધી રહેતા હતા.
સરકાર આ ભયને અસ્થાને ગણાવે છે. સરકારનું કહેવું છે કે તેનો ઉદ્દેશ ગાંધીના અહિંસા, શાંતિ અને સદ્ભાવની પ્રવૃત્તિને ઉજાગર કરવાનો છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવીનીકરણ પ્રોજેક્ટના ભૂમિપૂજનના અવસર પર પોતાના સંબોધનમાં કહ્યું કે "આઝાદી પછી સાબરમતી આશ્રમની ધરોહર સાથે ક્યારેય ન્યાય નથી થયો. અગાઉની સરકારોએ વિરાસતને સાચવી નહીં."
 
તેમણે વધુમાં કહ્યું કે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં આશ્રમમાં થોડું કામ ચાલી રહ્યું હતું અને આશ્રમવાસીઓ અહીંયા રહેતા હતા. તેમના સહયોગ વગર આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ શક્ત નહોતો. આ પ્રોજેક્ટ માટે કોઈ જમીન સંપાદનની જરૂર નહોતી. પરસ્પર સહયોગ, વિશ્વાસ અને વાતચીતથી સમાધાન થયું છે."
 
કેટલાક કર્મશીલો ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ કર્મશીલોનો આરોપ છે કે આશ્રમના ટ્રસ્ટીઓ આશ્રમનું સરકારીકરણ કરવાના સરકારના પ્રસ્તાવ સામે ઝૂકી ગયા છે.
 
જોકે, ટ્રસ્ટીઓ આ આરોપોને નકારે છે અને તેમનું કહેવું છે કે સરકારે તેમને ખાતરી આપી છે કે ગાંધી મૂલ્યો સાથે કોઈ સમાધાન નહીં થાય અને આ શરતે જ તેઓ ગાંધી આશ્રમના પુન:વિકાસ માટે રાજી થયા છે.
 
કેટલાક જાણકારો એમ પણ કહે છે કે સરકારે ગાંધી આશ્રમના નવીનીકરણ કરવાના મામલે પારદર્શિતા રાખી નથી. કેટલાક એમ પણ કહે છે કે આ આશ્રમ ગાંધીનો જ રહેવો જોઈએ પછી તેના નવીનીરકણ બાદ તેનાં મૂલ્યો જળવાઈ રહેવાં જોઈએ.
 
સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટ શું છે?
સાબરમતી આશ્રમ નવીનીકરણ બાદ કેવો દેખાશે તેની વિઝ્યુલાઇઝ્ડ કરાયેલી તસવીર
 
ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારબાદ તેમણે 1917માં સાબરમતી આશ્રમનો પાયો નાખ્યો હતો. સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે.
 
સરકારનું કહેવું છે કે આ સદી જૂની ધરોહરના પુન:વિકાસની છે. 1200 કરોડના ખર્ચે પ્રસ્તાવિત 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી તેમની ઓળખ સ્થાપિત કરવાનો અને પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે અને સાથે ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે.
 
જે અંતર્ગત 20 જૂનાં મકાનોનું સંરક્ષણ,13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુન:વિકાસ આ પ્રોજેક્ટની અંદર સામેલ છે.
 
સરકારનું કહેવું છે કે અહીં માહિતીપ્રદ પ્રદર્શનો સાથે બાપુએ શરૂ કરેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતાં ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, ઉપરાંત અહીં વ્યાખ્યાન કેન્દ્ર, સુવિનિયર શૉપ, ફૂડ કોર્ટ અને સાર્વજનિક સુવિધાઓથી સાબરમતી આશ્રમ સજ્જ હશે.
 
હવે કર્મશીલો અને કેટલાક ગાંધીવાદીઓ સરકારના આ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકાર આ પ્રોજેક્ટ પર ત્રણ-ચાર વર્ષથી કામ કરતી હતી પરંતુ આ પહેલાં તેના વિશેની જોઈ જાણકારી લોકોને કેમ નહીં આપી. તેઓ એવો પણ આરોપ મૂકે છે કે સરકારે આ મામલે પારદર્શિતા જાળવી નથી.
 
