શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ભૂમિકા રાય|
Last Modified: ગુરુવાર, 16 મે 2019 (19:26 IST)

આત્મદાહની કોશિશ કરનાર યુવતીનો દસ હજારમાં થયો હતો સોદો, સોળ લોકો સામે બળાત્કારનો આરોપ

બીબીસી સંવાદદાતા
વીસ વર્ષીય ગીતા (બદલાયેલું નામ) સંપૂર્ણપણે સળગેલી હાલતમાં દિલ્હીની હૉસ્પિટલમાં દાખલ છે. ગત મહિનાની 28 તારીખને તેમણે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
તેમની કહાણી હાપુડથી શરૂ થઈને વાયા મુરાદાબાદથી દિલ્હી સુધી આવી પહોંચી છે.
ત્રણ પતિ... દસ હજારમાં સોદો.... ત્રણ બાળકો... બળાત્કારના 16 આરોપી અને આત્મહત્યાનો પ્રયાસ. ગીતાની હાલત હાલ સ્થિર છે.
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના શાયમપુરજટ્ટ ગામનાં રહેવાસી 20 વર્ષીય ગીતાએ હાપુડ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમના વારંવાર કહેવાં છતાં FIR ન લખી જેનાથી દુઃખી થઈને તેમણે પોતાને આગ લગાવી દીધી.
જોકે, પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા છે. હાપુડ પોલીસના જણાવ્યા પ્રમાણે આખો મામલો જ શંકાસ્પદ છે અને તપાસ ચાલી રહી છે.
આ મામલાની નોંધ લઈ દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે અને આ મામલે તુરંત ધ્યાન દોરવા નિવેદન કર્યું છે.
સાથે જ FIR નોંધાય એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરતા આરોપીઓની ધરપકડની માગ કરી છે. સ્વાતિ માલીવાલના આ પત્ર પર તારીખ 11 મે છે.
 
એ પછી બીજે દિવસે એટલે કે 12 મેના રોજ હાપુડના પોલીસ સ્ટેશન બાબૂગઢમાં FIR નોંધાઈ ગઈ છે. FIRમાં 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
13 મેના રોજ રાષ્ટ્રિય માનવઅધિકાર પંચે પણ આ મામલે નોંધ લીધી અને મીડિયા રિપોર્ટને આધાર ગણાવતા મુખ્ય સચિવ અને ડીજીપી પાસે રિપોર્ટ માગ્યો છે.
રાષ્ટ્રીય મહિલા પંચે પણ આની નોંધ લીધી છે પરંતુ આ કહાણીના બીજા ઘણા પક્ષ અને પાત્રો છે.
 
કોણ છે ગીતા અને તેઓ શ્યામપુરજટ્ટ કેવી રીતે પહોંચ્યાં?
 
 
ગીતાના કેસ મામલે 13 મેના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પણ આ મામલે સંજ્ઞાન લીઘો
હાપુડના શૈસપુરા ગામનાં રહેવાસી ગીતાનાં પહેલા લગ્ન 14 વર્ષની વયે મોનુ (બદલાયેલું નામ) સાથે થયા હતા જે આશરે એક વર્ષ સુધી ટક્યા.
ગીતા પોતાના પહેલા દીકરાને લઈને પોતાનાં પિયર આવી ગયાં અને થોડાં સમય બાદ મોનુ પાસેથી તેમણે છૂટાછેડા લઈ લીધા
ત્યારબાદ ગીતાનાં લગ્ન શ્યામપુરજટ્ટ ગામના રહેવાસી વિનોદ (બદલાયેલું નામ) સાથે કરાવી દેવામાં આવ્યા.
ગીતાનો આરોપ છે કે તેમના પિતા રામ (બદલાયેલું નામ)એ દસ હજાર રૂપિયા લઈને 33 વર્ષીય વિનોદ સાથે એમનો સોદો કર્યો હતો.
જોકે, ગીતાના પિતા રામ અને વિનોદ, બન્ને સોદો થયો હોવાની વાતને ફગાવે છે.
વિનોદે બીબીસીને કહ્યું કે તેમણે ક્યારેય પૈસા આપ્યા નથી. આ દાવો રામ અને તેમનાં પત્નીનો પણ છે.
વિનોદ કહે છે, "હું મજૂર છું. એક મહિને માંડ માંડ છ હજાર કમાવું છું. દસ હજાર ક્યાંથી લાવીશ.. તેમના પિતા જ આવ્યા હતા મારી પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને."
બાબૂગઢ પોલીસ સ્ટેશનમાં ગીતા તરફથી નોંધવામાં આવેલી FIRમાં ક્યાંય પણ વિનોદ સાથે વિધિવત લગ્નનો ઉલ્લેખ નથી.
FIRના પ્રમાણે આ એક સોદો હતો. સ્ટેમ્પ પેપર લખ્યું - શિક્ષિત ગીતાને તેમના દીકરા સાથે વિનોદને સોંપી દેવાયાં હતાં.
 
