શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 મે 2020 (11:07 IST)

કોરોના વાઇરસ : ચીનમાં ફરી શરૂ થયો કોરોના, શુલાન શહેર લૉકડાઉન કરાયું

દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 40 લાખને પાર કરી ગઈ છે. કોવિડ-19ને લીધે રવિવાર સુધીમાં 277,092 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 67,152 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2206 લોકોનાં મૃત્યુ થયાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22,171 કેસ છે અને અહીં 832 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
આ દરમિયાન ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણના 17 નવા કેસો સામે આવ્યા છે. 17 પૈકી 5 નવા કેસો ફરીથી જ્યાંથી વાઇરસની શરૂઆત થઈ તે વુહાન શહેરમાં છે. સંક્રમણના અન્ય કેસો શુલાન શહેરમાંથઈ આવ્યા છે અને ત્યાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શુલાન શહેરમાં 11 નવા કેસ છે.
 
કોરોના સંક્રમણને લીધે આફ્રિકામાં 83000થી એક લાખ 90 હજાર લોકોનાં એક વર્ષમાં મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે જો સંક્રમણને નહીં રોકવામાં આવે તો એક વર્ષમાં અહીં અંદાજે ત્રણ કરોડથી સાડા ચાર કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.
 
અમેરિકામાં અંદાજે 80 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે, સૌથી વધુ મૃત્યુ ન્યૂયૉર્કમાં થયાં છે.
 
રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના રેકર્ડ 11,012 કેસ નોંધાયા છે. સાથે જ આખા દેશમાં સંક્રમણના કેસ 209,688 થઈ ગયા છે.
 
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને કહ્યું કે હાલમાં લૉકડાઉન નહીં હઠે અને તેઓએ લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે.
 
જર્મનીમાં કોરોના વાઇરસને રોકવા લગાવેલા પ્રતિબંધોમાં છૂટ અપાતાં સંક્રમણના નવા કેસની સંખ્યા વધવા લાગી છે. એવી પણ ચિંતા વ્યક્ત કરાઈ છે કે સ્થિતિ ફરી બેકાબૂ થઈ શકે છે.
 
દક્ષિણ કોરિયાએ સંક્રમણના નવા કેસમાં આવેલી તેજીને જોતાં કોરોના વાઇરસની બીજી લહેરને લઈને ચેતવણી આપી છે. જ્યારે દેશમાં લૉકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત થઈ છે એવા સમયે આ ચેતવણી આપવામાં આવી છે.
 
ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રશાસને શુક્રવારે રેસ્ટોરાં, રમતનું મેદાન અને આઉટડોર પૂલને ખોલવાની મંજૂરી આપી છે. મોટા પાયે ટેસ્ટિંગ બાદ અહીં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.