મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2019 (12:53 IST)

પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈ ગુજરાત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ઉત્તરપ્રદેશના સોનભદ્ર કાંડની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ તથા પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાનાં નેતૃત્વમાં આજે સવારે કોચરબ આશ્રમ પર ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસનાં અમીત ચાવડા, મનીશ દોષી સહિત અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મહત્વનું છે કે ગઇકાલે પ્રિયંકા ગાંધીની અટકાયત થતાં રાજ્યભરમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.પોલીસનું ઘર્ષણ થતાં કોંગ્રેસનાં અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જે દરમિયાન એક બે કાર્યકર્તાઓની તબિયત પણ ખરાબ થઇ ગઇ હતી.
આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે નરસંહારના મૃતક પરિવારોની મુલાકાતે જઈ રહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ભાજપ સરકારના ઈશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, 'ભાજપનું જ્યાં જ્યાં શાસન છે ત્યાં ત્યાં લો અને ઓર્ડરની નીતિ બગડી રહી છે. ભાજપ દમનકારી નીતિ અપનાવી રહી છે. જો સરકારનાં કામમાં ફરક નહીં આવે તો અમે વારંવાર રસ્તા રોકો આંદોલન કરીશું. અમે તેમની સામે ઉભા રહીશું.' 
 
નોંધનીય છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને શુક્રવારે ગઇકાલે સોનભદ્ર જતાં અટકાવાયા હતા. પરંતુ તેઓ ટેકેદારો સાથે રોડ પર જ બેસી જતાં તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા. સોનભદ્રમાં આ સપ્તાહે એક જમીન વિવાદમાં ગામના સરપંચ અને તેમના ટેકેદારોએ સામેના જૂથ પર અંગત ગોળીબાર કરતાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં 17મી જુલાઇની તપાસ સમિતિના અહેવાલના આધારે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને 29 લોકોની ધરપકડ કરાઇ છે તેમ મુખ્યમંત્રી આદિત્યનાથે જણાવ્યું હતું.