મંગળવાર, 29 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: બુધવાર, 10 એપ્રિલ 2019 (12:14 IST)

લોકોની નિરસતાએ બંને મુખ્યપક્ષોમાં ચિંતા વધારી, મુદ્દાઓ લોકો સુધી પહોંચતા જ નથી

એક તરફ કાળઝાળ ગરમીનો માહોલ છે તો,બીજી તરફ ચૂંટણીનો માહોલ છે. જોકે,લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં હજુય ચૂંટણીનો માહોલ જામતો નથી . ભાજપ-કોંગ્રેસ પાસે જાણે મતદારોને સ્પર્શે તેવા અસરકારક ચૂંટણી મુદ્દાઓનો ભારોભાર અભાવ છે પરિણામે લોકોમાંય ચૂંટણી પ્રત્યે જાણે નિરસતા છે .
ભાજપે રાષ્ટ્રવાદના મુદ્દાને આગળ ધર્યો છે . કોંગ્રેસે વર્ષે ૭૨ હજાર આપવાનો વાયદો કર્યો છે. એરસ્ટ્રાઇક ભૂલાઇ રહી છે જેના કારણે ભાજપ ચિંતામાં છે તો,કોંગ્રેસ પાસે પણ મતદારોને લુભાવે તેવો મુદ્દો નથી. બંન્ને પક્ષો અત્યારે તો સામસામે આક્ષેપબાજી કરીને ચૂંટણી પ્રચારમાં લાગી પડયાં છે છતાંય ચૂંટણી માહોલ જામતો નથી. 
અત્યારે તો માત્ર ટીવી , સોશિયલ મિડિયામાં જ ચૂંટણીનો માહોલ જામ્યો છે. પણ વાસ્તવિકતામાં ચૂંટણીનો માહોલ ક્યાંય દેખાતો નથી. ચૂંટણી પ્રચારમાં ગણતરીના જ કાર્યકરો જોવા મળી રહ્યાં છે. રેલી-સભામાં ય ખુરશીઓ ખાલીખમ જોવા મળી રહી છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો હજુ ઉંચે જઇ રહ્યો છે. ચૂંટણીને આડે હવે માંડ બાર-તેર દિવસ બાકી રહ્યાં છે તેમ છતાંય લોકો ચૂંટણી પ્રત્યે નિરસ જણાઇ રહ્યાં છે. બેરોજગારી, મોંઘવારી,પાણીની સમસ્યા સહિતના અનેક પ્રશ્નો વણઉકેલાયેલાં છે ત્યારે શાસક પક્ષ સારા શાસનના વચન આપી મતદારોને આકર્ષવા મથામણ કરી રહ્યાં છે. 
જયારે વિપક્ષ ભ્રષ્ટાચાર,નિષ્ફળ સરકારના મુદ્દે મતદારો પાસે મત માંગી રહ્યાં છે. કેટલાંય ગામડાઓમાં તો બોર્ડ લાગ્યા છેકે, મત માંગવા આવવુ નહી. ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવાવા ભાજપ-કોંગ્રેસ હવાતિયા મારી રહ્યાં છે. આ જ પરિસ્થિતી રહી તો ઓછા મતદાનની ચિંતા પણ રાજકીય પક્ષોને સતાવી રહી છે.