સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સૌતિક બિસ્વાસ|
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2020 (09:13 IST)

કોરોના વાઇરસ : ગુજરાતના પડોશી રાજસ્થાનનું ભીલવાડા ખરેખર 'ભારતનું ઇટાલી' બનશે?

રાજસ્થાનના એક શહેરની ખાનગી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં આઠમી માર્ચે સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યે 68 વર્ષીય એક પુરુષને દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂમૉનિયાથી પીડાતા એ પુરુષને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. ભીલવાડાસ્થિત બ્રિજેશ બાંગર મેમોરિયલ હૉસ્પિટલમાં 58 વર્ષના ઇન્ટર્નલ મેડિસિનના ડૉક્ટર આલોક મિત્તલ અને તેમની ટીમે નવા દર્દીને તપાસ્યો હતો. એ દર્દીને, તેણે છેલ્લા કેટલાક દિવસોમાં ક્યાં-ક્યાં પ્રવાસ કર્યો હતો એ પૂછવામાં આવ્યું નહોતું અને દર્દીએ તેની ટ્રાવેલ હિસ્ટરી જણાવી પણ ન હતી. આઈસીયુમાં બીજા છ દર્દીઓ પણ હતા.
 
એ પુરુષ દર્દીની હાલતમાં ખાસ સુધારો થયો ન હતો અને બે દિવસ પછી તેને ભીલવાડાથી 250 કિલોમીટર દૂર આવેલા જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ખાસ પ્રકારની સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જયપુરની બે હૉસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી હતી.
 
ભીલવાડાથી આવેલા એ પુરુષ દર્દીની સારવાર કરનાર નર્સ શાંતિલાલ આચાર્યે કહ્યું હતું, "શું થશે તેની અમને કંઈ જ ખબર ન હતી."
 
જયપુરમાંની એ હૉસ્પિટલે પણ ભારે ન્યૂમોનિયાથી પીડાતા એ પુરુષ દર્દીનું કોરોના વાઇરસ માટે કોઈ અકળ કારણસર પરીક્ષણ કર્યું ન હતું. એ દર્દીની હાલત ઝડપથી કથળી હતી અને 13 માર્ચે તેનું મૃત્યુ થયું હતું. એ દર્દીના મૃત્યુના સમાચાર ડૉ. મિત્તલ અને તેમની ટીમને આપવામાં આવ્યા હતા.
 
આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં કોવિડ-19 ફાટી નીકળવાની તૈયારીમાં છે એ સ્પષ્ટ હોવા છતાં ડૉક્ટરો પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યા ન હતા. 
ભારતમાં 25 માર્ચે બપોરે 3.15 સુધી કોરોના વાઇરસના 512 કન્ફર્મ્ડ કેસ તથા 9 મૃત્યુ નોંધાયાં છે અને પરીક્ષણનું પ્રમાણ અત્યંત ઓછું છે. અહેવાલો અનુસાર, ડૉ. મિત્તલ અને અન્ય લોકો નવમી માર્ચે ઉદયપુર ગયા હતા અને એક રિસોર્ટમાં હોળી રમ્યા હતા. (ડૉ. મિત્તલના સંપર્ક માટે ફોન તથા ટેક્સ્ટ મૅસેજ દ્વારા વારંવાર પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો)
 
ન્યૂમોનિયાના દર્દીના મૃત્યુના દિવસો પછી ડૉ. મિત્તલ અને તેમના એક સાથી એક સરકારી હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લેતા થયા હતા.
એ પછીના થોડા દિવસોમાં તેમની હૉસ્પિટલના બીજા કેટલાક સાથીઓ પણ આઇસોલેશન વોર્ડમાં સારવાર લેવામાં જોડાયા હતા. ડૉ. મિત્તલ સહિતના 12 લોકો કોવિડ-19નો ચેપ લાગ્યો હોવાનું પરીક્ષણમાં જાણવા મળ્યું હતું. એ પછીના દિવસે હૉસ્પિટલની તબીબી ટીમને લાગેલા ચેપના સમાચાર બહાર આવ્યા હતા અને આભ તૂટી પડ્યું હતું. ખાનગી હૉસ્પિટલમાં સંખ્યાબંધ લોકો સારવાર માટે આવવા લાગ્યા હતા. ગભરાયેલા લોકોએ ચેપના પ્રસાર માટે ડૉક્ટરોને દોષી ઠરાવવાનું શરૂ કર્યું એટલે સત્તાવાળાઓ ઝડપથી પગલાં ભરવાં લાગ્યા હતા.
 
સત્તાવાળાઓએ 'જનતા કર્ફ્યુ' લાદ્યો હતો અને લોકોને ઘરમાંથી બહાર નીકળવાની તથા જાહેર સમારંભોની મનાઈ ફરમાવી હતી. સત્તાવાળાઓએ સ્કૂલ્સ, કૉલેજો, ઑફિસો બંધ કરાવ્યાં હતાં અને લોકોના જિલ્લામાં આવવા તથા બહાર જવાનું બંધ કરાવ્યું હતું. ખાનગી હૉસ્પિટલને સીલ કરવામાં આવી હતી અને તેના 88 દર્દીઓને બીજી હૉસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
 
સ્થાનિક પત્રકાર પ્રમોદ તિવારીએ મને કહ્યું હતું, "ગંભીર જોખમ છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે એવું અધિકારીઓએ અમને જણાવ્યું હતું."
 
તેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની આશંકાએ ભીલવાડામાં એ બધું જ કરવામાં આવ્યું હતું, જે થોડા દિવસ પછી સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે.
 
ભારતમાં વાઇરસનું સૌપ્રથમ હોટસ્પૉટ?
 
સવાલ એ છે કે ચાર લાખથી વધુ લોકોની વસતી ધરાવતું અને દેશનાં મોટાં કાપડ ઉત્પાદક શહેરો પૈકીનું એક આ શહેર ભારતમાં કોરોના વાઇરસનું સૌપ્રથમ હોટસ્પૉટ બનશે? રવિવારે સાંજ સુધીમાં ભીલવાડામાં 69 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં 24થી 58 વર્ષ સુધીની વયના ડૉક્ટર્સ અને પૅરામેડિક્સ સહિતના 13 લોકોને ચેપ લાગ્યો હોવાનું પરીક્ષણમાં સાબિત થયું હતું. એ 13 લોકો પૈકીના મોટા ભાગના હૉસ્પિટલના કર્મચારીઓ છે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
 
જિલ્લાના ચીફ મેડિકલ ઑફિસર ડૉ. અરુણ ગૌરે મને કહ્યું હતું, "એ બધાની તબિયત સારી છે."
 
જોકે, પરિસ્થિતિ વણસી શકી હોત.
 
20 ફેબ્રુઆરીથી શરૂ કરીને ગયા અઠવાડિયે આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા એ પહેલાં ડૉ. મિત્તલ અને તેમના સાથી તબીબોની ટીમે રાજસ્થાનના 13 જિલ્લામાંથી હૉસ્પિટલમાં આવેલા 6,192 દર્દીઓને તથા ચાર અન્ય રાજ્યોના 39 દર્દીઓને તપાસ્યા હતા.
 
ચીન અને ઇટાલીના અનુભવમાંથી પાઠ ભણ્યા બાદ ડૉક્ટરો હવે જાણે છે કે હૉસ્પિટલો કોવિડ-19ના પ્રસારનો મુખ્ય સ્રોત બની શકે છે. મેર્સ (MERS) અને સાર્સ (SARS) નામના રોગના પ્રસારનું પ્રમાણ હૉસ્પિટલોમાં ઊંચું રહ્યું હતું.
 
અધિકારીઓને ભય છે કે ભીલવાડા હૉસ્પિટલ નજીકના મોટા ભૌગોલિક વિસ્તારમાં સામુદાયિક સંક્રમણની સંભાવના વાસ્તવિકતા બની શકે છે.
 
જે દર્દી ત્રણ હૉસ્પિટલમાં સારવાર લઈને અહીં આવ્યા હતા અને મૃત્યુ પહેલાં તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું એ દર્દીને કારણે કોવિડ-19 ભીલવાડામાં પહોંચ્યો હતો? હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80થી વધારે દર્દીઓ પૈકીના એક દર્દીને તેને ચેપ લાગ્યો હતો?
 
ઇન્ટેન્સિવ કૅર યુનિટમાંના બીજા દર્દીને લીધે એ પ્રસર્યો હતો? કે પછી કોઈ એક ડૉક્ટરને અજાણતાં ચેપ લાગ્યો હતો અને તેમના લીધે તેનો પ્રસાર થયો હતો?
 
કોણ કોના સંપર્કમાં આવ્યું હતું તે અને પરીક્ષણની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ સવાલોના જવાબ મળવાના નથી અને એ બાબત ડરામણી છે.
 
પ્રસાર ક્યાંથી શરૂ થયો એ વિશેની આધારભૂત માહિતીના અભાવે અફવાને મોકળું મેદાન મળે છે. સ્થાનિક મીડિયાએ એવા અહેવાલ પ્રસારિત કર્યા હતા કે હૉસ્પિટલના એક ડૉક્ટરના ઘરે સાઉદી અરેબિયાથી મહેમાન આવ્યા હતા અને ડૉક્ટરને તેમનાથી ચેપ લાગ્યો હતો. ડૉક્ટર હૉસ્પિટલે ગયા હતા અને તેમનો ચેપ તેમના સાથીઓને લાગ્યો હતો.
 
