સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ વેપાર સંગઠન અને જુદી જુદી સરકારોના આંકડાં દર્શાવે છે કે ઘણાં દેશોમાં ગરીબી ઓછી થઈ રહી છે અને સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે.
લોકો માનવ ઇતિહાસમાં અગાઉ કરતાં વધારે સુરક્ષિત અને સમૃદ્ધ બન્યા છે. તો પછી મોટા ભાગના લોકો હંમેશાં આવેશમાં કેમ જોવા મળતા હોય છે?
માર્ગ પર વાહન ચલાવતી વખતે ક્રોધ દેખાડવાની ઘટનાઓ બનતી રહે છે, સોશિયલ મીડિયામાં એકબીજાને કડવાશથી ભાંડવામાં આવે છે અને ઘણી વાર રાજકારણીઓ જાહેરમાં મારામારી પર ઉતરી આવે છે.
સમગ્ર પૃથ્વી સતત ક્રોધથી ધ્રૂજતી રહે છે એવું તમે માની બેસો તો તેમાં તમારો વાંક નથી.
બ્રિટિશ પત્રકાર અને સુખી કેમ થવું જેવાં પુસ્તકોના લેખક ઓલિવર બર્કમેને નક્કી કર્યું કે લોકોમાં વ્યાપેલા ક્રોધ વિશે જાણવું.
તો સવાલ એ છે કે આપણે ગુસ્સે કેમ થઈએ છીએ? શેના કારણે આપણને ક્રોધ આવે છે?
તથા કદાચ સૌથી અગત્યનો સવાલ, શું રોષ વ્યક્ત કરવો ખરાબ બાબત છે?
1. મનુષ્ય ગુસ્સો કરવાનું કેવી રીતે શીખ્યો?
મનુષ્યની ઉત્ક્રાંતિ દરમિયાન એવી કઈ બાબત ઉદ્દીપક બની કે જેનાથી એક વ્યક્તિ બીજા પર ગુસ્સે થવા લાગી?
અમેરિકાના ઓહાયો ખાતેની હેડલબર્ગ યુનિવર્સિટીના સાઇકૉલૉજી એન્ડ ક્રિમિનૉલૉજીના પ્રોફેસર એરોન સેલ કહે છે, "ગુસ્સો એ બહુ સોફિસ્ટિકેટેડ સિસ્ટમ છે."
"નાટકીય રીતે કહીએ તો તે મનને કાબૂમાં રાખવાની એક પદ્ધતિ છે. સામેની વ્યક્તિ તમને વધારે મહત્ત્વની સમજે તે રીતે તેના મગજમાં ઘૂસી જવાની આ એક રીત છે."
પ્રોફેસર સેલના જણાવ્યા અનુસાર 'મગજને નિયંત્રિત કરવાની' આ રીતમાં સૌથી અગત્યની ભૂમિકા મનુષ્યના 'ક્રોધિત ચહેરા'ની હોય છે : ભવાં ચઢાવવાં, નસકોરાં ફુલાવવાં વગેરે.
"ચહેરા પર આવી રીતે ક્રોધનો ભાવ આવે તેના કારણે તમે શારીરિક રીતે બહુ તાકાતવર છો તેવું દેખાય છે."
પ્રોફેસર સેલના જણાવ્યા અનુસાર 'ક્રોધિત ચહેરો' વારસામાં મળે છે, તે શીખવવામાં આવતો નથી, કેમ કે 'અંધ બાળકો પણ ક્રોધિત ચહેરો પ્રગટ કરી શકે છે.'
2. "રિકેલિબ્રેશનલ થિયરી"
તમે કદાચ એવું વિચારશો કે આપણા વડવાઓમાંથી ક્રોધ કરનારાની સામે, ક્રોધ ના કરનારા કે ઝઘડો ના કરનારા જીવી ગયા હશે. પણ તે માન્યતા ખોટી છે.
પ્રોફેસર સેલ કહે છે, "થયું હતું એવું કે જેઓ અમુક પ્રકારનો ગુસ્સો કરી શકતા હતા, તેઓ ગુસ્સો ના કરી શકનારા કરતાં વધુ મોટી સંખ્યામાં ટકી ગયા હતા."
તેઓ વધુ સારા વર્તન માટે સોદાબાજી કરીને અને હિતો માટેના સંઘર્ષમાં જીતીને આમ કરી શક્યા હતા.
પ્રોફેસર સેલ ઉમેરે છે, "ભૂતકાળમાં જેઓ ગુસ્સો કરી શકતા નહોતા તેમને કચડી નખાયા હતા."
તેમની પાસેથી વસ્તુઓ પડાવી લેવામાં આવતી હતી અને તેમની સાથે ખરાબ વર્તન થતું હતું "તેના પરિણામે તેમનો નાશ થઈ ગયો હતો."
