બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 27 માર્ચ 2020 (13:59 IST)

કોરોના વાઇરસ : ભારતીયોને ઇટાલીમાંથી ઍરલિફ્ટ કરવાનો મને ગર્વ છે : કૅપ્ટન સ્વાતિ રાવલ

કોરોના લોકડાઉન વચ્ચે સરકારનું રામબાણ, આવતીકાલથી રામાયણ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે વિશ્વભરમાં હાલ કોરોના વાઇરસની મહામારી ગંભીર રીતે ફેલાયેલી છે. ચીનના વુહાન બાદ યુરોપનું ઇટાલી સૌથી વધુ અસરગ્રસ્ત થયું છે. ઇટાલીમાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં છે. અને એક જ દિવસમાં 600થી વધુ લોકોનાં મૃત્યુ થતા વિશ્વ આખું હચમચી ગયું હતું. ઇટાલીમાં સંક્રમિત કેસોની સંખ્યા પણ બેકાબૂ બની ગઈ છે. જોકે આ ગંભીર પરિસ્થિતિમાં કેટલાક ભારતીયો (મુખ્યત્ત્વે વિદ્યાર્થીઓ) ઇટાલીમાં ફસાયા હતા.
 
પરંતુ ભારતની 'ઍર ઇન્ડિયા' ઍરલાઇન્સે 21 માર્ચથી-23 માર્ચ દરમિયાન ઇટાલીમાં ફસાયેલા 250થી વધુ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા. જ્યારે સમગ્ર દેશ, વડા પ્રધાન મોદીએ જાહેર કરેલો જનતા કર્ફ્યુ પાળી રહ્યો હતો ત્યારે, બીજી તરફ ઍર ઇન્ડિયાનું ક્રૂ ઇટાલીમાં ફસાયેલા એ ભારતીયોને ઍરલિફ્ટ કરવાની સાહસી કામગીરી કરી રહ્યું હતું. ઍર ઇન્ડિયાની એ ફ્લાઇટ, જેમાં ભારતીયોને સુરક્ષિત ઍરલિફ્ટ કરી ભારત પાછા લવાયા તેમાં કૅપ્ટન સ્વાતિ રાવલ પણ સામેલ હતાં. તેઓ મૂળ ગુજરાતનાં છે.
 
સ્વાતિ રાવલ ઍર ઇન્ડિયામાં ઍર કમાન્ડર તરીકે સેવા આપી રહ્યાં છે. તેમની સાથે કૅપ્ટન રાજા ચૌહાણે બોઇંગ 777ની ઉડાન ભરી હતી અને તેઓ ઇટાલીમાંથી ભારતીયોને ઍરલિફ્ટ કરીને ભારત લઈ આવ્યા. રસપ્રદ વાત એ છે કે તમે વાયુસેના દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને ઍરલિફ્ટ કરી દેશમાં સુરક્ષિત પરત લવાયાની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. પણ આ વખતે સિવિલ પાઇલટ્સે ઍરલિફ્ટ મિશન પાર પાડ્યું છે. મહામારીના કેન્દ્રબિંદુ એવા ઇટાલીમાં હાથ ધરાયેલા આ ઍરલિફ્ટ ઑપરેશનને લોકો ઘણું બિરદાવી રહ્યા છે.
ઍર ઇન્ડિયાનાં પાઇલટ સ્વાતિ રાવલ અને રાજા ચૌહાણ તથા ક્રૂ મેમ્બર્સ મહામારીની તીવ્રતાની ચરમસીમા પર રહેલા ઇટાલીમાંથી ભારતીયોને પરત લઈ આવ્યાં. તેમની આ કામગીરી બદલ સોશિયલ મીડિયાથી લઈને અન્ય માધ્યમોમાં તેમનાં પર અભિનંદન અને આભારની વર્ષા થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય મંત્રી અને બોલીવૂડ ફિલ્મસ્ટાર સહિતના તમામે આ સાહસી કામને બિરદાવ્યું છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે "ઍર ઇન્ડિયાની ટીમ પર ગર્વ છે. તેમણે માનવતાની સેવા માટે અદમ્ય સાહસ બતાવ્યું અને તેને પરિપૂર્ણ કર્યું. દેશભરમાં તેમના સાહસની પ્રશંસા કરવામાં આવી છે."
 
કોણ છે કૅપ્ટન સ્વાતિ રાવલ?
 
કૅપ્ટન સ્વાતિ રાવલ મૂળ ગુજરાતના ભાવનગરનાં છે. હાલ તેઓ તેમના પતિ અજિતકુમાર ભારદ્વાજ સાથે દિલ્હીમાં રહે છે. ઇટાલીથી ભારતીયોને પરત લાવ્યા બાદ તેઓ સૅલ્ફ-આઇસોલેશનમાં છે અને એકદમ સ્વસ્થ છે. બીબીસીએ કૅપ્ટન સ્વાતિ રાવલના પરિવાર સાથે પણ વાતચીત કરી. તેમના પતિ અજિતકુમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમને એ બાબતનો ગર્વ છે કે તેમનાં પત્નીએ આ સાહસી કામગીરીમાં યોગદાન આપ્યું.
 
