ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 ઑગસ્ટ 2019 (12:18 IST)

અનુચ્છેદ 370 : જમ્મુના પાંચ જિલ્લામાં લૅન્ડલાઇન શરૂ, નિયંત્રણ હળવાં કરાયાં

શનિવારથી તબક્કાવાર રીતે કાશ્મીરમાં સંચારબંધી હળવી કરવામાં આવી રહી છે. આ સિવાય કિશ્તવાડ સહિત અનેક વિસ્તારોમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે.
રાજ્યમાં લૅન્ડલાઇન સંચારવ્યવસ્થા બહાલ કરી દેવામાં આવી છે અને પાંચ જિલ્લામાં 2જી ઇન્ટરનેટ શરૂ થઈ ગયું હતું. આ સિવાય 35 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયંત્રણ હળવા કરવામાં આવ્યા છે.
રવિવાર સાંજ સુધીમાં અમુક વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં લૅન્ડલાઇન ફરી શરૂ થઈ જશે.
વહીવટીતંત્ર દ્વારા દરરોજ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીઓ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહ સહિત નેતાઓને સેંકડોની સંખ્યામાં અટકાયતમાં રાખવામાં આવ્યાં છે.
આ પહેલાં જમ્મુ-કાશ્મીરના મુખ્યસચિવ બી. વી. આર. સુબ્રમણ્યમે શુક્રવારે શ્રીનગરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ધીમે-ધીમે કાશ્મીરમાં નિયંત્રણો હટાવી લેવાશે.
પાંચમી ઑગસ્ટે ભારત પ્રશાસિત કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370માં ફેરફારની જાહેરાત કરી તે પહેલાં સમગ્ર રાજ્યમાં મોબાઇલ, ઇન્ટરનેટ અને લૅન્ડલાઇન સેવા બંધ કરવામાં આવી હતી.
 
બીજી બાજુ, UNSCમાં કાશ્મીર મુદ્દે ચર્ચા બાદથી લાઇન ઑફ કંટ્રોલ ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે સામ-સામો ગોળીબાર થઈ રહ્યો છે.
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર ખાતે રાજૌરીમાં પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દેવાનો દાવો કર્યો છે.
આ પહેલાં એક ભારતીય સૈનિકનું પાકિસ્તાની કાર્યવાહીમાં મૃત્યુ થયું હતું.
 
વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીને સુપ્રીમ કોર્ટમાં કાશ્મીરની પરિસ્થિતિ, ત્યાં બધી સંચાર સેવા બંધ કરવાથી લોકોને થઈ રહેલી હેરાનગતિ અને પત્રકારોને કામ કરવામાં આવી રહેલી બાધાઓને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જેના પર શુક્રવારે સુનાવણી કરવામાં આવી.
સુનાવણી દરમિયાન અનુરાધા ભસીનના વકીલે અદાલતમાં કહ્યું કે કાશ્મીરમાં કોઈ લૅન્ડલાઇન વ્યવસ્થા કામ નથી કરી રહી અને ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ છે.
વકીલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેન્ચને કહ્યું કે અમારી અરજીને કલમ 370 સાથે કંઈ લેવા-દેવા નથી.
શ્રીનગરથી અમારા સંવાદદાતા આમિર પીરઝાદા જણાવે છે કે સૌરામાં શુક્રવારે ફરી એક વખત ભારત વિરોધી દેખાવો થયા હતા, જેને વિખેરવા માટે પૅલેટ ગન તથા ટિયરગૅસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 
સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ટૂંક સમયમાં જ કાશ્મીરમાં સંચારસેવા ઉપર લાદવામાં આવેલાં નિયંત્રણો હટાવી લેવાશે.
મહેતાએ કહ્યું, "સુરક્ષાબળો પર ભરોસો રાખો, તેઓ દરરોજ પરિસ્થિતિની સમીક્ષા કરે છે. અમે ત્યાંની ભલાઈ માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ."
એ સિવાય સુપ્રીમ કોર્ટે છ અરજીઓની સુનાવણી સ્થગિત કરી દીધી અને આગળની સુનાવણીની તારીખ નક્કી કરી નથી.
આ છ અરજીમાંથી ચાર અરજીમાં સુપ્રીમ કોર્ટે સુધારો કરવાનો નિર્દેશ આપ્યો હતો.
અનુરાધા ભસીન સિવાય વકીલ એમ. એલ. શર્માએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ પહેલાં સુપ્રીમ કોર્ટ આ બાબતને સંવેદનશીલ જણાવીને સુનાવણી ટાળી દીધી હતી.
બીજી બાજુ, કૉંગ્રેસે દાવો કર્યો છે કે રાજ્યમાં પાર્ટીના વડા ગુલામ અહેમદ મીરને નજરકેદ કરવામાં આવ્યા છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટર ઉપર લખ્યું કે કોઈપણ જાતની ઉશ્કેરણી વગર રાષ્ટ્રીય પક્ષના નેતાની ધરપકડ કરીને સરકારે લોકશાહીને વધુ એક આંચકો આપ્યો છે.