1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (17:03 IST)

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર એમનાં પૂર્વ જૂનિયર આસિસ્ટન્ટે યૌન શોષણના આરોપ લગાવ્યા છે. કેટલીક વેબસાઇટ્સમાં આ અહેવાલો પ્રકાશિત થયા પછી ત્રણ જજની ખાસ બૅન્ચે બેસાડવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતીના જણાવ્યા મુજબ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ રાજીવ ખન્નાની બૅન્ચે રજાને દિવસે ધ્યાને લીધો હતો.
 
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈનું કહેવું છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ખતરામાં છે અને આ ન્યાયતંત્રને અસ્થિર કરવાનું ખૂબ મોટું ષડ્યંત્ર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે યૌન શોષણનો આરોપ કરનાર મહિલાની પાછળ ખૂબ મોટી શક્તિઓ છે. તેમણે કહ્યું કે જો ન્યાયાધીશોએ આ સ્થિતિમાં કામ કરવું પડશે તો સારા વ્યકિતઓ કદી અદાલતમાં નહીં આવે.
મહિલાએ એક ચિઠ્ઠી સુપ્રીમ કોર્ટના તમામ જજોને મોકલી હતી જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈ પર યૌન શોષણ કરવાનો, તેના માટે રાજી ન થવા પર નોકરીમાંથી હટાવી દેવાનો તેમજ તેમના પરિવારને અલગઅલગ રીતે હેરાન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
 
સ્ક્રૉલ, લીફલેટ, ધ વાયર અને કાંરવા એમ ચાર વેબસાઇટોનું નામ લઈને ચીફ જસ્ટિસે કહ્યું કે તેમણે ગુનાહિત ઇતિહાસ ધરાવતી મહિલાના ખોટા આરોપોને પ્રકાશિત કર્યા.
આ બધાના તાર એકબીજા સાથે જોડાયેલા હોવાનું પણ તેમણે કહ્યું. સુપ્રીમ કોર્ટે આ સાથે ચીફ જસ્ટિસ પર લગાવવામાં આવેલા આરોપોના રિપોર્ટિંગમાં સંયમ અને સમજદારીપૂર્ણ રીતે વર્તવા કહ્યું.
 
સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શનિવારે આનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ એક ગંભીર અને ખૂબ જ મહત્ત્વનો મામલો છે એટલે એને સાંભળવો જોઈએ.
ચીફ જસ્ટિસના વડપણ હેઠળની આ બૅન્ચે આરોપ પર કોઈ આદેશ નથી આપ્યો અને મીડિયાને ન્યાયપાલિકાની સ્વતંત્રતાની રક્ષા માટ સંયમ દાખવવાનું કહ્યું છે. ચીફ જસ્ટિસે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
 
એમણે કહ્યું કે જે મહિલાએ કથિત રીતે તેમના પર આરોપ લગાવ્યા છે. તેઓ પોતાના ગુનાહિત રેકર્ડને લીધે ચાર દિવસ જેલમાં હતાં અને પોલીસે અનેકવાર તેમને વર્તન સુધારવા સલાહ આપી હતી. વરિષ્ઠ વકીલ રેબેકા જૉને સોશિયલ મીડિયા પર લખ્યું કે એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યાં છે. જે મેં સમાચારોમાં વાંચ્યુ તો એમણે એમની ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દીધી છે. સ્વાભાવિક રીતે આ આરોપોની સત્ય ચકાસણી હજી બાકી છે.
 
એમણે લખ્યું કે આગામી કાર્યવાહી કરવા માટે પહેલા બૅન્ચનું ગઠન કરવામાં આવે એ શિષ્ટાચાર ગણાત. અસાધારણ સુનાવણીમાં ષડ્યંત્રની વાત કરીને આપે વાસ્તવમાં ફરિયાદને બંધ કરીને સંસ્થાની સ્વતંત્રતા સાથે બાંધછોડ કરી છે. જસ્ટિસ રંજન ગોગોઈ ગત વર્ષે સુપ્રીમ કોર્ટના એ સમયના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની સામે પ્રેસ કૉન્ફરન્સ કરનારા ચાર જજોમાં સામેલ હતા. એ વખતે પણ એમના સહિત ચાર ન્યાયધીશોએ આરોપ લગાવ્યો હતો કે ન્યાયતંત્ર ખતરામાં છે.