તેમણે કહ્યું, "આ મુશ્કેલ સમય છે. મને તેનાં પર ગર્વ છે. અને તે સુરક્ષિત છે તથા સૅલ્ફ-આઇસોલેશનમાં છે."
 
તેમનાં પત્નીએ ઇટાલી જવાનું હતું એ દિવસને યાદ કરતા તેઓ કહે છે, "મને સ્વાતિએ કહ્યું કે મારે ઇટાલી જવાનું છે. મારી ખાસ ડ્યૂટી છે."
 
"મને ચિંતા થઈ પણ આ સમય દરેક માટે મુશ્કેલ છે અને આપણા ભારતીયો ત્યાં ફસાયેલા હતા. આથી મેં કહ્યું કે સુરક્ષાની શી તૈયારી છે? પછી
 
મેં તેને કહ્યું કે તારું ધ્યાન રાખજે. હું બાળકોનું ધ્યાન રાખીશ લઈશ."
 
સ્વાતિ રાવલના પરિવારની વાત કરીએ તો તેમના પતિ અજિત ભારદ્વાજ બિઝનેસમાં સક્રિય છે. અને દંપતીને બે બાળકો છે. જેમાં પાંચ વર્ષનો એક દીકરો અને દોઢ વર્ષની દીકરી છે. સ્વાતિ રાવલનાં માતાપિતા ગુજરાતમાં રહે છે.
 
આ બાબત વિશે વધુ જણાવતા અજિત ભારદ્વાજે કહ્યું, "તે 22મી તારીખે સવારે 9:15 કલાકે પરત આવી. એ જે સમયે પરત આવી એ ક્ષણ ખરેખર મહત્ત્વની હતી. મને ઘણી ખુશી થઈ."
 
"હાલ હવે તે સૅલ્ફ-આઇસોલેશનમાં આરામમાં છે અને હું ઘરે બાળકોની સારસંભાળ રાખી રહ્યો છું."
 
"આ મહામારીનો મુશ્કેલ સમય છે. તમામે ઘરે રહેવું જોઈએ અને માત્ર જેઓ આવશ્યક સેવાઓમાં સક્રિય છે તેમણે જ બહાર જવું જોઈએ."
 
"દેશમાં લૉકડાઉન છે. આથી ઘરમાં બને એટલું કંઈ રચનાત્મક કરીને સમય પસાર કરવો તથા એકબીજાની શક્ય તેટલી મદદ કરવી જોઈએ."
 
કૅપ્ટન સ્વાતિ રાવલ એ સમયે સૅલ્ફ-આઇસોલેશનમાં હોવાથી તેમની સાથે પ્રત્યક્ષ વાતચીત ન થઈ શકી.
 
જોકે તેમણે અજિત ભારદ્વાજ મારફતે બીબીસીના માધ્યમથી એક સંદેશ આપ્યો છે.
 
તેમણે બીબીસીને જણાવ્યું કે, "તમામ પ્રિય દેશવાસીઓ, મારી તમને અપીલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત માનો અને ઘરમાં રહો. હું 22 તારીખથી મારા પરિવાર-બાળકોથી અલગ ક્વૉરેન્ટાઇનમાં છું. આપના પરિવાર સાથે સુરક્ષિત રહો."
 
વળી ઇટાલીથી તરત આવ્યાં બાદ તેમણે ટ્વિટર પર તેમની લાગણી શૅર કરી હતી.
 
તેમણે લખ્યું હતું કે, "હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું. જ્યારે આવી રીતે ફરજ બજાવવાનો સમય આવે ત્યારે અમને તમામને એક પ્રેરણા અને એકતાની લાગણી અનુભવાય છે. મારા ક્રૂ મેમ્બર્સ, જેઓ ભારતીયને પ્રત્યક્ષ મળ્યા અને તેમને ફ્લાઇટમાં બેસાડ્યા તેમને આ બધું શ્રેય જાય છે. ગ્રાઉન્ડ સ્ટાફ - હેલ્થ ઑફિસર્સને પણ આનું શ્રેય જાય છે. તથા આઈટીબીપીના જવાનો પણ. વળી ખાસ મારી ઍર ઇન્ડિયાને પણ."
 
આ વાત તેમણે 23 માર્ચે વડા પ્રધાન મોદીએ જ્યારે તેમની કામગીરીને બિરદાવતું ટ્વિટ કર્યું તેના જવાબમાં કહી હતી.
 