આ સંઘર્ષમાં એવા લોકો બચી ગયા, જેમણે સહકાર ના આપવાની ચેતવણી આપી હતી. તે લોકો સામાવાળાને એવું યાદ અપાવતા કે તમારા માટે કેટલું સારું કામ તેઓ કરી શકે છે. આ રીતે તેમને ઉપકારવશ કર્યા અને તેથી વર્તન સારું થઈ શક્યું.
પ્રોફેસર સેલ કહે છે કે ગુસ્સાને કારણે આ મનુષ્યો ઉત્ક્રાંતિમાં ફાયદામાં રહ્યા હતા.
3. આવેશમાં આવી જઈએ ત્યારે આપણા શરીરમાં શું થતું હોય છે?
ક્રોધને સમજવા માટે તેના કારણે આપણા શરીર પર શું અસર થાય છે તે સમજવું જરૂરી છે. આવેશમાં આપણે કેવું વર્તન કરીએ છીએ અને કેવી રીતે વિચારીએ છીએ અથવા તો વધારે મહત્ત્વની વાત કે શું નથી વિચારતા તે જાણવું જોઈએ.
વિન્સ્કોન્સિન-ગ્રીન બે (યુએસએ) યુનિવર્સિટીના સાયકૉલૉજી પ્રોગ્રામના વડા પ્રોફેસર રેયાન માર્ટિન ક્રોધના વિષય પર સંશોધન કરી રહ્યા છે. તેઓ ઑલ ધ રેજ એવા નામ સાથે પોડકાસ્ટ પણ કરે છે.
પ્રોફેસર માર્ટીન કહે છે, "તમને ગુસ્સો આવે ત્યારે સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ - તમારે લડવું જોઈએ કે ભાગી જવું જોઈએ તે સૂચવતી મગજની પ્રક્રિયા સક્રિય થઈ જાય છે. તમારા હૃદયના ધબકારા વધી જાય છે, તમને પરસેવો થવા લાગે છે અને પાચન ક્રિયા મંદ પડી જાય છે."
આવી શારીરિક પ્રતિક્રિયા થવા પાછળનો હેતુ તમને જે બાબત અન્યાયી લાગી હોય તેનો સામનો કરવા માટેની શારીરિક તાકાત ઊભી થાય તે માટેનો છે.
મગજ પણ અહીં પોતાની રીતે કામ કરે છે.
પ્રોફેસર માર્ટીન કહે છે, "કોઈ ભાવ તીવ્રતાથી અનુભવાઈ રહ્યો હોય ત્યારે લોકો બધુ જ વિચારવાના બદલે અમુક જ પ્રકારના વિચારો કરતાં થઈ જાય છે. લોકોનું સમગ્ર ધ્યાન અસ્તિત્વ ટકાવી રાખવા પર અથવા તો બદલો લેવાની વાત પર કેન્દ્રીત થઈ જાય છે."
ઉત્ક્રાંતિને કારણે આવું થયું છે. તમે કોઈ અન્યાયી સ્થિતિનો સામનો કરી રહ્યા હો ત્યારે તેને પ્રતિસાદ આપવા સિવાયની અન્ય કોઈ બાબતોનો વિચાર તમે નથી કરવા માગતા.
4. આધુનિક જીવનશૈલીને કારણે આવેશ કેમ વધે છે
એ વાત સ્પષ્ટ છે કે વિશેષ કરીને વિકસિત દેશોમાં મોટા ભાગના લોકોને હવે પોતાના વડવાઓની જેમ બહુ ચિંતા કરવાની જરૂર નથી, આમ છતાં આધુનિક જીવન કેમ વધારે રોષ પ્રગટાવનારું બન્યું છે?
વાત સરળ છે એમ પ્રોફેસર માર્ટીન કહે છે: "લોકો વધારે વ્યસ્ત થયા છે અને પોતાના જીવનમાં અપેક્ષાઓ વધારી છે. તેના કારણે જીવનમાં વાત આગળ વધી રહી નથી તેવું લાગે ત્યારે પહેલાં કરતા વધારે ખરાબ લાગે છે."
સુપરમાર્કેટમાં લાઇનમાં ઊભું રહેવું પડે કે પછી ગૅસનો બાટલો લખાવવા માટે ફોન કરીએ ત્યારે લાંબી રાહ જોવી પડે ત્યારે આપણે તરત અકળાવા લાગીએ છીએ. વ્યસ્તતાને કારણે સમય બગડે ત્યારે ગુસ્સો આવવા લાગે છે.