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "આ પ્રોજેક્ટમાં બાપુના આદર્શને બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મનસૂબા વધારે સ્પષ્ટ થાય છે. નવીનીકરણ અને ભવ્યકરણમાં જૂના અને અસલ તત્ત્વને ઢાંકી દેવાની કે ફેંકી દેવાની આ વૃત્તિ છે."
 
સરકારની મંશા પર સવાલ ઉઠાવતા તુષાર ગાંધી કહે છે, "હજુ પણ એવી ખાતરી મળતી નથી કે આ તેમનો ફાઇનલ પ્લાન છે. આ બહુ નિરાશાજનક છે અને શરમજનક છે કે બાપુની સંસ્થાઓ, ધરોહરો અને સ્મારકોને હઠાવવાનો આ પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં
કર્મશીલ પ્રકાશ ન. શાહ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "સરકાર નવા ટ્રસ્ટ મારફતે ગાંધી આશ્રમનો કબજો લઈ લેવા માગે છે. જેમ તેણે ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું તેમ હવે સાબરમતી આશ્રમમાં કરી રહી છે. કહેવા માટે આ સંસ્થા સ્વાયત્ત રહેશે બાકી સરકાર જ તેના પ્રતિનિધિની નિમણૂક કરશે."
 
જોકે સરકારનું કહેવું છે કે કર્મશીલો અને ગાંધીવાદીઓના આરોપો અયોગ્ય છે. સરકાર મુખ્ય આશ્રમની સાદગી અને અધિકૃત સ્મારકો કે સ્થાપત્યોને જાળવીને આશ્રમનો પુન:વિકાસ કરવા માગે છે.
 
આ આશ્રમના નવીનીકરણ માટે સરકારે એક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન આ કાઉન્સિલના સભ્ય છે.
 
નરહરિ અમીન બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "સરકારનો ઉદ્દેશ ગાંધી મૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. મોટી સંખ્યામાં લોકો અહીં આવશે અને ગાંધી મૂલ્યોને જાણશે. અહીં જે ગાંધીજીની પ્રવૃત્તિઓ થતી હતી તે બધી જ થવાની છે. વિવિધ પ્રયાસોના માધ્યમથી આ પ્રવૃત્તિને વધારે ઉજાગર કરવામાં આવશે."
 
ગાંધી આશ્રમના નવીનીકરણ પ્રોજેક્ટના ઇન્ચાર્જ અંકિત મહેતા બીબીસી ગુજરાતીને જણાવે છે, "અહીં જે ઇમારતો અને સ્મારકોનું નવીનીકરણ થઈ રહ્યું છે તેનો ઉપયોગ પ્રદર્શની અને વિવિધ પ્રવૃત્તિઓ માટે થશે."
 
"જેમાં ગાંધીજીનાં જીવન-દર્શન, આશ્રમના ઇતિહાસ અને તેનું મહત્ત્વ તથા ગાંધીજીના આદર્શો અને વિચારો વિશેની માહિતી હશે."
 
ગાંધીવાદી વિચારને આત્મસાત કરનારા મનસુખ સલ્લા બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા કહે છે કે સુવિધાઓ ઊભી થાય તેની સામે તેમને વાંધો નથી પરંતુ આશ્રમ પિકનીક પૉઇન્ટ ન બની જવો જોઈએ.
 
મનસુખ સલ્લા જણાવે છે, "ગાંધીજી ભવ્ય ઇમારતોમાં, કાર્યક્રમોમાં કે વસ્તુઓમાં કે સાધનોમાં નથી પરંતુ વિચારમાં છે. સુવિધાઓ એવી ઊભી કરવી જોઈએ જેમાં ગાંધીવિચાર જળવાઈ રહે."
 