ભાવનગરથી ઇટાલી સુધીની ઉડાણ
 
બે સંતાનનાં માતા સ્વાતિ રાવલની કારકીર્દીની શરૂઆત ગુજરાતથી થઈ હતી. પિતા શંકરભાઈ રાવલ નિવૃત્ત સરકારી કર્મચારી છે. અને તેમને ચાર દીકરી છે. સ્વાતિ સિવાય અન્ય એક દીકરી પણ પાઇલટ છે. શંકરભાઈ રાવલે ચારેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. શંકરભાઈ નિવૃત્તિ પછી સામાજિક કાર્યોમાં સેવારત છે.  સ્વાતિ રાવલે 12મા ધોરણ સુધી ભાવનગરમાં અભ્યાસ કર્યો અને પછી તેમણે પછી પાઇલટ બનવાની પ્રાથમિક તાલીમ વડોદરાથી લીધી હતી.
ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આવેલી 'ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાણ અકાદમી'માં 2002માં જોડાયાં હતાં.
 
અહીં જ કૅમ્પસમાં હાથ ધરાયેલા ઇન્ટરવ્યૂમાં તેઓ ઍર ઇન્ડિયામાં વર્ષ 2006માં જોડાઈ ગયાં હતાં. અજિત ભારદ્વાજના જણાવ્યા અનુસાર સ્વાતિ રાવલે રાયબરેલીમાં ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાણ અકાદમીની પ્રવેશપરીક્ષામાં ટૉપ કર્યું હતું. જે બદલ તેમને રાજીવ ગાંધી સ્કૉલરશિપ પણ મળી હતી.  ઇટાલીની રેસ્ક્યૂ ઑપરેશન બાદ ઑલ ઇન્ડિયા પ્રોફેશનલ્સ કૉંગ્રેસ (એઆઈપીસી) દિલ્હી ચેપ્ટર ટ્વિટર હૅન્ડલે તેમની એ સમયની તસવીર પણ શૅર કરી હતી.
 
બીબીસીએ તેમના પિતા શંકર રાવલ સાથે વાતચીત કરી. તેઓ હાલ આણંદમાં તેમની મોટી દીકરી આરતીના ઘરે રોકાયેલા છે.   સમગ્ર દેશમાં લૉકડાઉન હોવાથી તેઓ ભાવનગર નથી જઈ શકતા. આથી દીકરાને ત્યાં આણંદમાં જ રોકાયેલા છે.
 
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમને અમારી દીકરી પર ગૌરવ છે. ઇટાલી જવાનું નક્કી થયું ત્યારે અમને જરા ચિંતા થઈ ગયેલી, પણ તેણે સફળતાપૂર્વક પડકારને પાર પાડ્યો. અમારે તેની સાથે વાતચીત થઈ છે. તે એકદમ સ્વસ્થ છે અને હાલ સાવચેતીના ભાગરૂપે ઘરે સૅલ્ફ-આઇસોલેશનમાં છે.
 
દરમિયાન આ સમગ્ર બાબતે ઍર-ઇન્ડિયાના અન્ય એક મહિલા પાઇલટ કૅપ્ટન જેસ્મિન મિસ્ત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે પાઇલટ છીએ. કામની દૃષ્ટિએ પુરુષ-સ્ત્રી બન્ને સરખાં જ છે."
 
"ઍર ઇન્ડિયા એક ખૂબ જ સારી કંપની છે અને તેનો ભાગ હોવું ગર્વની વાત છે. અમારા માટે ભારતીય નાગરિકો જ્યાં પણ રહેતા હોય, કોઈ પણ દેશમાં, પણ અમારા માટે એ અમારો પરિવાર છે. તમામ સુરક્ષિત રહે એવી શુભકામના છે."
 
વધુમાં ઇટાલીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વિશેની જાણકારી આપતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રધાન હરદીપ સિંઘ પુરીએ ટ્વિટર પર લખ્યું કે, "જ્યારે સમય મુશ્કેલ હોય ત્યારે મજબૂત લોકો તેનો સામનો કરે છે."
 
"ઍર ઇન્ડિયાના કૅપ્ટન સ્વાતિ રાવલ અને કૅપ્ટન ચૌહાને વિશેષ ફરજ પર હાજર થઈને બોઇંગ 777 ફ્લાઇટની ઉડાણ ભરી હતી. તેમણે ઇટાલીના રોમમાં ફસાયેલા 263 ભારતીયો, ખાસ કરીને મુખ્યત્વે વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરીને અદમ્ય સાહસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે."
 
વળી વેદાંતા ગ્રૂપના ચૅરમૅન અનિલ અગ્રવાલે (જેમણે કોરોના વાઇરસ સામેની લડાઈમાં 100 કરોડ રૂપિયાની સહાયની તાજેતરમાં જાહેરાત કરી છે) પણ સ્વાતિ રાવલના કામની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, "આ ગૌરવની ક્ષણ છે. કૅપ્ટન સ્વાતિ અને તેમની ટીમે પ્રભાવક કામગીરી કરી છે. 5 વર્ષના બાળકનાં માતા સ્વાતિએ ઘણું સાહસી કામ કર્યું છે." ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય, ગુજરાત સરકાર તથા ઇટાલીમાં ઇન્ડિયન ઍમ્બેસી દ્વારા ટ્વિટર પર સ્વાતિ રાવલ ઍન્ડ ટીમની પ્રશંસા કરવામાં આવી છે.
 
સોશિયલ મીડિયા પર દેશભરના યૂઝર્સ પણ તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે.