1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (18:09 IST)

ભારતના આ પૈસાદાર શહેરમાં લોકોને પીવાનું પાણી કેમ નથી મળી રહ્યું?

water crisis
હાલ ભારતના ‘આઇટી હબ’ તરીકેની ઓળખ ધરાવતું બૅંગ્લુરુ શહેર દરરોજ 20 કરોડ લિટર પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
 
આ જળસંકટ એટલું મોટું છે કે એક તરફ તે બૅંગ્લુરુ શહેરની છબિને અસર કરી રહ્યું છે, તો બીજી તરફ લોકસભા ચૂંટણીનો સામનો કરવા જઈ રહેલા રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે.
 
લગભગ દોઢ કરોડની વસતી ધરાવતા આ શહેર માટે 95 કિલોમીટરનું અંતર કાપીને 145 કરોડ લીટર પાણી કાવેરી નદીમાંથી લાવવામાં આવે છે.
 
દરિયાઈ સપાટીથી લગભગ 3,000 ફૂટની ઊંચાઈએ આવેલા આ શહેરને જરૂરી બાકીનું 60 કરોડ લિટર પાણી બોરવેલ દ્વારા આવે છે.
 
આ જળસંકટનું કારણ બૅંગ્લુરુ શહેરનું ઘટતું જતું ભૂગર્ભજળનું સ્તર છે. જે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા અને ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે સતત ઘટતું જઈ રહ્યું છે.
 
આ જળસંકટનો સૌથી મોટો ફટકો એવાં 110 ગામોમાં રહેતા લોકોને થયો છે, જે તાજેતરમાં બૅંગ્લુરુ શહેરમાં ભળી ગયા છે.
 
તેમની સાથોસાથ સાઉથ બૅંગ્લુરુની રેસિડેન્શિયલ કૉલોનીઓ અને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને નવી પ્રકારની જીવનશૈલી અપનાવવાની ફરજ પડી છે.
 
આ બધું એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે હવામાન વિભાગ બૅંગ્લુરુ શહેરમાં અસામાન્ય ઊંચા તાપમાન અને હીટ વેવ વિશે વાત કરી રહ્યું છે. જે એક સમયે ભારતનાં સૌથી ઠંડાં શહેરોમાંનું એક હતું.
 
નવા નિયમો, નવા પ્રતિબંધો
કેટલીક જગ્યાએ બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને અઠવાડિયામાં માત્ર બે દિવસ જ કાર ધોવાની સૂચના આપવામાં આવી છે.
 
કેટલીક જગ્યાએ લોકોને અડધી ડોલ પાણીથી નહાવા અને અડધી ડોલ પાણીથી શૌચાલય સાફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
 
પરંતુ 25 ફ્લૅટ ધરાવતી બે બિલ્ડિંગનું મૅનેજમૅન્ટ અલગ પ્રકારની કટોકટીનો સામનો કરી રહ્યું છે. અહીં રહેતા 200 લોકો રસોઈયા અને સુરક્ષા કર્મચારી તરીકે કામ કરે છે.
 
અહીં રહેતી એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું કે, “અમને કહેવામાં આવ્યું છે કે ઉપરના ચાર માળ સુધી પાણી પહોંચાડવામાં આવશે નહીં. અમારે ટાંકીમાંથી ડોલ વડે પાણી લઈ જવું પડશે. આ નવી સિસ્ટમનો હેતુ પાણીના ખર્ચમાં ઘટાડો કરવાનો છે.”
 
આ પ્રોપર્ટીના મૅનેજર નાગરાજુએ બીબીસીને જણાવ્યું, “આ ત્રણ બોરવેલ સુકાઈ ગયા છે. અમે ત્રણ ટૅન્કરથી પાણી એકત્રિત કરી રહ્યા છીએ. દરેક ટૅન્કર ચાર હજાર લિટર પાણી લાવે છે. અગાઉ અમારે દરેક ટૅન્કર માટે 700 રૂપિયા ખર્ચવા પડતા હતા. હવે અમારે ટૅન્કરદીઠ 1,000 રૂપિયા ચૂકવવા પડશે.
 