"છેવાળાના માનવી માટે ગાંધી એક શ્રદ્ધા છે. આ આશ્રમ તે લોકો માટે શ્રદ્ધાસ્થાન તરીકે જળવાઈ રહેવું જોઈએ. આજની પેઢી માટે અને ભવિષ્યની પેઢી માટે પણ. ગાંધીને બદલે અન્ય લોકોના ફોટાથી આ આશ્રમ ઉભરાવો ન જોઈએ."
 
સાબરમતી આશ્રમ : બારસો કરોડના નવીનીકરણ પ્રોજેક્ટ વિરુદ્ધ ગાંધીવિચારનો જંગ શું છે?
ગાંધીજી જ શું વિચારતા હતા 'ગાંધીવાદ' વિશે?
સાબરમતી આશ્રમના ટ્રસ્ટીઓ સામે કેમ સવાલો ઊઠી રહ્યા છે?
 
તુષાર ગાંધી
સાબરમતી આશ્રમના ટ્રસ્ટીઓ સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. કર્મશીલો અને ગાંધીવાદીઓ સવાલો ઉઠાવી રહ્યા છે કે ટ્રસ્ટીઓ શા માટે આ આશ્રમના નવીનીકરણના બહાને સરકારને હવાલે કરી રહ્યા છે તે ખબર પડતી નથી.
 
તુષાર ગાંધી ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપ લગાવતા કહે છે, "ગાંધીજીની જે જગ્યાની સંભાળ રાખવાની જવાબદારી જેમના શીરે હતી તેવા ટ્રસ્ટીઓએ આ પ્રોજેક્ટની પરવાનગી આપીને ગાંધીજી સાથે વિશ્વાસઘાત કર્યો છે. ગાંધીના ઉદ્દેશને વળગી રહેવાની જગ્યાએ તેમણે સરકારને આશ્રમ સુપ્રત કરી દીધો છે. તેમની આ ભૂમિકા શંકાસ્પદ છે."
 
આશ્રમના ટ્રસ્ટી સુદર્શન આયંગરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "તુષારભાઈનું કામ ભયસ્થાન જોવાનું છે. કોઈક તો જોઈએ જે દબાણ ઊભું કરી શકે. નિષ્ઠાવાન નાગરિકોની ફરજ છે કે તેઓ ભયસ્થાન અંગે સમાજને સૂચિત કરે."
 
જોકે સુદર્શન આયંગર એ આરોપોને ફગાવે છે કે ટ્રસ્ટીઓએ નવીનીકરણના બહાને આશ્રમને સરકારના હવાલે કરી દીધો છે.
 
તેમણે ટ્રસ્ટીઓનો બચાવ કરતાં કહ્યું, "અમારી પાસે બે વિકલ્પો હતા. એક અમે બહાર નીકળી જઈએ અને સરકાર તેનું નવીનીકરણ કરે. બીજો વિકલ્પ એ કે અમે સરકાર સાથે રહીને નવીનીકરણમાં સાથ આપીએ. સરકારે અમને પૂછીને બધું કર્યું છે."
 
"અમારાં સલાહસૂચનોને ધ્યાને લીધાં છે. ગાંધી મૂલ્યો જળવાય તે અમારી જવાબદારી છે અને અમને ખાતરી છે કે સરકાર અમે કહીએ છીએ તે પ્રમાણે જ કરશે."
 
તેમણે પણ ભયસ્થાન વિશે વાતચીત કરતાં કહ્યું, "દેશભરમાંથી લોકો અહીં ગાંધીજીનાં દર્શન માટે આવે છે. આ એક તીર્થ છે. અહીં આવતા લોકોને સંકોચ ન થાય તે સરકારે જોવું રહ્યું. હૃદયકુંજનો વિસ્તાર તીર્થક્ષેત્ર બની રહેવો જોઈએ.”
 