એવી બાબતો કે જેને "આપણે ટાળી શકીએ તેવી હોય અથવા જેમાં આપણે કશું કરી શકીએ તેમ ના હોઇએ" તે બાબતો પણ આપણને ગુસ્સો અપાવે છે, એમ પ્રોફેસર માર્ટીન કહે છે.
આવેશનો અનુભવ કરીને અસ્તિત્વ બચાવવા માટે પ્રતિસાદ આપવાનું ઉત્ક્રાંતિથી આપણે શીખ્યા હતા, પણ "આધુનિક યુગમાં તે બાબત હંમેશા યોગ્ય રીતે કામ કરતી નથી."
5. શું આપણે ક્રોધને કાબૂમાં રાખી શકીએ ખરા?
દેખીતી રીતે જ જેમના પર ગુસ્સો આવ્યો હોય તેમને હાનિ પહોંચાડવાથી ફાયદો થવાનો નથી. તેથી આપણે આપણા ક્રોધને કાબૂમાં રાખવાનું શીખવું જરૂરી છે.
જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીના સાયકૉલૉજીના પ્રોફેસર માયા તમીર કહે છે કે આપણે ધારીએ છીએ તેના કરતાં વધારે સારી રીતે આપણે રોષને રોકી શકીએ છીએ.
લાગણીઓ માત્ર ઉત્ક્રાંતિને કારણે જ ઊભી થઈ છે તેવું પણ નથી એમ માયા કહે છે અને ઉમેરે છે, "તે આપણે શીખ્યા પણ છીએ, તેને કેળવી પણ છે અને તેને રચનાત્મક રીતે બદલી શકીએ છીએ અને અન્ય દિશામાં વાળી પણ શકીએ છીએ."
તેમણે કરેલા સંશોધનથી ખ્યાલ આવ્યો કે ક્રોધ આવે ત્યારે માત્ર આક્રમકતા જ ઊભી થાય તેવું જરૂરી નથી.
વારસામાં મળી હોય તે સિવાય "જો લાગણીઓ આપણે શીખ્યા હોઈએ અને ઘડી હોય તો પછી એવું જરૂરી નથી કે ક્રોધ જેવી લાગણી ચોક્કસ પ્રકારની અસરો અને વર્તન પેદા કરે."
માયા કહે છે, "આપણે કંઈ કઠપૂતળીઓ નથી. આપણા કોઈ જાતના નિયંત્રણ વિના ગુસ્સો આપણને આક્રમક બનાવે તેવું બનતું નથી."
6. આવેશનો યોગ્ય ઉપયોગ
ગુસ્સાને કારણે આપણે લાલચોળ થઈ જઈએ છીએ. તેનાથી આપણે આક્રમક અને ઉગ્ર વાણી બોલતા થઈ જઈએ છીએ... કે પછી ટ્વિટર પર બળાપો કાઢતા થઈ જઈએ છીએ.
પોતાની સત્તા અને દરજ્જો જાળવવા માટે ગુસ્સો કરવાની જરૂર પડવાની હોય તો તેના બહુ ખરાબ પરિણામો આવી શકે છે. તેના કારણે યુદ્ધ પણ થઈ શકે છે.
જોકે માનસશાસ્ત્રીઓ કહે છે કે આવેશ આવે ત્યારે આપણું મન એકધ્યાન થઈ શકે છે અને આપણને અન્યાય થયો હોય ત્યારે તેની સામે પગલાં લેવાની ઊર્જા પણ આપે છે.
ફિલોસોફર અને સાયકૉથેરપિસ્ટ માર્ક વર્નોન સમજાવે છે કે કઈ રીતે પ્રાચીન સમયમાં પ્લેટોનિક અને એરિસ્ટોટેલિયન પરંપરાના લોકો માનતા હતા કે 'સાત્વિક ક્રોધ' પણ હોઇ શકે છે.
તેઓ માનતા હતા કે જો ક્રોધની ઊર્જાને સર્જનાત્મક માર્ગે વાળવામાં આવે તો તે ઉપકારક પણ થઈ શકે છે.
આવો ગુસ્સો "કોઈને અમુક કાર્ય હિંમતપૂર્વક કરવા માટે પ્રેરી કરી શકે છે અથવા તો આવેશને કારણે ન્યાય મેળવવા માટે પોતાની વાતને વધારે ભારપૂર્વકની દલીલો સાથે રજૂ કરી શકે છે."
ટૂંકમાં તમે એટલું સમજી લો કે ક્રોધ એટલો ખરાબ પણ નથી.
આપણે ફક્ત બહુ પ્રબળ એવી ક્રોધની લાગણી અને આવેશને નિયંત્રણમાં રાખી, તેને યોગ્ય દિશામાં વાળવાની જરૂર છે. આપણે ક્રોધની આગમાં સતત બળતા ના રહીએ તે માટે પણ આમ કરવું જરૂરી છે.