નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરમાં રહેલી 'રહસ્યમયી કાળી પેટી'માં શું હતું?

narenra modi
Last Modified સોમવાર, 15 એપ્રિલ 2019 (10:36 IST)
કૉંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરમાં રખાયેલી શંકાસ્પદ કાળી પેટીની તપાસ કરવાની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે કર્ણાટકમાં મોદીના ચૂંટણીપ્રચાર દરમિયાન આ પેટીને હેલિકૉપ્ટરમાંથી ઉતારવામાં આવી હતી. કૉંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ વડા પ્રધાન પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે. શર્માએ કહ્યું છે કે ચૂંટણીપંચે પેટીમાં રખાયેલી સામગ્રીની તપાસ કરવી જોઈએ. શર્માએ એવું પણ જણાવ્યું કે કૉંગ્રેસના કર્ણાટક એકમે આ મામેલ ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.
નોંધનીય છે કે વડા પ્રધાન મોદીએ 9મી એપ્રિલે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચૂંટણીસભાને સંબોધિ હતી. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર શર્માએ પૂછ્યું, "અમે જોયું કે પીએમના હેલિકૉપ્ટર સાથે ત્રણ અન્ય હેલિકૉપ્ટર પણ ઊડી રહ્યાં હતાં. "

"લૅન્ડિંગ બાદ એકમાંથી કાળી પેટી ઉતારવામાં આવી અને એક ખાનગી ગાડીમાં લઈ જવાઈ. એ ટ્રક એસપીજીના કાફલાનો ભાગ નહોતી."

"એ પેટીમાં શું હતું? જો એમાં રોકડ નહોતી તો એની તપાસ થવી જોઈએ."

ભાજપના નેતાએ રાહુલ ગાંધી માટે ગાળ બોલી, વીડિયો વાઇરલ


હિમાચલ પ્રદેશના ભાજપના અધ્યક્ષ સતાપલ સિંહ સત્તીનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા જોવા મળે છે. વીડિયોમાં રાહુલ ગાંધી અને તેમના પરિવારજનોને કથિત રીતે 'જમાનતી' ગણાવતા સત્તી કહે છે કે જે પોતે જ જામીન પર હોય તેઓ વડા પ્રધાનને ચોર કઈ રીતે કહી શકે? એ બાદ તેઓ સોશિયલ મીડિયા પર કથિત રીતે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલી એક ટિપ્પણીને મંચ પરથી વાંચે છે, જેમાં રાહુલ ગાંધી માટે મા વિરુદ્ધ ગાળ લખાયેલી હોય છે. આ વીડિયો સોલનના રામશહરનો હોવાનું જાણવા મળે છે. ભાજપના પ્રદેશઅધ્યક્ષે રવિવારે પક્ષના ઉમેદવારનો પ્રચાર કરતા સંબંધિત વાત કરી હતી.
જોકે, સત્તીનું કહેવું છે કે વીડિયોને ખોટી રીતે શૅર કરાઈ રહ્યો છે. બીજી બાજુ, કૉંગ્રેસે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવા સહિત સમગ્ર રાજ્યમાં પ્રદર્શન યોજવાની તૈયારી કરી છે.


આ પણ વાંચો :