પ્રકાશ ન. શાહ પણ ટ્રસ્ટીઓ સામે સવાલો ઉઠાવતા કહે છે, "ખબર નથી પડતી કે આશ્રમના ટ્રસ્ટીઓની આ નવીનીકરણના પ્રોજેક્ટને આપેલી મંજૂરીનું ધોરણ શું છે? ટ્રસ્ટીઓ ગાંધી મૂલ્યોની બાબતમાં આગ્રહી દેખાતા નથી. તેમની મુશ્કેલીઓ પણ સમજમાં આવતી નથી.”
 
જોકે ટ્રસ્ટીઓ કહે છે કે ગાંધી મુલ્યોને જાળવીને ગાંધી આશ્રમનું નવીનીકરણ થતું હોય તો તેમાં કશું ખોટું નથી.
 
સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ડિરેક્ટર અતુલ પંડ્યા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, "આ પુન:વિકાસ ગાંધી મૂલ્યોની જાળવણી સાથે જ થવાનો છે એટલે તેમાં કોઈને પ્રશ્ન ન હોવો જોઈએ."
 
નરહરિ અમીન પણ કહે છે, "અમે તમામ ટ્રસ્ટીઓ સાથે વિચાર-વિમર્શ અને પરામર્શ કરીને આ યોજના બનાવી છે. તમામ ટ્રસ્ટીઓની સહમતી છે. શરૂઆતમાં કેટલાક લોકોને શંકા હતી પણ સરકારે તે શંકાને દૂર કરી છે. આ કોઈ આશ્રમને કબજામાં લેવાની પ્રવૃત્તિ નથી પરંતુ ગાંધીવિચારને વધારે વેગથી ફેલાવવાની પ્રવૃત્તિ છે."
 
સ્મૃતિસંગ્રહાલયમાંથી ગાંધીહત્યાની તસવીરો હઠાવાતા ગાંધીજનો નારાજ
ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર ક્યારથી છપાઈ રહી છે?
સાબરમતી આશ્રમના નવીનીકરણ મામલે વધુ એક ટ્રસ્ટ બનાવવા સામે સવાલો કેમ?
 
સાબરમતી આશ્રમનો પ્રવેશદ્વાર
સાબરમતી આશ્રમની જે જગ્યામાં આખો પ્રોજેક્ટ હાથ ધરાવાનો છે તે કોઈ એક ટ્રસ્ટ નીચે નથી. જેને લોકો સાબરમતી આશ્રમ તરીકે જાણે છે તે મુખ્ય હૃદયકુંજની જગ્યા સિવાયની આસપાસનો વિસ્તાર કુલ 6 ટ્રસ્ટો હેઠળ આવેલો છે.
 
હરિજન આશ્રમ ટ્રસ્ટ, જે હરિજન છોકરીઓ માટે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ તથા હોસ્ટેલ ચલાવે છે. તેનું નામ વિનયમંદિર છે. આ સિવાય પ્રાઇમરી શિક્ષકોને માટે અધ્યપન મંદિરના નામે તાલીમકેન્દ્ર પણ ચલાવે છે.
 
ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ, જે ગ્રામોદ્યોગ મામલે કામ કરે છે. ખાદી, હેન્ડમેઇડ કાગળ, સાબુ, તેલ વગેરે બનાવે છે અને તેને વેચે છે. તે અંબર ચરખા અને લૂમ્સ તથા તેનો સરસામાન પણ બનાવે છે.
 
ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, જે સ્પિનિંગ અને વીવિંગ મામલે રિસર્ચનું કામ કરે છે. તદુપરાંત તે સોલાર એનર્જી તથા બાયોગૅસ મામલે પણ રિસર્ચ અને તાલીમ આપવાનું કામ કરે છે.
 
ગુજરાત હરિજન સેવક સંઘ, જે દલિતો સામે અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયાસો કરતા કાર્યક્રમ ચલાવે છે.
 
ઉપરાંત ગ્રામીણ આરોગ્ય અને સ્વચ્છતા પર જાગૃતિ માટે કાર્યક્રમો કરે છે. તે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થા પણ ચલાવે છે. આ ટ્રસ્ટ ગૌશાળા પણ ચલાવે છે.
 
