મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:21 IST)

અમદાવાદ ખાતેની ગ્લોબલ સ્કૂલની વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં વાલીઓ જીતી ગયાં

ગુજરાતની ખાનગી શાળાઓ માટે સરકારે નક્કી કરેલી ફીની મર્યાદા બહાર ફી વસુલવા માંગતી અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન સ્કુલને સુપ્રીમ કોર્ટે લપડાક મારી છે. શાળાએ ફી રેગ્યુલેશન કમિટીની નક્કી કરેલી મર્યાદાથી વધુ ફી માંગતા વાલીઓ વિફર્યા હતા. વાલીઓના વિરોધ સામે શાળાએ વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ કરી દીધા હતા. આ મામલે વાલી મંડળ દ્વારા વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શાળાના ફટકાર લગાવતા કહ્યું છે કે તમે શાળા છો, વેપારી નથી. સુપ્રીમ કોર્ટે શાળાને ટર્મીનેટ કરેલા તમામ વિદ્યાર્થીનો તાકીદે પર લેવાનો હુકમ કર્યો છે. આ મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વાલીઓનો વિજય થયો છે.ગુજરાત સરકાર ખાનગી શાળાઓની ફીને અંકુશમાં રાખવા માટે વર્ષ 2017માં ફી નિર્ધારણ કાયદો પસાર કર્યો હતો. આ કાયદાની વિરુદ્ધમાં મોટાભાગની ખાનગી સ્કૂલોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને સરકાર દ્વારા નક્કી કરાયેલી ફીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. શાળાઓની દલીલ એવી છે કે સુપ્રીમ કોર્ટમાં અમારો કેસ પેન્ડિંગ હોવાથી વાલીઓએ જૂના ધોરણ મુજબની ફી જ ભરવી પડશે. આ મુદ્દે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલે પોતાની નક્કી કરેલી ફી ન ભરનારા 40થી વધુ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ ન આપીને તેમના એડમિશન રદ કરી દીધા હતા. આ મુદે વાલીઓએ એફઆરસીને રજૂઆત કરતા કમિટીએ શાળાને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન વાલીઓ બુધવારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે શિક્ષણમંત્રીને મળીને દરમિયાનગીરી કરવા માંગણી કરી હી. વાલીઓનું કહેવું હતું કે શિક્ષણમંત્રી શાળા સામે પગલા ભરે. શિક્ષણમંત્રીએ ખાત્રી આપી હતી કે સુપ્રિમના ચુકાદા બાદ પણ જો શાળા બાળકોને પ્રવેશ નહીં આવે તો તે પગલા ભરશે.