 
FIRમાં 16 લોકોને બળાત્કારના આરોપમાં આરોપી ગણાવવામાં આવ્યા છે.
ગીતાનો આરોપ છે કે આ 16 લોકોએ છેલ્લા પાંચ વર્ષોમાં તેમની સાથે બળાત્કાર કર્યો છે.
ગીતાના નિવેદન મૂજબ, વિનોદે ગામની જ એક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. ગમે તે રીતે પતિ પત્નીએ મળીને મૂળ રકમ તો ચૂકવી દીધી પરંતુ વ્યાજ ચૂકવી શક્યા નહીં.
આ જ દબાણમાં આવીને એ વ્યક્તિએ ગીતા સાથે બળાત્કાર કર્યો. એક વખત નહીં, ઘણી વખત તેમને ડરાવી- ધમકાવીને તેમનાં પર બળાત્કાર કર્યો.
આ દરમિયાન ગીતા ગર્ભવતી બન્યાં અને તેમણે એક દીકરાને જન્મ આપ્યો.
જોકે, વિનોદ આ વાતને નકારે છે અને તે દીકરાને પોતાનો ગણાવે છે.
ગીતાએ નોંધાવેલી FIRમાં ઘટનાસ્થળના વિવરણ સાથે બળાત્કારનો ઉલ્લેખ છે.
FIR પ્રમાણે ગીતા ઘરોમાં કામ કરતાં હતાં અને આ દરમિયાન અલગ અલગ લોકોએ તેમનું શોષણ કર્યું.
ગીતાનો દાવો છે કે તેમણે પોતાના પતિ વિનોદને ઘણી વખત પોતાનાં પર થઈ રહેલા અત્યાચાર અંગે જણાવ્યું પરંતુ પતિએ દર વખતે તેમને શાંત રહેવા કહ્યું અને તેમની વાતને સાંભળી નહીં.
જોકે, વિનોદ કહે છે, "ગીતાએ ક્યારેય એ કહ્યું નથી કે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે."
આ તરફ વિનોદ ગીતા પર જ આરોપ લગાવે છે.
તેમનું કહેવું છે કે ગીતામાં જ ખોટ છે. નહીં તો તેઓ ગામના જ એક ત્રીજા યુવક ભુવન (બદલાયેલું નામ) સાથે કેમ જતાં? એ પણ પોતાના ત્રણ નાના નાના બાળકોને તેમની પાસે છોડીને.
એક તરફ જ્યાં વિનોદ, ગીતા પર ભુવન સાથે જતા રહેવાને અયોગ્ય ગણાવે છે ત્યાં ભુવન સાથે જ્યારે અમે વાત કરી તો તેમણે કહ્યું કે ગીતાની વાત કોઈ સાંભળી રહ્યું ન હતું, એ માટે તેમણે ગીતાને સાથ આપવાનો નિર્ણય લીધો.
 
ત્રીજા પતિ અને મુરાદાબાદ
FIRમાં ભુવનને ગીતાના વર્તમાન પતિ ગણાવવામાં આવ્યા છે એટલે કે ત્રીજા પતિ.
તો શું ગીતા અને વિનોદ વચ્ચે છૂટાછેડા લેવાઈ ગયા છે?
આ સવાલ જ્યારે અમે ભુવનને પૂછ્યો તો તેમણે કહ્યું કે છૂટાછેડા થયા નથી પરંતુ ગીતાએ સાદા કાગળ પર લખીને આપી દીધું હતું કે કેઓ વિનોદ સાથે રહેવા માગતાં નથી.
અમારા લગ્નની વાત કરીએ તો અમે સ્ટેમ્પ પેપર પર લેખિતમાં લગ્ન કર્યાં છે.
ભુવન કહે છે કે ગીતાએ પોતાની આપવીતી સંભળાવી જ્યારબાદ તેમણે નક્કી કર્યું કે કોઈ તેમનો સાથ આપે ન આપે પરંતુ તેઓ ગીતાની સાથે ઊભા રહેશે.
પરંતુ તમે ગીતાને લઈને મુરાદાબાદ કેમ જતા રહ્યા?
આ સવાલના જવાબમાં ભુવન કહે છે, "મેં મારા ઘરમાં ગીતા મામલે વાત કરી તો કોઈએ મારો સાથ ન આપ્યો. સૌએ વિરોધ કર્યો. સરપંચે પણ અમારી મદદ ન કરી. બીજી તરફ તેમને સતત ધમકીઓ મળી રહી હતી. તેવામાં અમને લાગ્યું કે આ ગામ છોડી દેવામાં જ ભલાઈ છે."
એક તરફ જ્યાં FIRમાં લખાયું છે કે ભુવન અને ગીતા 23 નવેમ્બર 2018થી મુરાદાબાદમાં લિવ-ઇન રિલેશનશીપમાં રહી રહ્યાં હતાં ત્યાં ભુવનના પિતા કહે છે કે ગીતા અને ભુવન છેલ્લા દોઢ વર્ષથી સાથે રહે છે.