આશ્રમ ગેસ્ટ હાઉસ નામનું જે ટ્રસ્ટ છે જે ગાંધી પર સંશોધન કરનારાઓ અને મુલાકાતીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરે છે.
 
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, જે ગાંધીજીના ઇતિહાસ તથા સ્વતંત્રતા સંગ્રામને સંરક્ષિત રાખવાનું કામ કરે છે તથા લોકોમાં ગાંધીદર્શન, મૂલ્યો તથા શિક્ષણનો પ્રચાર અને લોકોને તે મામલે શિક્ષિત કરવાનું કામ પણ થાય છે.
 
સરકારે આ તમામ ટ્રસ્ટોની સાથે ગાંધીઆશ્રમ મેમોરિયલ ઍન્ડ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (GAMAPD) માટે ખાસ ટ્રસ્ટ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ (MGSAMT) બનાવ્યું છે.
 
સાબરમતી આશ્રમના પ્રોજેક્ટનો વિરોધ કરનારા કેટલાક લોકોનું કહેવું છે કે સરકારે ગાંધી આશ્રમની વિવિધ સંસ્થાઓથી ઉપરવટ જઈને તેના નવીનીકરણના બહાને એક ટ્રસ્ટ બનાવીને અન્ય ટ્રસ્ટોને હાંસિયામાં ધકેલી દીધાં છે.
 
હવે સરકારે આ છ ટ્રસ્ટથી ઉપરવટ જઈને વધુ એક ટ્રસ્ટ બનાવીને તેને આશ્રમની નવીનીકરણની જવાબદારી સોંપી છે. જાણકારો માને છે કે આ ટ્રસ્ટને કારણે અન્ય ટ્રસ્ટો ગૌણ બની જશે.
 
કર્મશીલો એમ પણ કહે છે કે નવીનીકરણ માટે ટ્રસ્ટ બનાવ્યું છે તેમાં સરકારી નિમણૂકો કરાઈ છે. ગાંધી આશ્રમની વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીની ભૂમિકા તેમાં સીમિત થઈ જાય છે.
 
કર્મશીલો અને ગાંધીવાદીઓનો એ પણ આરોપ છે કે ભવિષ્યમાં આ નવું સરકારી ટ્રસ્ટ અન્ય 6 ટ્રસ્ટોને ગૌણ બનાવી દેશે. ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય લેવો હશે તો ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ લઘુમતીમાં હશે જેને કારણે ટ્રસ્ટીઓની બહુમતીના જોરે સરકાર પોતાના મનફાવે તે નિર્ણયો લઈ શકશે.
 
 
સાબરમતી આશ્રમના નવીનીકરણમાં પ્રસ્તાવિત આહારગૃહ
ઉલ્લેખનીય છે કે તુષાર ગાંધીએ પહેલાં આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી હતી.
 
ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટને ખાતરી આપી હતી કે આશ્રમના હાર્દ સમા વિસ્તારને કોઈ નુકસાન નહીં થાય. સરકારની ખાતરી બાદ ગુજરાત હાઇકોર્ટે તુષાર ગાંધીની પીઆઈએલ રદ કરી હતી.
 
તુષાર ગાંધી આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આ મામલાને જોવા કહ્યું. ત્યારે ગુજરાત સરકારે તેના આશ્રમના નવીનીકરણનો પ્લાન હાઇકોર્ટમાં રજૂ કર્યો અને તે મારફતે લોકોને ખબર પડી કે સરકાર સાબરમતી આશ્રમમાં આખરે આ પ્રોજેક્ટ અંતર્ગત શું કરવા માગે છે.
 
તુષાર ગાંધી કહે છે, "આ સરકાર લોકશાહીના સિદ્ધાંતોને બાજુ પર હડસેલીને પોતાને માફક આવે તેવા નિર્ણયો લે છે."
 
આશ્રમના ટ્રસ્ટી સુદર્શન આયંગર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "અમે સરકારને એક કૉન્સેપ્ટ નોટ આપી છે. કોનું રિસ્ટોરેશન કરવું કોનું ન કરવું તે તમામ મુદ્દાઓ અમે ગાંધી મૂલ્યોને આધારે નક્કી કરીને આપ્યા છે."
 
"અમારી સ્વાયત્તતા યથાવત રહે છે એ લાભ છે અને સાથે મૂલ્યોની જાળવણી પણ થાય છે. બાકી ગાંધી મૂલ્યોની જાળવણી સાથે આશ્રમનું નવીનીકરણ થાય તેમાં કંઈ ખોટું નથી લાગતું."
 
ગાંધી પીસ ફાઉન્ડેશનના અધ્યક્ષ કુમાર પ્રશાંત બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "મારા સહિત તમામ લોકો કમજોર છે જેઓ જેમાં અસહમત થવાને બદલે સહમત થયા."
 
કુમાર પ્રશાંત સરકાર પર આરોપ લગાવતા કહે છે, "ગાંધીની સ્મૃતિને ખતમ કરીને આ લોકો દેશને જે દિશામાં લઈ જવા માગે છે તે દિશામાં લઈ જઈ રહ્યા છે."
 
સરકાર સામે થઈ રહેલા આરોપો મામલે નરહરિ અમીન કહે છે, "સારી પ્રવૃત્તિ હોય ત્યાં આરોપોનું રાજકારણ તો રમાવાનું જ."
 
અગાઉ 130 જેટલા કર્મશીલો અને ગાંધીવાદીઓએ પત્ર લખીને આ પ્રોજેક્ટ સામે વિરોધ પણ નોંધાવ્યો હતો. જેમાં રામચંદ્ર ગુહા, ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી, નયનતારા સહગલ, આનંદ પટવર્ધન, ગણેશ દેવી, પ્રકાશ ન. શાહ પણ સામેલ હતા.
 
આ લોકોએ આરોપ લગાવ્યો હતો, "અહેવાલો કહે છે કે આ પ્રોજેક્ટ વડા પ્રધાન અને મુખ્ય મંત્રીની સીધી દેખરેખ હેઠળ થશે. દેશની તમામ ગાંધીવાદી સંસ્થાઓને સરખી કરવી અને તેનું વ્યાપારીકરણ કરવાની હાલની સરકારની વ્યૂહરચનાને અનુરૂપ આ પગલું છે."
 
"જો આ પ્રોજેક્ટ પાર પડ્યો તો ગાંધીનું સૌથી અધિકૃત સ્મારક અને આપણો સ્વતંત્રતા સંગ્રામ કાયમ માટે આડંબર અને વ્યાપારીકરણમાં ખોવાઈ જશે."
 
જોકે આ પત્રની ચળવળ બાદ સાબરમતી આશ્રમ પ્રિઝર્વૅશન ઍન્ડ મૅમોરિયલ ટ્રસ્ટનાં તત્કાલીન ચૅરપર્સન ઇલાબહેન ભટ્ટે એવું નિવેદન આપ્યું હતું કે, "ચુંટાયેલી સરકાર છે. તે આપણામાંથી આવી છે. તેથી મુલાકાતીઓ સહિત પ્રજા અને સરકારની એટલે કે બધાની ફરજ છે કે જે છે તેને આપણે જાળવી રાખીએ."
 
તેમણે નિવેદન આપ્યું હતું કે આશ્રમમાં સૌની સહમતીથી અને નિસબતથી ફેરફાર થાય તે બાબતે સરકાર સાથે થયેલી મસલત બાદ સમજૂતી થયેલી છે. આ બાબતો મિનિટ્સ-નોંધમાં પણ લખાયેલી છે. સરકારનો જે પત્ર આશ્રમ પર આવ્યો તેમાં આ બાબતો નોંધાયેલી છે.
 