આઈસીયુમાં સારવાર લઈ રહેલા ડૉ. નિયાઝ ખાને અફવાઓને ડામવા માટે તેમના મોબાઇલ ફોન પર એક વીડિયો રેકર્ડ કરવો પડ્યો હતો.
 
મૉનિટર્સની વચ્ચે હૉસ્પિટલના બેડ પરથી માસ્કધારી ડૉ. ખાને કહ્યું હતું, "હું સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે મારા કોઈ સગાં સાઉદી અરેબિયામાં નથી.
 
મારી પત્ની તથા દીકરા પૈકીના કોઈને આ રોગનો ચેપ લાગ્યો નથી. મીડિયામાંથી આવતા સમાચારોને સાચા માનશો નહીં."
 
બીજા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે હૉસ્પિટલને દોષી ઠરાવવાનું યોગ્ય નથી. તેમણે કહ્યું હતું, "દર્દીએ અમને મૂર્ખ બનાવ્યા હતા અને કહ્યું હતું કે તેણે પરદેશનો પ્રવાસ કર્યો નથી. એ દર્દી બે દિવસ અમારી સાથે આઈસીયુમાં હતો."
 
ડૉ. મિત્તલ અને તેમનાં પત્નીને ચેપ લાગ્યો હોવાનું પરીક્ષણમાં સાબિત થયું હતું. તેમણે પણ આઇસોલેશનમાં એક વીડિયો બનાવીને જણાવ્યું હતું કે તેમને ચેપ લાગ્યો છે અને તેમની તબિયત સારી છે. "મહેરબાની કરીને ગભરાશો નહીં," એવું તેમણે કહ્યું હતું.
 
કહેવું આસાન હોય છે, પણ કરવું મુશ્કેલ હોય છે.પરિસ્થિતિની ગંભીરતાને સમજીને સરકારી કર્મચારીઓ તથા સ્વયંસેવકોની 300 ટીમો સમગ્ર ભીલવાડા શહેરમાં કામે લાગી ગઈ છે. તેઓ 78,000 ઘર પૈકીના દરેકના દરવાજે ટકોરા મારી રહ્યા છે અને તેમાં રહેલા લોકોને પૂછી રહ્યા છે કે તમારે ત્યાં પરદેશથી કોઈ આવ્યું છે? તેમણે હૉસ્પિટલમાં સારવાર લીધી છે? અથવા જેમને ચેપ લાગ્યાનું પુરવાર થયું હોય એવી કોઈ વ્યક્તિને તેઓ જાણે છે?
 
એક રહેવાસીએ મને કહ્યું હતું, "તેઓ અમને શરદી, ખાંસી કે તાવ વિશે પણ પૂછી રહ્યા છે. આવાં કોઈ લક્ષણ જણાય તો સરકારી હૉસ્પિટલમાં પરીક્ષણ કરાવવાની સૂચના તેમણે અમને આપી છે."
 
બાજુનાં ગામડાંઓમાં 25 લાખથી વધુ લોકો વસે છે અને તેમાં તપાસ માટે બીજી 1,900 ટીમોને મોકલવામાં આવી છે.શંકાસ્પદ જણાય તેવા લોકોને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 7,000 લોકોને ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. ચેપમાં વધારો થવાના ભયે હૉસ્પિટલના 30 પથારીવાળા આઇસોલેશન વોર્ડમાં વધુ 20 બેડ્સ ઉમેરવામાં આવ્યા છે. આઇસોલેશન વોર્ડ હવે દર્દીઓથી ભરાઈ ગયો છે. છ ખાનગી હૉસ્પિટલોએ આઇસોલેશન માટે વધારાના 35 બેડ્સ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે.
 
જિલ્લાના સૌથી સિનિયર અધિકારી રાજેન્દ્ર ભટ્ટે મને જણાવ્યું હતું કે દર્દીઓને ક્વૉરન્ટાઇન માટે રાખી શકાય તેવી 450 બેડ્સ સાથેનાં 13 સ્થળોની માહિતી પણ મેળવી લેવાઈ છે. તેમાં 2,000 બેડ્સ સમાવવાની ક્ષમતા છે.
 
રાજેન્દ્ર ભટ્ટે કહ્યું હતું, "આ યુદ્ધ લડવા જેવું છે, પણ અમે ચુસ્ત અને સતર્ક છીએ."
 
બીજી તરફ, અહીંના રહેવાસીઓ, દેશમાં અન્ય વિસ્તારોની રહેવાસીઓની માફક, વિસ્તારિત લૉકડાઉન તથા કર્ફ્યુને સહન કરી રહ્યા છે.
 
કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર રાજકુમાર જૈન તેમના સંયુક્ત પરિવારના 14 સભ્યો સાથે બે માળના મકાનમાં બંધ છે. તેમણે મને કહ્યું હતું, "અમે ભયભીત છીએ. અહીંના લોકો કહે છે કે ભીલવાડા ભારતનું ઇટાલી બનવાનું છે."