આ તમામ ઇમારતો HSR લેઆઉટથી માત્ર ત્રણ કિલોમીટર દૂર બૅંગ્લુરુ શહેરના ઇલેક્ટ્રોનિક સિટી વિસ્તારની નજીકના સમૃદ્ધ વિસ્તાર સોમસુંદરપાલ્યામાં આવેલી છે. 
 
 
જળસંકટ કેમ સર્જાયું?
આ જળસંકટની સૌથી વધુ અસર તે ગામો પર પડી છે, જે વર્ષ 2007માં બૅંગ્લુરુ સાથે ભળી ગયાં હતાં.
 
આમાંથી કેટલાંક ગામોને કાવેરી ડ્રિંકિંગ વૉટર પ્રોજેક્ટના ફેઝ-4 હેઠળ પાણી મળે છે.
 
બૅંગ્લુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારના વોર્ડ નંબર 103માં રહેતા મુરલી ગોવિંદરાજાલુ બીબીસીને કહે છે, "કાવેરી ફેઝ-4 પ્રોજેક્ટ હેઠળ, મહાદેવપુરાને 3.5 કરોડ લિટર પાણી મળે છે, પરંતુ એક અંદાજ મુજબ, 2013 થી અત્યાર સુધી, મહાદેવપુરાને 3.5 કરોડ લિટર પાણી મળે છે. દરરોજ 1,000 નવા લોકો રહેવા આવી રહ્યા છે.
 
આવી સ્થિતિમાં નવી બહુમાળી ઇમારતો અને મકાનો બનાવવામાં આવ્યાં છે. પરંતુ તે મુજબ પાણીનો પુરવઠો વધી રહ્યો નથી. આના કારણે સર્જાયેલી અછતને પહોંચી વળવા માટે ટૅન્કરોથી પાણી મેળવવામાં આવી રહ્યું છે.
 
ગ્લોબલ આઇટી કંપનીમાં કામ કરતી રુચિ પંચોલી એક નવી વાત કહે છે, "અમને છેલ્લા છ-આઠ મહિનાથી કાવેરીનું પાણી મળતું હતું, પણ અચાનક આ પાણી આવતું બંધ થઈ ગયું."
 
"આવી સ્થિતિમાં અમારી સોસાયટીમાં આવેલી 256 ઇમારતો માટે અમારે ટૅન્કરથી પાણી મેળવવું પડ્યું, પરંતુ જે અભૂતપૂર્વ ગતિએ બાંધકામ ચાલી રહ્યું છે તેના કારણે બોરવેલ સુકાઈ ગયા છે."
 
દરમિયાન, પ્રજાસેના સમિતિ સાથે સંકળાયેલા એનવી મંજુનાથ કહે છે, "પહેલાં, જ્યારે કટોકટી હતી, ત્યારે અમે વ્હાઇટફિલ્ડથી બે કિલોમીટર દૂરની જગ્યાએથી 250 રૂપિયાનું ટૅન્કર મંગાવતા હતા."
 
"હવે એક ટૅન્કરની કિંમત 1,500 રૂપિયા પર પહોંચી ગઈ છે. અમને એક ટૅન્કરમાંથી 4,000 લીટર પાણી મળે છે. પરંતુ આ કોઈ નવો મુદ્દો નથી. પહેલાં અમને માત્ર 250 ફૂટ નીચે જ પાણી મળતું હતું, જે હવે 1,800 ફૂટ નીચે પહોંચી ગયું છે.
 
વરસાદના અભાવે બૅંગ્લુરુ શહેરમાં ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
 
ત્યારે આ વિસ્તારોની સાથે શહેરનાં અનેક તળાવો પણ સુકાઈ ગયાં છે. આમાંથી ફક્ત એ જ બચી શક્યાં છે, જેમને બચાવવા માટે સિવિલ સોસાયટી અને એનજીઓએ આગળ આવીને કામ કર્યું છે.
 
વર્થુર રાઇઝિંગ વિસ્તારમાં રહેતા જગદીશ રેડ્ડી કહે છે, "રાજકુળ અને ડ્રેનેજ ચેનલો કે જેના દ્વારા વધુ પાણી વહે છે તે સાફ કરવામાં આવ્યાં નથી."
 
"ઉદાહરણ તરીકે, વર્થુરમાં છ થી સાત સરોવરો છે જે ભૂગર્ભજળને રિચાર્જ કરી શકતાં નથી, કારણ કે વરસાદ નથી. ઘણા એવાં તળાવો છે જે પુનઃજીવિત થયાં નથી."
 
સામાજિક કાર્યકર્તા શ્રીનિવાલ અલવલ્લીએ બીબીસીને કહ્યું, "ઘણી વાર એવું કહેવામાં આવે છે કે બૅંગ્લુરુનો ટ્રાફિક આ શહેરની સૌથી મોટી સમસ્યા મનાય છે, પરંતુ વાસ્તવમાં સૌથી મોટી સમસ્યા પાણીની કટોકટી છે."
 
 
આ કટોકટી ક્યાં સુધી ચાલશે?
બૅંગ્લુરુ શહેરના અધિકારીઓ અને સામાજિક કાર્યકરો માને છે કે આ જળસંકટ આગામી 100 દિવસથી વધુ નહીં રહે.
 
ટોચના અધિકારીઓનું માનવું છે કે કાવેરી જળ યોજનાના વિવિધ તબક્કા શરૂ કરવા સમયે જે અંદાજ લગાવવામાં આવ્યો હતો, તેના કરતાં વસ્તીવૃદ્ધિમાં ઘણો વધારો થયો છે.
 
બૅંગ્લુરુ વૉટર સપ્લાય ઍન્ડ સુએજ બોર્ડના ચૅરમૅન પ્રસર્થ મનોહર વી કહે છે કે, "હાલમાં કાવેરી વૉટર પ્રોજેક્ટ પર ઘણું દબાણ છે."
 
કાવેરી વૉટર સપ્લાય પ્રોજેક્ટનો તબક્કો-5 ગયા વર્ષના મધ્ય સુધીમાં પૂર્ણ થવો જોઈએ.
 
પરંતુ કોવિડ-19ને કારણે તે ખોરવાઈ ગયું. આ તબક્કાથી 110 ગામોના 50 લાખ લોકોને ફાયદો થશે. તેની કિંમત 4,112 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
 
બૃહત બૅંગ્લુરુ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચીફ કમિશનર તુષાર ગિરિનાથ કહે છે, "કાવેરી પ્રોજેક્ટના ફેઝ-5 દ્વારા એપ્રિલથી પાંચ-દસ કરોડ લિટર પાણીનું પમ્પિંગ શરૂ થશે."
 
"આ પછી, તેને લગતી કામગીરી પાંચ-છ મહિનામાં સ્થિર થઈ જશે. પહેલાં પાણીના જથ્થાને 30 કરોડ લિટર સુધી લઈ જવામાં આવશે. તે પછી તેને 75.5 કરોડ લિટર સુધી લઈ જવામાં આવશે. તેનાથી અમને વર્તમાન જળસંકટ કાબૂ મેળવવામાં મદદ મળશે."
 
ગિરિનાથ કે જેઓ 2018માં બૅંગ્લુરુ વૉટર સપ્લાય ઍન્ડ સુએજ બોર્ડના ચૅરમૅન હતા, તેઓ કહે છે, “અમે વિચાર્યું હતું કે તબક્કો-5 વર્ષ 2035-40 સુધી ચાલશે. પરંતુ શહેર જે ઝડપે વિસ્તરી રહ્યું છે, તે જોતાં આ શક્ય નથી."
 
"મને નથી લાગતું કે આ તબક્કો 2029 સુધી પણ ચાલુ રહેશે."
 
જળનિષ્ણાત વિશ્વનાથ શ્રીકાંતૈયા બીબીસીને કહે છે કે 'ભૂગર્ભજળ પર નિર્ભર વિસ્તારોમાં રહેતા લોકોને આગામી 100 દિવસ સુધી જળસંકટનો સામનો કરવો પડશે.'
 
"જો બેલાંદુર વર્થુર સરોવરો ત્રીજા તબક્કાના ટ્રીટેડ પાણીથી ભરવામાં આવે, તો તેમની સમસ્યાનું પણ નિરાકરણ થઈ શકે છે. કુલ 186 તળાવોમાંથી, ફક્ત 24-25 તળાવોને પુનર્જીવિત કરી શકાય છે. બૅંગ્લુરુ શહેરનું જળસંકટ અમુક હદ સુધી ઘટાડી શકાય છે. "
 
"જ્યારે કાવેરી સ્ટેજ-5માંથી પાણી આવવાનું શરૂ થશે ત્યારે તેનો અંત આવશે."
 
જોકે, રુચિ પંચોલીના પ્રશ્નનો હજુ પણ અનુત્તર છે કે 'પીવાના પાણીની ઉપલબ્ધતા જેવી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરતા પહેલાં ઇમારતો શા માટે બનાવવામાં આવી રહી છે?'
 
બૅંગ્લુરુ શહેરની છબિ કેવી રીતે ખરાબ થઈ રહી છે?
બ્રાન્ડ નિષ્ણાત હરીશ બિજુર માને છે કે, “વર્તમાન જળસંકટ એક ચેતવણી સમાન છે. હું બૅંગ્લુરુને ભારતનું સૌથી લોભી શહેર માનું છું. દરેક વ્યક્તિ અહીં પૈસા કમાવવા અને પ્રૉપર્ટીમાં રોકાણ કરવા આવે છે.”
 
તે બીબીસીને કહે છે, “મને લાગે છે કે બ્રાન્ડ બૅંગ્લુરુ પર બહુ અસર નહીં થાય. અમે એક અનિશ્ચિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જે આ શહેરની છબિ માટે નુકસાનકારક હશે. કારણ કે આવી સ્થિતિમાં લોકો અહીં રોકાણ કરતા પહેલાં બે વાર વિચારશે.”
 
બિજુર કહે છે, “આ રીતે જુઓ, કોઈ બૅંગ્લુરુ શહેરમાં સંશોધન અને વિકાસ કેન્દ્ર ખોલીને 4,500 લોકોને નોકરી આપવા માંગે છે. તેને લાગશે કે બૅંગ્લુરુ પર પહેલેથી જ ઘણું દબાણ છે. આવી સ્થિતિમાં મારે હૈદરાબાદ કે પુણે જવું જોઈએ. કયાં શહેરો હજુ બરબાદ થવાના બાકી છે? બૅંગ્લુરુ પહેલેથી જ બરબાદ થઈ રહ્યું છે.”
 
“આપણે એ ન ભૂલવું જોઈએ કે જીવવા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે, હવા, પાણી અને ખોરાક. હવાના સંદર્ભમાં, બૅંગ્લુરુ દિલ્હી કરતાં સારું છે.”
 
"જો આપણે ખાદ્યપદાર્થોની વાત કરીએ તો અહીં સારો ખોરાક મળે છે. ખરો મુદ્દો પીવાના પાણીનો છે. જ્યારે ભૂગર્ભજળનું સ્તર ઘટે છે, ત્યારે તે જમીન પર રહેતા લોકો વિશે ઘણું બધું કહી જાય છે અને હવે પરિસ્થિતિ ચિંતાજનક બની ગઈ છે."
 
રાજકીય આક્ષેપો અને પ્રત્યાક્ષેપ
બૅંગ્લુરુ શહેરના જળસંકટની અસર કર્ણાટકના રાજકારણ પર પણ થવા લાગી છે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે.
 
ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે જો આગામી એક સપ્તાહમાં જળસંકટનો ઉકેલ નહીં આવે તો તે વિરોધ કરશે.
 
કૉંગ્રેસ સરકારે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે તેણે દુષ્કાળ રાહત માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે, પરંતુ તે તેના માટે એક પણ પૈસો આપતી નથી.
 
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કહ્યું છે કે આ દુષ્કાળનો સામનો કરવા માટે તેને 18,172 કરોડ રૂપિયાની મદદની જરૂર છે.
 
કર્ણાટકનું કહેવું છે કે ઑક્ટોબર 2023 થી 226 માંથી 223 તાલુકાઓમાં દુષ્કાળની સ્થિતિ રહેશે.
 
રાજ્ય સરકારના મહેસૂલવિભાગના તાજેતરના અહેવાલ મુજબ, “રાજ્યનાં 7 હજાર 412 ગામો પીવાના પાણીની કટોકટીનો સામનો કરી રહ્યાં છે.”