ઇલાબહેન ભટ્ટના આ નિવેદન બાદ જે કર્મશીલોએ વિરોધમાં પત્રવ્યવહાર કર્યો હતો તેમને થયું કે જ્યારે ટ્રસ્ટીઓ જ સરકાર સાથે સમજૂતી કરે છે ત્યારે તેમનો અવાજ સરકાર ક્યાં સાંભળવાની છે. જેને કારણે આશ્રમના નવીનીકરણ સામેના વિરોધની કર્મશીલોની ચળવળ નબળી પડી ગઈ.
 
જોકે નરહરિ અમીન આ પ્રકારના આરોપોને ફગાવતા કહે છે, "અહીં કોઈ ફાઇવસ્ટાર હોટલો નથી બનવાની, વૈભવી ઇમારતો નથી બનવાની."
 
"ગાંધીજીની જે પ્રવૃત્તિઓ અહીં થઈ રહી છે તે ભવિષ્યમાં પણ થશે. મોટી સંખ્યામાં લોકો ગાંધીને જાણવા માટે આવશે તેને સવલતો આપવાનો પ્રયાસ છે. લોકો જ્યારે અહીં આવે ત્યારે તેને નિહાળીને મનમાં શાંતિ અનુભવે તેનો આ પ્રયાસ છે."
 
સાબરમતી આશ્રમ ક્યારે સ્થપાયો હતો?
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા તે બાદ પોતાના કાર્ય માટે તેમણે અમદાવાદને પસંદ કર્યું અને 25મી મે, 1915ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરી.
 
ત્યારબાદ 17મી જૂન, 1917ના રોજ સાબરમતીના કિનારે ખુલ્લી જમીનના ભૂભાગ પર આ આશ્રમની સ્થાપના કરી. તેને હરિજન આશ્રમ પણ કહેવાય છે. 1917થી લઈને 1930 સુધી આ ગાંધીજીનું ઘર હતું. જે ભારતના સ્વતંત્રતા સંગ્રામના આંદોલનનાં કેન્દ્રો પૈકીનું એક હતું.
 
આશ્રમમાં રહેતા ગાંધીજીએ આશ્રમને એવી પાઠશાળા બનાવી જે માનવ શ્રમ, કૃષિ, તથા સાક્ષરતા પર ધ્યાન આપીને તેમને આત્મનિર્ભરતા તરફ અગ્રેસર કરે.
 
આ એ જ જગ્યા હતી જ્યાંથી ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ આશ્રમથી 241 માઇલ દૂર લાંબી દાંડીયાત્રા કરી હતી. તેઓ સાબરમતી આશ્રમથી દાંડી સુધી 78 સાથીઓ સાથે પગપાળા નીકળ્યા હતા. અંગ્રેજોએ મીઠાં પર નાખેલા કરના વિરોધમાં તેમણે આ યાત્રા કરી હતી.
 
ગાંધીજીએ 12 માર્ચ, 1930ના રોજ દેશને આઝાદી નહીં મળે ત્યાં સુધી આશ્રમ પરત નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી. ગાંધીજીના આશ્રમ છોડ્યા બાદ તે ઘણા સ્વતંત્રતા સેનાનીઓની નજરબંધીનું સ્થળ બની ગયું.
 
1947માં દેશ આઝાદ થયો પરંતુ જાન્યુઆરી, 1948માં ગાંધીજીની હત્યા કરી દેવાઈ અને તેઓ ક્યારેય સાબરમતી આશ્રમમાં પરત ના ફરી શક્યા.
 
આજે આશ્રમ એ ગાંધીજીના જીવનના મિશનનું સ્મારક બનીને ઊભો અને સાથે જ ગાંધીજીએ દેશ માટે કરેલા સંઘર્ષનો સાક્ષી પૂરી રહ્યો છે. આશ્રમના પદાધિકારીઓનું માનવું છે કે આ આશ્રમ ગાંધીદર્શનની પ્રેરણા અને માર્ગદર્શન સ્રોતના રૂપમાં સેવા આપે છે.