બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:20 IST)

પ્રદર્શન દરમિયાન બસ સળગાવવાની ઘટનામાં દિલ્હી પોલીસ પર સવાલો કેમ?

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન દરમિયાન દેશની રાજધાની નવી દિલ્હીમાં હિંસક ઘટનાઓ ઘટી હતી.
 
જામિયા મિલિયા ઇસ્લામિયાથી અંદાજે બેથી અઢી કિલોમિટર દૂર ડીટીસીની બસો સળગાવવામાં આવી. જોકે સોશિયલ મીડિયા પર એવા આરોપો લાગ્યા કે પોલીસે જાતે જ બસોને આગ ચાંપી છે.દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કેટલીક તસવીરો ટ્વીટ કરી અને લખ્યું :
 
"આ તસવીરો જુઓ... જુઓ બસો અને કારોમાં કોણ આગ લગાડી રહ્યું છે... આ તસવીરો ભાજપની હીન રાજનીતિનો મોટો પુરાવો છે... ભાજપના નેતાઓ આનો જવાબ આપશે..."
 
આ ટ્વીટને રિટ્વીટ કરતાં સિસોદિયાએ લખ્યું, "તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આગ લાગી એ પહેલાં આ વરદીવાળા લોકો બસોમાં પીળા અને સફેદ રંગના કેનથી શું નાખી રહ્યા છે?"
 
"આ કોના ઇશારે કરવામાં આવ્યું?"
 
સિસોદિયા ટ્વીટમાં સત્તા પક્ષ ભાજપ પર પણ આક્ષેપો કર્યા હતા.
 
મનિષ સિસોદિયાના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં યૂઝર્સે દિલ્હી પોલીસ પર આક્ષેપો કર્યા હતા.
જોકે આ અંગે બાદમાં દિલ્હી પોલીસના પીઆરઓ રંધાવાએ કહ્યું, "તમારે એ આખો વીડિયો જોવાની જરૂર છે. બસની બહાર આગ લાગી હતી."
 
"પોલીસ આગ ઓલવવા માટે પાણી નાખી રહી હતી."
 
તેમણે કહ્યું, "અમે જ્યારે યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓને શાંત કરાવી રહ્યા હતા ત્યારે અમારી પર પથ્થરમારો થયો હતો. જેને રોકવા માટે અમારે ટિયરગેસની મદદ લેવી પડી."
 
શું છે સમગ્ર મામલો?
 
જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આસામ, પશ્ચિમ બંગાળ સહિતનાં રાજ્યોમાં હિંસક પ્રદર્શનો પણ થયાં છે. આ પ્રદર્શનોમાં લોકોએ જીવ ગુમાવ્યા હોય એવું પણ બન્યું છે.
 
જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ અને અન્ય સ્થાનિક નાગરિકોએ કાલિંદી કુંજ રોડ પર વિરોધ પ્રદર્શન યોજ્યું.
આ દરમિયાન બસો અને અન્ય વાહનોને આગચંપીની ઘટના બની હતી.વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે યુનિવર્સિટીના મુખ્યદ્વારા પાસે કલાકો સુધી ઘર્ષણ ચાલ્યું હતું.